તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મીઠી મૂંઝવણ:પૈસાદાર પરિવારની ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરાય?

11 દિવસ પહેલા
 • કૉપી લિંક

પ્રશ્ન : મારા પતિને સોસાયટીની બધી જ મહિલાઓ આકર્ષક લાગે છે અને તેઓ અવારનવાર તેમની સાથે વાત કરવાનું બહાનું શોધતા હોય છે. તેમનું આ વર્તન સોસાયટીમાં હાસ્યાસ્પદ બની ગયું છે. તેમની આ કુટેવ સુધારવા શું કરું? એક યુવતી (વડોદરા) ઉત્તર : ઘણા પુરુષો આવી ભ્રમરવૃત્તિ ધરાવતા હોય છે. તેમની આ કુટેવ દૂર કરવા માટે પત્નીએ થોડા વધારે પ્રયાસો કરવા પડે છે. પતિની જરૂરિયાતો તરફ ધ્યાન આપો. તેની ઉપેક્ષા ન કરો તથા અવારનવાર તેને એવો અનુભવ કરાવતા રહો કે તમારા માટે તે ખૂબ જ મહત્ત્વના છે. પતિની ઈચ્છા પૂરી કરો ત્યારે તેને એવું ન લાગવું જોઈએ કે તમે તેના પર કોઈ ઉપકાર કરો છો. પૂર્ણપણે સમર્પિત થઈ જાઓ પરંતુ સહેલાઈથી તેની માગણી સ્વીકારી પણ ન લેશો. ક્યારેક પ્રેમિકાની જેમ તેને તડપાવવાનું ચૂકતા નહીં. પતિ ઓફિસેથી પાછા આવે ત્યારે આખો દિવસ પહેરેલાં મેલાંઘેલાં વસ્ત્રોમાં આમ તેમ ન ફરતાં પતિની પસંદગીના વસ્ત્રો પહેરો. બની શકે તો તૈયાર થઈને પતિના આવવાની રાહ જુઓ. પતિની સ્ત્રીમિત્રોની ઈર્ષા ન કરશો. તેમની સાથે મિત્રતા કેળવો તથા તમારા પતિની ટેવોની તેમને જાણ કરો. ક્યારેક તેમને તમારા ઘરે પણ બોલાવો. તમારી જાતને ઘરગૃહસ્થી તથા બાળકોમાં પરોવીને ન રાખો, પરંતુ પતિ તરફ પણ ધ્યાન આપો. પ્રશ્ન : હું 29 વર્ષની પરિણીત મહિલા છું. મારી દીકરી ત્રણ વર્ષની છે. હવે હું અને મારા પતિ બીજું બાળક પ્લાન કરવા ઇચ્છીએ છીએ કારણ કે મેં સાંભળ્યું છે કે 30 વર્ષ પછી માતા બનવામાં સમસ્યા નડે છે. મારે એ જાણવું છે કે બે બાળકો વચ્ચે કેટલું અંતર રાખવું જોઇએ? એક મહિલા (રાજકોટ) ઉત્તર : બીજું બાળક ક્યારે લાવવું તેનો કોઈ ચોક્કસ સમય હોતો નથી. બે બાળકોનાં જન્મ વચ્ચે કેટલું અંતર હોવું જોઈએ તે વિશે દરેક કપલની માન્યતા અલગ અલગ હોય છે. બાળકના જન્મની એક કપલ પર ઈમોશનલ અને ફાઈનાન્સિયલ અસર ચોક્કસ થાય છે. બે બાળકો વચ્ચેનું અંતર કપલની પરિસ્થિતિ પર આધારિત હોય છે. કેટલાક દંપતી બે બાળકો વચ્ચે વધારે અંતર રાખે છે, જેથી બંને બાળકોને પૂરતો ટાઈમ આપી શકે તો કેટલાક દંપતી બે બાળકો વચ્ચે ઓછું અંતર રાખે છે, જેથી બંને બાળકોને રમવા માટે એકબીજાની કંપની મળી રહે. આર્થિક સ્થિરતા કોઈપણ પરિવાર માટે અગત્યની છે. દરેકને ખબર હોય જ છે કે બાળકના જન્મ પછી તમારો વાર્ષિક ખર્ચો વધી જવાનો છે એટલે બાળકના ઉછેર માટે બચત હોવી જરૂરી છે. તમે અને તમારા પાર્ટનર બંને એક જ સમયે બીજું બાળક લાવવા ઈચ્છો છો કે બંનેના વિચાર શું છે એની એકબીજા સાથે ચર્ચા કરવી જોઇએ. જ્યારે તમે બંને તૈયાર હોવ ત્યારે જ બીજું બેબી પ્લાન કરવું જોઈએ. ગર્ભધારણમાં ઉંમર પણ અગત્યનો ભાગ ભજવે છે. રિસર્ચ પ્રમાણે 35-40 વર્ષની વયે પહોંચ્યા બાદ મહિલાઓને સરળતાથી પ્રેગ્નેન્સી રહેતી નથી. જો કે ઘણા કિસ્સામાં મહિલાઓ 40ની ઉંમરે પણ માતા બની છે.

પ્રશ્ન : હું 26 વર્ષીય મધ્યમવર્ગીય પરિવારનો યુવક છું. જોકે મારો સ્માર્ટ લુક અને ભણવામાં હોંશિયાર હોવાના કારણે હંમેશા આકર્ષણનું કેન્દ્ર રહ્યો છું. હાલમાં હું એક યુવતીના ગળાડૂબ પ્રેમમાં છું. તે પણ મને બહુ પ્રેમ કરે છે પણ મારી સમસ્યા એ છે કે તે બહુ પૈસાદાર પરિવારની દીકરી છે. હવે જ્યારે મારા લગ્નની વાત ચાલી રહી છે ત્યારે મારા પરિવારજનો આ મુદ્દાનો વાંધો ઉઠાવી રહ્યા છે. તેમને મારી ગર્લફ્રેન્ડ સામે બીજી કોઇ ફરિયાદ નથી પણ તેઓ કહે છે કે પૈસાદાર પરિવારની દીકરી આપણા ઘરમાં સારી રીતે સેટ નહીં થઇ શકે. શું આ વાત સાચી છે. શું પૈસાદાર પરિવારની ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરાય? એક યુવક (અમદાવાદ) ઉત્તર : તમારી લાગણી સમજી શકાય એવી છે. તમે પ્રેમમાં ગળાડૂબ છો એટલે તમને કેટલીક ભવિષ્યની પરિસ્થિતિનો અંદાજ ન આવતો હોય અને તમારા પરિવારને આ વાતની ચિંતા થતી હોય એવું બની શકે. એવું પણ થઇ શકે કે તમારા પરિવારનો ડર પાયા વગરનો હોય. હકીકતમાં દરેક સંબંધ અને પરિસ્થિતિ અલગ અલગ હોય છે અને એક સંબંધના સમીકરણને બીજા સંબંધ પર લાગુ ન કરી શકાય. હકીકતમાં લગ્નની ગાડી એકબીજા સાથે તાલમેલ હોય તો પૂરપાટ દોડે છે પણ જો પત્ની બહુ પૈસાદાર પરિવારની હોય તો આ તાલમેલ સેટ થવામાં થોડો વધારે સમય લાગે છે એ પણ હકીકત છે. ઘણીવાર મધ્યમવર્ગીય પરિવારના દીકરાને જે વાત ખોટો ખર્ચ લાગે છે કે એ પૈસાદાર પરિવારની પત્નીને સામાન્ય ખર્ચ લાગે છે. જો તમે ગમે તે ભોગે તમારી ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરવા ઇચ્છતા હો તો તમારે સમજી લેવાની જરૂર છે કે તેની પૈસા ખર્ચ કરવાની આદત એક દિવસમાં નથી બદલાવાની. પૈસાદાર યુવતી ગર્લફ્રેન્ડ હોય એ સ્થિતિ અને એ પત્ની બને એ સ્થિતિ એકબીજા કરતા સાવ અલગ હોય છે એ વાત સમજીને તમારે લગ્ન કરવા પડશે. લગ્ન પછી તમારી પત્ની એની માનસિકતા નહીં જ બદલે પણ એમાં સમય લાગશે અને તમારે એટલી રાહ જોવાની ધીરજ રાખવી પડશે. હકીકતમાં લગ્ન પછી જીવન તમારે બંનેએ સાથે પસાર કરવાનું છે, પરિવારને નહીં. આ સંજોગોમાં તમારે બંનેએ આ મામલે લગ્ન પહેલા જ ખુલ્લા દિલથી એકબીજા સાથે સ્પષ્ટતા કરી લેવી જોઇએ જેથી આગળ જઇને કોઇ સમસ્યા ન થાય. સ્પષ્ટ વાતચીત પછી પણ તમે બંને એકબીજા સાથે જ લગ્ન કરવા ઇચ્છતા હો તો તમારે પરિવારને પણ આ વાત સારી રીતે સમજાવી દેવી જોઇએ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો