મીઠી મૂંઝવણ:લગ્નજીવન દુ:ખી પણ ડિવોર્સ લેવાની બીક લાગે છે!

મોહિની મહેતા21 દિવસ પહેલા
  • કૉપી લિંક

પ્રશ્ન : મારી દીકરી 18 વર્ષની છે. અત્યાર સુધી તે બહુ ડાહી અને સમજદાર હતી પણ હવે તેનો સ્વભાવ ધીરે ધીરે બદલાવા લાગ્યો છે. તે હવે ઘરકામમાં મદદ કરવાનું ટાળે છેે. મને ઓફિસના કામ માટે રાત્રે મોડું થાય છે તો તેને કેમ રાત્રે બહાર જવાની પરવાનગી નથી એવી પાયા વગરની દલીલ કરે છે. આ છોકરીને કેમ સમજાવવી એની ખબર નથી પડતી. મારે શું કરવું જોઇએ? એક મહિલા (રાજકોટ) ઉત્તર : તમારી દીકરી તેનાં જીવનના અત્યંત નાજુક તબક્કામાંથી પસાર થઇ રહી છે. આ સંજોગોમાં તમારી જવાબદારી થોડી વધી જાય છે. તમે ભલે તમારી દીકરી સાથે મૈત્રીપૂર્ણ વ્યવહાર રાખ્યો હોય પણ સંતાનોને માતા-પિતાની પણ જરૂર છે જ. કાચી માટી જેવાં સંતાનને ઘડાનું સ્વરૂપ આપવા માટે જરૂર પડ્યે ટપારવાનું કામ પણ માતા-પિતા બનીને કરવાનું છે. સંતાન સાથેના સંબંધમાં સંતુલન જાળવવાનું મહત્ત્વનું છે. દીકરી હોય કે દીકરો, બન્નેને તેમની જવાબદારીઓનું ભાન કરાવવું બહુ જરૂરી છે. સંતાનને આઝાદી આપવાની સાથે સાથે એ વાતનો અહેસાસ કરાવવો જરૂરી છે કે આઝાદી પોતાની સાથે જવાબદારી પણ લાવે છે. સ્વતંત્રતા આપવાની સાથે જો તમે સંતાનોને જવાબદાર ન બનાવો તો ઘણી બધી માનસિક અને વર્તણૂકની તકલીફો થવાની જ. માતા-પિતાની જવાબદારી ત્યારે જ સાર્થક થાય જ્યારે તમે પેરન્ટ્સ તરીકે તેમના માટે શું કરો છો અને કેમ કરો છો એનું મહત્ત્વ પણ સારી રીતે સમજાવી શકો. પ્રશ્ન : હું 28 વર્ષનો યુવક છું. મારા હજી છ મહિના પહેલાં લગ્ન થયાં છે. મારી સમસ્યા એ છે કે મારી પત્ની હંમેશાં તેની બહેનપણીઓથી ઘેરાયેલી હોય છે. તે તેમની સાથે બહાર ગઇ હોય છે અથવા તો ઘરમાં પાર્ટી કરતી હોય છે. હું કંઇક કહું તો દલીલ કરે છે કે તેના માટે આ ‘મી ટાઇમ’ બહુ જરૂરી છે. તે કોઇ વાત સમજવા જ તૈયાર નથી. મારે શું કરવું? એક પુરુષ (સુરત) ઉત્તર : આજની હેક્ટિક અને સ્ટ્રેસફુલ લાઇફમાં મહિલાઓમાં મિત્રો સાથે વધારેમાં વધારે સમય વિતાવી રિલેક્સ થવાનો ટ્રેન્ડ લોકપ્રિય બન્યો છે. જોકે કિટી, શોપિંગ, પાર્ટી પાછળ સતત દોડવાને કારણે બહેનપણીઓનો તમારા જીવન પર પ્રભાવ વધે છે. પહેલાં શોપિંગ કે આઉટિંગ માટે મહિલાઓને પતિ ઘરે પરત ફરે ત્યાં સુધી રાહ જોવી પડતી. જોકે હવે મનફાવે ત્યારે તેઓ બહેનપણીઓ સાથે નીકળી પડે એટલી સ્વતંત્રતા છે. ઘરકામમાંથી બ્રેક લેવા અને જીવનમાંથી કંટાળો દૂર કરવા કિટી પાર્ટી અને પિકનિક જેવી પ્રવૃત્તિઓ મહિલાઓ માટે અનિવાર્ય છે. જોકે આ ‘મી ટાઇમ’ હેલ્ધી છે કે સમયનો વેડફાટ એ ખાસ તપાસવું જોઇએ. સતત શોપિંગ અને કિટી પાર્ટી એક પ્રકારનો નશો છે. એનાથી શરીરમાં ડોપામિન નામનું રસાયણ ઉત્પન્ન થાય છે. એમાં એક વાર તમને જેમાં આનંદ મળે એ વારંવાર કરવાનું મન થયા કરે. ફ્રેન્ડ્સને મળવાની તલપ લાગે છે. જરૂરિયાત વગરની ચીજવસ્તુઓ ખરીદવા મંડો છો. આગળ જતાં રાતની ઊંઘમાં ખલેલ પડે છે. આ પ્રકારના માહોલમાંથી બહાર નીકળવું મુશ્કેલ બને છે.આ સંજોગોમાં ક્રમશ: પર્સનલ​ રિલેશનશિપમાં ડિસ્ટન્સ વધે છે અને લગ્નજીવનમાં સમસ્યા ઉભી થાય છે. આવું ન થાય એ માટે દરેક મહિલાએ પોતાની બોર્ડર જાતે નક્કી કરવી જોઈએ. તમારા કિસ્સાની વાત કરીએ તો તમે તમારી વાત પત્નીની અવગણના કરવાને બદલે એને પ્રેમથી સમજાવો. જો તમને એમ લાગે કે તમારી પત્ની તમારી વાત સમજવા તૈયાર નથી ત્યારે બળને બદલે કળથી કામ લો. તેને વારંવાર બહાર લઇ જાઓ. શક્ય હોય તો તેના અથવા તમારા પરિવારજનોને થોડા સમય માટે ઘરે રહેવા માટે બોલાવી લો. તમે પત્નીને વ્યસ્ત રાખશો તો તેને બહેનપણીઓ સાથે વધારે પડતો સમય ગાળવાની તક જ નહીં મળે અને તેની આ આદત ધીરે ધીરે ઓછી થવા લાગશે.

અન્ય સમાચારો પણ છે...