જોબન છલકે:લવસ્ટોરીમાં અનેક ટ્વિસ્ટ આખરે પહેલો પ્રેમ જ બન્યો પતિ...

24 દિવસ પહેલાલેખક: મોસમ મલકાણી
  • કૉપી લિંક

હું રમ્યા...આ વાત ત્યારની છે, જ્યારે હું કોલેજમાં ભણતી હતી. મારા જ ક્લાસમાં એ પણ હતો. એ એટલે ઋતુલ. ઋતુલ દેખાવમાં અત્યંત હેન્ડસમ અને જ્યારે બાઇક પર બેસીને કોલેજે આવે ત્યારે કોલેજની દરેક યુવતી એને જોઇને ઊંડા શ્વાસ ભરતી.. પણ એ તો કોઇનીય સામે નજર નાખ્યા વિના ક્લાસીસ અટેન્ડ કરીને ઘરે ચાલ્યો જતો. અમારા ગ્રુપમાં એના વિશે વાત થતી, ત્યારે ધીમે ધીમે મને એના વિશે જાણ થઇ. માતા-પિતાનું એકનું એક સંતાન હતો એ અને ધનાઢ્ય પરિવારનો હેન્ડસમ યુવાન! કોઇ પ્રકારની એબ વિનાનો. કોઇ વ્યસન નહીં, નહીં ક્યારેય કોઇની સામે નજર ઊંચી કરીને જોવાનું! આવો યુવાન જેને પતિ રૂપે મળશે એ યુવતીના તો ભાગ્ય ખુલી જવાના. મારા મનમાં એની વાતો સાંભળી-સાંભળીને એના વિશે મનમાં ભાવ જાગતાં. જોકે મારી લાગણીઓને મેં હજી મારી ફ્રેન્ડ્સ સાથે પણ શેર નહોતી કરી. છતાં દિલના એક ખૂણામાં એ પોતાનો અધિકાર ધરાવવા લાગ્યો હતો. એક દિવસ ક્લાસીસ બાદ અમે સૌ છુટા પડ્યા અને હું બસસ્ટોપ પર મારી બસ આવે તેની રાહ જોઇને ઊભી હતી. ત્યારે અચાનક જ એક બાઇક મારી નજીક આવી અને જોરદાર બ્રેક મારી ઊભી રહી. મેં બાઇકસવાર સામે નજર કરી, તો હૈયું એક ધબકારો ચૂકી ગયું. ઋતુલ મારી સામે ઊભો હતો. મારી સામે જોઇને એણે સ્માઇલ આપતાં પૂછ્યું, ‘કેન આઇ ડ્રોપ યુ એટ યોર હોમ?’ મારી તો વાચા જ હણાઇ ગઇ. આસપાસના લોકો અમારાં બંને સામે જોઇ રહ્યાં હતાં. એ ફરી બોલ્યો, ‘કમ ઓન, શું વિચાર કરો છો? બેસી જાવ…’ અને કોણ જાણે એના સ્વરમાં શો જાદુ હતો જેનાથી આકર્ષાઇને હું ચૂપચાપ એની પાછળની સીટ પર બેસી ગઇ. ધીરે ધીરે આ અમારો નિત્યક્રમ બની ગયો. અમારી રિલેશનશિપને ચાર મહિના જેટલો સમય થયો હશે અને હવે અમે બંને એકબીજા સાથે વધારે કમ્ફર્ટેબલ હતા. તે મારો પહેલો પ્રેમ હતો. ચાર મહિના પછી ઋતુલનો બર્થ-ડે આવ્યો અને અમે કોલેજ બંક કરીને લોંગ ડ્રાઇવ પર જવાનો પ્લાન બનાવ્યો. આ દિવસના સેલિબ્રેશન માટે તે પોતાના મિત્રની કાર પણ લઇ આવ્યો. અમે અમદાવાદ-ગાંધીનગર હાઇ વે પર એક રિસોર્ટમાં ગયા. પાસેની એક ગાર્ડન રેસ્ટોરોમાં ગાડી પાર્ક કરી. રિસોર્ટનું વાતાવરણ ખૂબ સરસ હતું. પાર્કિંગમાં ઘણી ગાડીઓ પાર્ક હતી તેથી ઋતુલે ખૂણામાં જગ્યા જોઇને ગાડી પાર્ક કરી. હું સીટ બેલ્ટ કાઢીને ઉતરવા જ જતી હતી ત્યાં અચાનક ઋતુલે મને પકડીને ગાઢ ચુંબન કરી લીધું. તે થોડી મિનિટો સુધી મને કિસ કરતો રહ્યો અને પછી તેનો હાથ મારા શરીર ફરતે વીંટળાવા લાગ્યો. શરીર પર ફરતાં ફરતાં તેનો હાથ મારા નાજુક અંગો સુદી પહોંચી ગયો પણ મેં તરત તેનો હાથ પકડી લીધો. ઋતુલના આ વર્તનથી મને ભારે આંચકો લાગ્યો હતો. મને લાગ્યું કે તે સેલિબ્રેશનના નામ પર મારો ઉપભોગ કરવા ઇચ્છે છે એટલે તેને ધક્કો મારીને હું ગાડીમાંથી ઉતરી ગઇ અને તેને કોઇ સ્પષ્ટતા કરવાની તક આપ્યા વગર ત્યાંથી નીકળી ગઇ. મને એટલો ગુસ્સો આવી રહ્યો હતો કે મેં તેનો નંબર પર બ્લોક કરી દીધો અને તેનું મોં જોવું ન પડે એટલે મમ્મી-પપ્પાની સંમતિ લઇને ફોઇ પાસે મુંબઈ ભણવા જતી રહી. આ ઘટનાને ચાર વર્ષ જેટલો સમય પસાર થઇ ગયો હતો અને ઋતુલ સાથે મારો કોઇ જ સંપર્ક નહોતો. મને તેના વર્તન તરફ ભારોભાર ગુસ્સો હતો પણ આમ છતાં હું તેને ભૂલી શકી નહોતી. મારા દિલના એક ખૂણામાં જાણે તે વસેલો હતો. અભ્યાસ પછી હું પાછી મારા મમ્મી-પપ્પા પાસે પરત આવી ગઇ હતી અને એક મલ્ટિનેશનલ કંપનીમાં જોબ કરવા લાગી હતી. એકવાર હું જોબ પરથી આવી ત્યારે ઘરે મમ્મી-પપ્પા સાથે એમના જ સમવયસ્ક દંપતી દંપતી વાતચીત કરી રહ્યા હતા. મને આવેલી જોઇને મમ્મી તેમને જમીને જ જવાનો આગ્રહ કર્યો અને એ લોકોએ મમ્મીની વાત માની લીધી. મમ્મીએ રસોડામાં જઇને ઝડપથી શીરો બનાવી લીધો અને મને પણ તેમની સાથે જમવા બેસવા કહ્યું. જમ્યાં બાદ એ બંને જવા તૈયાર થયા ત્યારે તેમને લેવા માટે તેમનો દીકરો આવ્યો. એ ઋતુલ હતો...! મને આશ્ચર્યચક્તિ જોઇને આન્ટીએ મારા હાથમાં એમની પાસેની શોપિંગ બેગમાંથી શ્રીફળ અને પર્સમાંથી સવા રૂપિયો કાઢીને આપ્યો અને કહ્યું, ‘બેટા, મારો દીકરો ઋતુલ તારા ખૂબ વખાણ કરતો હતો અને તારાં મમ્મી-પપ્પાએ અમને તારા વિશે વાત કરી. ત્યારે અમે નક્કી કર્યું કે એક વાર તને જોઇ લઇએ અને પછી દીકરાની પસંદગી પર મહોર મારીએ. અમારા તરફથી વાત નક્કી.’ જોકે ઋતુલે કોઇ પણ નિર્ણય લેતા પહેલાં મારી સાથે એકાંતમાં વાતચીત કરવાની ઇચ્છા વ્યક્ત કરી. રૂમમાં અમે એકલાં પડ્યાં કે તરત ઋતુલે પહેલાં કાન પકડીને માફી માગી અને કહ્યું, ‘હું તને ખરેખર દિલથી જ ચાહતો હતો, પણ એ દિવસે વધારે ઉત્સાહમાં હું મારી મર્યાદા ચૂકી ગયો. મારે આવું નહોતું કરવું જોઇતું. મેં તારો સંપર્ક કરવાનો બહુ પ્રયાસ કર્યો પણ શક્ય ન બન્યું. હું અત્યારે એક સારી ફર્મમાં જોબ કરું છું અને જ્યારે મારા લગ્ન માટે ઘરમાં ચર્ચા શરૂ થઇ ત્યારે મને પહેલાં તારી જ યાદ આવી. હું તને ભૂલી નથી શક્યો. શું મારી સાથે લગ્ન કરીશ?’ ઋતુલની આ પ્રેમભરી વાત સાંભળીને મારો ગુસ્સો બરફની જેમ પીગળી ગયો અને મેં લગ્નની હા પાડી દીધી. આમ, અનેક ટ્વિસ્ટ અને ટર્ન પછી મારો પહેલો પ્રેમ જ મારો પતિ બન્યો.

અન્ય સમાચારો પણ છે...