સંબંધનાં ફૂલ:લગ્ન એક નવા પરિવાર સાથે મેળાપ કરાવે છે...

રચના સમંદર15 દિવસ પહેલા
  • કૉપી લિંક

લગ્ન એક અનોખો અવસર છે. જો આ પ્રસંગને અલગ દૃષ્ટિકોણથી જોવામાં આવે તો આ પ્રસંગ નવા નવા લોકોને નવા વાતાવરણમાં મળવાની તક આપે છે. આ પ્રસંગનાં માધ્મયથી અલગ અલગ વિચારધારા ધરાવતા લોકો એકબીજા સાથે નવા સંબંધમાં જોડાય છે. આ પ્રસંગમાં પરિવારના તમામ લોકોને એકબીજા સાથે મળવાની તક મળે છે. નવવધૂ કે વરના મોસાળના પરિવારજનો અને દાદાના પરિવારના સ્વજનો એકબીજા સાથે સમય પસાર કરે છે. ઘણાં લોકો તો વર્ષો પછી એકબીજાને મળતા હોય છે. આમ, લગ્ન સંબંધોને મજબૂત બનાવવાનું માધ્યમ બની શકે છે. પરિવારમાં જે વ્યક્તિનાં લગ્ન હોય છે એ બધાનાં આકર્ષણનું કેન્દ્ર બની જાય છે. આટલા બધા લોકોનો પ્રેમ અને આશીર્વાદ ભાગ્યે જ મળતો હોય છે. આ આનંદનો સમય અને બધા સાથેનો સાથ ગણતરીના દિવસો માટે જ હોય છે પણ એની યાદગીરી આજીવન ટકે છે. આ અનુભવ માત્ર તસવીરોમાં સમાયેલો નથી હોતો. એ દિલમાં સમાયેલો એક અનુભવ છે જે આજીવન સાથે જ રહે છે. આ યાદગીરી સતત યાદ અપાવે છે કે આપણો પરિવાર ગમે તે પરિસ્થિતિમાં આપણી સાથે હોય છે. પરિવાર સાથે ગાળેલો સમય, તેમની સાથે કરેલી ધીંગામસ્તી, ભાઇ-બહેન સાથે મધરાતે કરેલી લાંબી લાંબી વાતો, સજીધજીને એકબીજા સાથે ગાળેલો સમય...આ જ જીવનની સાચી મૂડી હોય એમ લાગે છે. યુવક-યુવતી સ્વજનોની સાક્ષીએ, અગ્નિની સાક્ષીએ જોડાય છે, તેને આપણે લગ્ન કહીએ છીએ. લગ્ન ખરેખર તો એક સંસ્કાર છે, જેની સાથે અનેક વિધિ જોડાયેલી છે. તેમાં સૌપ્રથમ વાગ્દાન પ્રયોગ કરીને કંકોતરી લખવામાં આવે છે. ત્યાર બાદ પ્રારંભ થાય છે, માંગલિક પ્રસંગો. શાસ્ત્ર અનુસાર લગ્નના આઠ પ્રકાર માનવામાં આવ્યા છે, પણ તેમાં અગ્નિની સાક્ષીએ લેવાતા ફેરાને બ્રાહ્નવિવાહ વિધિ કહેવાય છે. મોટા ભાગના હિંદુ લગ્નોમાં પ્રસંગ નિર્વિઘ્ને પાર પડે તે માટે રિદ્ધિ-સિદ્ધિ સાથે ગણપતિની પૂજા કરીને માણેકસ્તંભ રોપવામાં આવે છે, પૂજા થાય છે. તે પછી વર કે કન્યાને કુળની પરંપરા પ્રમાણે પીઠી ચોળવામાં આવે છે. આ યાદગીરી જીવનભર સાથે રહે છે. આ સમયમાંથી પસાર થતા હોઇએ ત્યારે અહેસાસ નથી થતો કે એ કેટલો મૂલ્યવાન છે. જેમ જેમ સમય હાથમાંથી સરકતો જાય છે તેમ તેમ એને પકડીને રાખવાની લાલસા વધતી જાય છે, પણ આખરે સમય પાંખ લગાવીને ઊડી જાય છે. એક રીતે જોઇએ તો લગ્ન એેક પ્રકારનો કુટુંબમેળો છે જે તમને તમારા પરિવારની સાથે સાથે એક નવા પરિવાર સાથે જોડાવાની તક આપે છે.

અન્ય સમાચારો પણ છે...