મૂડ એન્ડ માઇન્ડ:લગ્ન : એડજસ્ટમેન્ટની તૈયારી જરૂરી

3 મહિનો પહેલાલેખક: ડો. સ્પંદન ઠાકર
  • કૉપી લિંક

લગ્નની ઋતુ આવી રહી છે. કેટલાય લોકો આ પવિત્ર બંધનમાં જોડાવા જઈ રહ્યાં છે ત્યારે હંમેશાંં પ્રશ્ન આવે છે કે શું અમારા સબંધો આવા જ રહેશે કે ચડતી-પડતી આવશે? બે પાત્રો જયારે લગ્નની શરૂઆત કરે છે ત્યારે હંમેશાંં એકબીજાને સપોર્ટ કરતા હોય છે પરંતુ જયારે સંઘર્ષ થાય છે ત્યારે જ સંબંધોની મજબૂતાઈનો અંદાજ આવે છે. હંમેશાં યાદ રાખવું જોઈએ કે તમે તમારા સાથે લગ્ન નથી કરી રહ્યાં, એક આખા અલગ વ્યક્તિત્વ સાથે લગ્નના બંધને જોડાવા જઈ રહ્યા છો. કન્ફ્લિક્ટ થશે જ પરંતુ તે સમયે બંનેના વિરોધાભાસને સમજીને આગળ વધવાનું છે. તકરાર પછી કોણ જીતે છે કરતાં કોણ થોડું ઝૂકીને ‘લેટ ગો’ કરી શકે છે તે વધુ જરૂરી છે. ફર્ક એ છે કે નમવાથી જીત તમારી એટલેકે સંબંધોની જ થવાની છે. લગ્નમાં જરૂર છે એકબીજાને સમજવાની અને સ્પેસ આપવાન, નહીં કે તમારા જેવા બનાવવાનો આગ્રહ રાખવાની. એકબીજાના પૂરક બનવા માટે બે જણાની જરૂરત પડે છે. જો એક પાત્ર હંમેશાં જતું કરતંુ રહે તો તે સંબંધમાં ‘વન સાઇડેડ લવ’ બનીને રહી જશે. પુરુષને કેરની અને સ્ત્રીને રિસ્પેક્ટની હંમેશાં જરૂર રહે છે. જે વ્યક્તિ જતું કરતી જ રહે તે ક્યારેક થાકે છે અને તે જ સબંધોમાં તિરાડ પાડવાનું મુખ્ય કારણ બની જાય છે. પ્રેમની પરિભાષા સમય અને સંજોગો પ્રમાણે બદલાતી રહે છે. લગ્નની શરૂઆતમાં બે પાત્રો વચ્ચે વધુ પ્રેમની અનુભૂતિ થતી હોય અને સમય સાથે બદલાઈ જાય ત્યારે સમસ્યાનું કારણ એ જ આવે છે કે તમે પહેલાં જેવા નથી રહ્યાં. જરૂર છે એકબીજાને સમજીને એકબીજાને પૂરતો સમય આપવાની. જેમ જેમ જીવનના પગથિયાં ચડતા જઈએ તેમ તેમ બંને વ્યક્તિના સ્વભાવમાં કેટલાંક પરિવર્તન આવતાં જાય છે. આ સમયે કવોન્ટિટી કરતાં ક્વોલિટીની જરૂર વધી જાય છે. પ્રેમ અચલ છે અને માત્ર તેની અભિવ્યક્તિ બદલાય છે. મૂડ મંત્ર - લગ્ન પહેલાં જે રીતે કુંડળીના કેટલા ગુણ મળે છે તે જોઈએ છીએ તો એની સાથે માઈન્ડની સાયકોલોજી કેટલી મેળ ખાય છે તે પણ જોઈ લેવું. તેને કમ્પેટિબિલિટી કહેવાય છે. drspandanthaker@gmail.com

અન્ય સમાચારો પણ છે...