લઘુનવલ:‘મારો દીકરો સાવજને તો પહોંચી વળે પણ મને ભય લુચ્ચા અને કપટી શિયાળવાનો છે!’

12 દિવસ પહેલાલેખક: કિન્નરી શ્રોફ
  • કૉપી લિંક

(પ્રકરણ:3) કાશ, અજાતશત્રુ અહીં આવી જાય! ક્લબનો રાઉન્ડ લેતી ચાંદનીને અજાતની ખોટ સાલવા લાગી. કેવું સરસ એમ્બિયન્સ છે. જોડે અજાત હોત તો કંઇક અલકમલકની વાતો કરત! કે પછી હાથમાં હાથ પરોવી, એકબીજાને નિહાળતાં બેસી રહેત? અજાત...અજાત! ઓહ, કેમ હું એને ઝંખું છું? આને જ પ્રેમ કહેતા હશે? ના રે. એમ તે બે મુલાકાતોમાં હૈયું હરાતું હશે? અરે, હું જાણું પણ શું છું અજાત વિશે? ક્ષત્રિય છે, ફોરેસ્ટ ઓફિસર છે, બેચલર છે... બસ? એવો જ ભીતરથી સાદ ઉઠ્યો: સિંહની કેશવાળી પંપાળી શકે એ જવામર્દ સવાયો સાવજ જ હોય...એનાં મૂળ-કૂળ પૂછવાનાં ન હોય! અને પૂછીને પ્રીત ન થાય, ચાંદની! ગિરનારની ટોચે તને ભાળી એ કેવો મ્હોરી ઊઠેલો, એને ય તારા માટે કંઇક હશે તો જને! ‘ક્યાં ખોવાણી, ચાંદની?’ સંવેગના સવાલે ચાંદનીએ હૈયે લગામ તાણી વિચારમેળો બંધ કરી દીધો,‘જગ્યા બહુ સરસ છે. થેન્ક્સ, વિકાસભાઇ.’ અજાણતા જ એનાથી ભાઇ પર ભાર મૂકાઇ ગયો, એથી વિકાસ અકળાય એ પહેલાં પૂછી લીધુ, ‘તમે અહીંના મેમ્બર છો?’ વિકાસ બ્રાન્ડેડ ક્લોથ્સ પહેરે છે, લક્ઝુરિયસ કાર ધરાવે છે, શહેરના શ્રીમંતોમાં એની ઓળખાણ છે એ હિસાબે ચાંદનીએ પૂછવાની ઢબે અનુમાન ઉચ્ચાર્યુ. ‘ના રે. ક્લબની મેમ્બરશિપના બ્લેક બોલાય છે, ને મોં માગ્યા દામ આપવા છતાં ય મળતી નથી. આપણી એટલી પહોંચ કયાંથી!’ વિકાસને તરત ખ્યાલ આવ્યો કે છોકરી આગળ આર્થિક પાસું ખોલી ખોટું કર્યુ એટલે વાળી લીધુ, ‘મારા અંકલનું કાર્ડ છે જ, પછી બીજાની શી જરૂર?’ જંગલખાતાના પ્રધાન વિકાસના સગામાં થાય એટલી જાણ છે, પણ પ્રધાનશ્રીને બીજા સગાં, અરે, પોતાનો પરિવાર નહીં હોય! વિકાસની વૈભવી લાઇફ સ્ટાઇલ સાથે પણ પહોંચનું સ્ટેટમેન્ટ ફિટ નથી બેસતું, પણ એનું પિષ્ટપેષણ કરી વિકાસને ખોટું મહત્ત્વ નથી આપવું! ડિનર માટે ડાઇનિંગ હોલમાં જતાં પહેલાં એ વોશરૂમ તરફ ફંટાઇ. *** ‘ઊભા રહો.’ કાર્ડરૂમમાંથી ડાઇનિંગ હોલ તરફ જતા રસ્તામાં વિશાખા વોશરૂમ તરફ વળ્યા, એ જ વખતે ચાંદનીનું ત્યાંથી નીકળવાનું થયું. ‘તમારે વોશરૂમ ન જવું હોય તો મારી અહીં જ રાહ જોજો. કેબ્રે ડાન્સરને જોવા લાળ ટપકાવતા દોડી જશો એથી એ તમારા પર રિઝવાની નથી અને એ રીઝે તો પણ તમારાથી કંઇ થઇ શકવાનું નથી!’ પતિને દાબમાં રાખી ઝીણા સાદે બોલતા વિશાખાદેવીને વણસાંભળ્યા કરી ચાંદની આગળ વધી ગઇ, છતાં અણખટ તો રહી જ : જાગીરદાર સાહેબના ધર્મપત્ની આ શું બોલી ગયા! વિશાખાદેવીના બોલમાં રોષ હતો, ઉપહાસ હતો અને સામે ઠાકુરસાહેબ જો જરા કંઇ બોલી શકયા હોય! ‘હોય એ તો...’ સંવેગ-વિકાસ સમક્ષ અમસ્તી જ આ વાત છેડતા વિકાસ મીંઢું મલક્યો, ‘બીજીવારની પત્ની વીસ-પચીસ વરસ નાની હોય ત્યારે ઉંમરના આ પડાવે એનો અસંતોષ બોલકો થઇ જાય એ સ્વાભાવિક છે!’ વિકાસ અસંતોષનો શબ્દપ્રયોગ કયા અર્થમાં કરી રહ્યો છે એ તો ચાંદનીને સમજાયું નહી, પણ બીજીવારના પત્નીના ઉલ્લેખે એ ચમકી, ‘મતલબ એમના પહેલા પત્નીનો સ્વર્ગવાસ...’ ‘એવું જ કંઇક હશે, એટલી જૂની હિસ્ટ્રી કોણે જાણી! પણ છોડો એમને, આપણે ડાઇનિંગ હોલમાં ગોઠવાઇએ, ભૂખ પણ લાગી છે ને ડાન્સ શો પણ શરૂ થવાનો... નો, જોકે ડાન્સની ઇવેન્ટ સમયે રેસ્ટોરામાં અઢારની અંદરનાને પ્રવેશ નથી, ઇટસ ઓબ્વિયસલી નોટ એન એડલ્ટ શો...’ કહેતા વિકાસે એક હાથમાં સંવેગનો હાથ પકડી બીજો હાથ ચાંદની તરફ લંબાવ્યો, પણ હાથ દેવાને બદલે એ આગળ સરકી ગઇ: હું આપણું ટેબલ જોઇ લઉ... ક્યાં સુધી દૂર ભાગીશ, ચાંદની! વિકાસના ચિત્તમાં પડઘો પડ્યો : તું મને ટાળે છે એમ તને પામવાની મારી જીદ ગંઠાતી જાય છે...જોજે, એ તને જ ભારે ન પડે! *** ‘વોર્મ વેલકમ ટૂ અવર ઓનરેબલ ગેસ્ટસ’ મેનેજરના સંબોધન પછી ક્લબહાઉસની રેસ્ટોરામાં ગણગણાટ શાંત થઇ ગયો. ચાંદનીએ જોયું તો રિવોલ્વિંગ ડાઇનિંગ-હોલનાં બધાં ટેબલ્સ લગભગ ફુલ હતા. કાર્ડ રૂમ, પુલ સાઈડમાંથી જેમણે શો જોવા ટેબલ રિઝર્વ કરાવ્યાં હતાં એ પોતાનું સ્થાન લઇ રહ્યાં હતાં. સજ્જનસિંહ અને એમના બીજીવારના પત્ની વિશાખાદેવી એમની પાછળ જ ગોઠવાયા. ખરેખર તો અહીં ડાન્સ ફ્લોરનો વ્યૂ મળી રહે એ રીતે ટેબલ-સોફાચેરની વ્યવસ્થા હતી. સંવેગ-વિકાસની સામા સોફા પર ગોઠવાયેલી ચાંદનીની પાછળના સોફા પર વિશાખાદેવી બિરાજ્યા જ્યારે જાગીરદારે પત્નીની સામે બેઠક લીધી. એકાદ ઉમરાવે સજ્જનસિંહના ખબર અંતર પૂછતા વિશાખાદેવી બોલ્યા પણ કેવું : નરમગરમ ચાલ્યા કરે, વિધાતાએ લખ્યા હશે એટલા શ્વાસ લીધા વિના કોઇ મર્યુ છે? ના, પત્નીનો પતિ પ્રત્યેનો અણગમો ચાંદનીથી છૂપો નહોતો, છતાં એક પત્ની પતિ વિશે આવું બોલી જ કેમ શકે? હશે. દુનિયામાં દરેક પુરુષ રામ નથી હોતો ને દરેક સ્ત્રી સીતા નથી હોતી. એ જ વખતે મેનેજરે જાહેરાત કરતા ચાંદની એકાગ્ર થઇ : ‘આપ સૌને જેનો ઇંતજાર છે એ અમારી ક્લબની શાન ડાન્સર રુખસાના થોડીવારમાં એમની આઇટમ સાથે પેશ થાય છે. તનમાં ગરમી ફેલાવી મનમાં ગલીપચી કરી જતી અમારી ડાન્સરની અદાથી મોટાભાગના પ્રેક્ષકો વાકેફ છે. સો ટેક કેર ઓફ યોર સેલ્વ્ઝ... હીઅર શી કમ્સ...’ સર્વિંગની શરૂઆત સાથે ડાન્સ આઇટમની જાહેરાત થઇ કે તરત હોલની રોશની ઝીણી થઇ અને સ્ટેજ ઝગમગી ઉઠ્યુ. એ સાથે જ હળવા ધક્કાભેર ટેબલ ફ્લોર ગોળ ચક્કર કાપવા લાગ્યું. સંગીતની થાપ સાથે ડાન્સ ફ્લોર પર પ્રવેશતી ડાન્સરને તાળીઓથી વધાવી લેવાઇ. ઓડિયન્સ તરફ ફ્લાઇંગ કિસ ફંગોળતી રુખસાનાએ વાતાવરણમાં મોજ ભરી દીધી. અપ્સરાના પહેરવેશમાં શક્ય એટલો દેહ ઉઘાડ દાખવી લયબદ્ધ નાચતી રુખસાનાને નિહાળી ચાંદનીને થયું, જરાય છોછ વિના નાચવાની રુખસાનાની કોઇ મજબૂરી હશે કે શોખ? ખરેખર, સ્ત્રીના નવલા જ રૂપ આજે જોવા મળી રહ્યા છે! *** અમેઝિંગ! પોણો કલાકે અંતિમ નૃત્ય પતાવી રુખસાનાએ તાળીઓના ગડગડાટ સામે ફ્લાઇંગ કિસ ફંગોળી વિદા લીધી, હોલ ફરી ઝળાંહળાં થઇ ઉઠ્યો. મોટાભાગનાનું ડિનર પણ થવા આવ્યું હતું. ચાંદની વગેરે ઉઠ્યા ત્યારે પાછળ બેઠેલું રજવાડી કપલ નીકળી ચૂકેલું. મુખવાસ લઇ પર્સ સમેટતી ચાંદનીનું ધ્યાન મોબાઇલની રિંગે ફંટાયું. જોયું તો પાછળના ટેબલ પર પડેલો મોબાઇલ રણકી રહ્યો હતો. સ્ક્રીન પર નામ ઝબૂકતુ હતુ : દિલાવર ડાર્લિંગ! અહીં તો સજ્જનસિંહ –વિશાખાદેવી બેઠા હતા... જરૂર તેઓ જ ફોન ભૂલ્યા હોય! ચાંદનીએ નજર દોડાવી તો બેઉ હોલની બહાર જતા દેખાયા... ‘આપણો ડ્રાઇવર અકરમ તમને ઘરે મૂકી જશે... મેં મારા માટે બીજી કાર મગાવી છે. હું હવેલી જાઉં છું...’ વિશાખાદેવીએ પતિને પોર્ચમાં દોરતા એમને સંભળાય એમ જ કહ્યું, મલકીને ઉમેર્યુ પણ, ‘આટલું હોટ પરફોર્મન્સ જોયા પછી ગરમીના ઉતારની વ્યવસ્થા પણ કરવી ઘટે ને! હવેલીએ દિલાવર પણ આવે છે...’ સજ્જનસિંહ સમક્ષ ચાલીસેક વરસના હટ્ટાકટ્ટા દિલાવરની છબી ઉપસી. આમેય એના ધંધા સારા નથી, પણ વિશાખાને તો જાણે એનો નેડો લાગ્યો છે! એક-બે વાર દિલાવરના ધંધા વિશે ટકોરી તો મોં વાંકું કરી બોલી ગયેલી : મને દિલાવરના ધંધા સાથે મતલબ નથી, હું જે સુખ ઝંખું છું એ પૂરેપૂરું આપે છે એટલી જ મને નિસ્બત! આ સાંભળીને જાગીરદાર સાહેબ માટે નિર્લેપ રહેવું મુશ્કેલ હતુ. પગથિયાં ઊતરતાં એમનું બેલેન્સ ખોરવાયું ને મોબાઇલ આપવા આવતી ચાંદનીએ દોડીને એમને સાચવી લીધા. ‘અરે!’ બીજી બાજુથી એમને પકડનાર વિશાખાદેવી મીઠાસથી વઢ્યા, ‘જરા સાચવો તો ખરા. આમેય થાપાનું હાડકું ભાંગી ચૂક્યા છો!’ પછી ચાંદની તરફ જોઇ મલક્યા, ‘થેન્ક્સ, હો બેટી. નહીંતર તારા દાદા આજ જોવા જેવી કરત.’ પતિને મારા દાદા બતાવતી નારીને હું દાદી કહું તો ગમે ખરું! ચાંદનીએ ફોન લંબાવ્યો, ‘તમે કદાચ ડિનર ટેબલ પર ભૂલી ગયા હતા.’ એણે કહેવાનું ટાળ્યું કે તમારા કોઇ ડાર્લિંગનો ફોન હતો! આવું કહેવું શોભાસ્પદ પણ ન ગણાય ને આ દિલાવરનુ ઉપનામ જ ડાર્લિંગ પાડ્યું હોય એવું પણ બને ને! ‘ઓહ, થેન્ક્સ!’ વિશાખાદેવીએ મોબાઇલ ચેક કર્યો. દિલાવરનો મિસકોલ જોઇ હવેલી પહોંચવાની અધીરાઇ વળ ખાવા લાગી. જરૂર દિલાવર હવેલી આવી ચૂક્યો હશે ને મારી વાટ જોતો હશે... ત્યા સંવેગ સાથે આવી પહોંચેલા વિકાસે પ્રણામ કર્યા, ઓળખ આપવાના બહાને ચાંદનીને મિત્ર કહેવાની તક ઝડપી લીધી, ‘જાગીરદાર સાહેબ, મેડમ... આ મારા મિત્રો – સંવેગ અને ચાંદની.’ ‘તારું નામ સરસ છે.’ વિશાખાદેવીએ ચાંદનીને કહ્યું ત્યાં એમની બેઉ કાર આવતા એમણે પહેલાં સજ્જનસિંહને બેસાડ્યા, ‘હું પાછળ આવું છું...’ કદાચ ચાંદની વગેરેને હાજરીને કારણે એમણે હવેલીનો ઉલ્લેખ ટાળ્યો, પણ સજ્જનસિંહ સમજી ગયા હતા કે પત્ની આજની રાત ઘરે નથી આવે, એ હવેલીમાં દિલાવર સાથે રાતવાસો કરવાની! એ હવેલી જે ક્યારેક મારી ઐયાશીનું આશ્રયસ્થાન હતી, હવે પત્નીના પતનનું ઠેકાણું બની છે! હ્રદયમાં પીડા અનુભવતા જાગીરદાર કારની બેઠકે માથું ઢાળી ગયા ને હળવા આંચકાભેર અકરમે કાર જૂનાગઢના નિવાસ સ્થાન તરફ હંકારી. *** ‘મા તું!’ શનિની એ રાત્રે, માને ક્વાર્ટરના દ્વારે ઉભી જોઇ અજાતશત્રુ નવાઇ પામ્યો: અત્યારે, અચાનક! ‘બસ, તને જોવા-મળવાનું મન થયુ એટલે આવી ગઇ..’ પગે પડતા દીકરાને છાતીસરસો ચાંપી એની પીઠ પસવારતા તેજકુંવરબાના આંગળાનું કંપન એકના એક દીકરાથી છાનું ન રહ્યું. અજાતશત્રુના કપાળે કરચલી ઉપસી. માનું જીવન ખુલ્લી કિતાબ જેવું રહ્યું છે મારા માટે... કોઇથી નહીં ડરનારી રાજપૂતાણીએ ગીરના જંગલમાં શું ભય જોયો હશે કે સર્વિસના છ મહિનામાં આ એની ચોથી મુલાકાત છે! ‘મા, તને મારા પર ભરોસો નથી?’ બીજું ટિફિન મંગાવી મા-દીકરો ખાવા બેઠા કે અજાતશત્રુએ સહેજ ગંભીરપણે વાત છેડી, ‘આ અગાઉ સવાઇ માધોપુરમાં બે વરસ રહ્યો ત્યારે તો તું માંડ એકાદ વાર આવેલી... ત્યાંના વાઘ કરતા અહીંના સિંહનો તને ભય છે?’ અને તેજકુંવરબાની મુખરેખા તંગ થઇ, ‘ના, મારો સાવજ જેવો દીકરો સિંહોને તો પહોંચી વળે, પણ ભય લુચ્ચા, કપટી શિયાળવાનો છે...’ અને એ શિયાળ એટલે મારા બાયોલોજિકલ ફાધર! અજાતશત્રુએ દમ ભીડ્યો ત્યાં એના મોબાઇલમાં સંકેત વાગી ઉઠ્યો: સિક્યોરિટી એલર્ટ. એણે ચકાસ્યું : નોર્થ ડિવિઝનમાં શંકાસ્પદ હિલચાલ જણાઇ રહી છે... ‘મા, મારે જવું પડશે...’ અધૂરા ભાણે અજાતશત્રુ ઊભો થઇ ગયો, ‘લાગે છે જંગલમાં સિંહ ચોર ઘૂસ્યા છે...’ ‘ભલે, જા, દીકરા’ તેજકુંવરબાએ સ્વસ્થપણે દીકરાને ફરજ પર મોકલ્યો, પણ અંતર ફફડ્યું: અધૂરા ભાણે ઊઠવાનુ અપશુકન દીકરાને નડે તો નહીંને!(ક્રમશ:)

અન્ય સમાચારો પણ છે...