વુમનોલોજી:મંગળસૂત્ર : બીભત્સ રસ નહીં, સામાજિક શણગાર છે

મેઘા જોશી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્ત્રીની ડોકમાં મંગળસૂત્ર હોય તો તે કોઇનીઅમાનત થઇ હોવાથી બીજા કોઈ પુરુષે તેને અન્ય કોઈ પણ આશયથી જોવી નહીં એવો સંદેશ મંગળસૂત્ર આપે છે

રતમાં લગ્ન સંસ્કાર છે અને હિન્દુ વિવાહમાં મંગળસૂત્ર એક પવિત્ર સંબંધનો દોર તરીકે ઓળખાય છે. તાજેતરમાં મંગળસૂત્ર વિવાદ અને સોશિયલ મીડિયા ટ્રોલિંગનો વિષય બન્યું . જાણીતા ફેશન ડિઝાઈનર સવ્યસાચીની એડ પાછી ખેંચવી પડી કારણ કે સમાજના બહોળા વર્ગની લાગણી એ જાહેરાતને કારણે દુભાઈ ગઈ. ભારતીય સંસ્કૃતિનું પ્રતિબિંબ દર્શાવવા માગતી જાહેરાતે ભારતીય સંસ્કૃતિનું જ અપમાન કર્યું હોય એમ સાબિત થયું. આ જાહેરાતમાં પ્રમાણમાં શ્યામવર્ણી અને શરીરના બાંધામાં મેદસ્વી કહી શકાય તેવી સ્ત્રીની ડોકમાં મંગળસૂત્ર દર્શાવ્યું છે અને એમાં પણ તેનાં સ્તન દેખાય તે રીતે ઉરોજ આગળ લટકતા મંગળસૂત્રનું પેન્ડન્ટ માત્ર સેક્સી અપીલ કરતું હોય એવું ભાસે છે. અન્ય કોઈ પણ આભૂષણને ક્લિવેજ આગળ દર્શાવ્યા હોય તો કોઈને ખાસ વાંધો નથી આવતો, પરંતુ અહીં આ લગ્ન આભૂષણની બાબત છે. આમ તો વોશિંગ પાઉડર હોય કે મોટર કારનાં ટાયર હોય...સ્ત્રીનું વસ્તુકરણ સાવ સામાન્ય થઇ ગયું છે અને અહીં તો સ્ત્રીનાં માંગલિક આભૂષણને સ્ત્રીનાં અંગ પ્રદર્શન સાથે ફેશનનાં નામે જોડવાની બાબત બની. ભારતના ઘણા સમાજ, જ્ઞાતિ અને વર્ગમાં મંગળસૂત્ર માત્ર રિવાજ નથી પણ એને વૈવાહિક સંબંધની પવિત્ર નિશાની ગણવામાં આવે છે. સામાન્ય રીતે લગ્ન સમયે કન્યાનાં માતા પિતા તેમના ગજા મુજબનાં આભૂષણ આપી કન્યાને વિદાય કરે એ પાછળ સામાજિક વ્યવહાર અને ઈકોનોમી સિસ્ટમ જવાબદાર હતી. પારકી દીકરીને પુત્રવધૂ તરીકે ઘરમાં આવકારવા શ્વસુરપક્ષવાળાં ઘરેણાં આપે એમાં વારસાનું વહન પણ ખરું અને આનંદની અભિવ્યક્તિ પણ ખરી. પ્રાચીન સમયમાં મંગળસૂત્રને સુહાગની નિશાની માનવાની કોઈ પ્રણાલી ઇતિહાસમાં નોંધાયેલ નથી. મનુસ્મૃતિમાં વૈવાહિત સ્ત્રીનાં આભૂષણને ‘સ્ત્રી ધન’ કહેવાયું છે. દીકરી સાથે આભૂષણ આપી દીકરીનો પરિવાર પોતાની દીકરીને જીવનભર સ્વીકારવા અને પાલવવા માટે લાલચ આપતો હોય એવું પણ સામાજિક આદાનપ્રદાનમાં જોવા મળ્યું છે.

વેલ, આપણે વાત કરીએ છીએ મંગળસૂત્રની કે જેને લગ્ન આભૂષણ તરીકે ઓળખવામાં આવે છે. સ્ત્રીને બદનજર, બુરી દાનત અને કેટલીક આસુરી શક્તિથી સલામત રાખવા અને હિંમત આપવા માટે કાળા મોતીની સેરની શરૂઆત થઇ એવું માનવામાં આવે છે. જે સ્ત્રીની ડોકમાં મંગળસૂત્ર હોય તે હવે એક વ્યક્તિની અમાનત થઇ હોવાથી બીજા કોઈ પણ પુરુષે તેને અન્ય કોઈ પણ આશયથી જોવી નહીં એવો પણ એક સંદેશ મંગળસૂત્ર આપે છે. છોકરો અને છોકરી વિદ્યાભ્યાસ શરૂ કરે ત્યારે તેને વિદ્યા સંસ્કાર રૂપે દોરો પહેરાવવામાં આવતો.સમય જતા યુવતીનાં સામાજિક સ્થાનમાં પરિવર્તન સ્વરૂપે તેને કાળા મણકાની માળા પહેરવામાં આવી.

દરેક સમયે જે તે સંસ્કૃતિના રિવાજ મુજબ ઘરેણાં બને અને ભેટ અપાય એવી વ્યવસ્થા ઇતિહાસનાં પૃષ્ઠો પર પણ જોવા મળે છે... જેમ કે કેરળમાં મંગળસૂત્રને ‘તાલી’ તરીકે ઓળખાય છે, જેમાં અમુક જ્ઞાતિમાં કન્યાને દોરા સાથે વૃક્ષનું પાંદડું પરોવીને ડોકે આભૂષિત કરાય છે. મૂળે મંગળસૂત્ર સાથે ધાર્મિક ભાવના કરતા સામાજિક વ્યવસ્થાપન જોડાયેલ છે. ભારતની સૌથી જૂની અને દીર્ઘકાલીન લગ્ન સંસ્થા સાથે જોડાયેલ આભૂષણને બીભત્સ સ્વરૂપે કે અન્ય કોઈ પણ સ્વરૂપે દર્શાવવામાં આવે ત્યારે કથિત આધુનિક લોકોને પણ અણગમો થાય. આથી નેટિઝન હોય કે મધ્ય પ્રદેશના ગૃહમંત્રી હોય...સવ્યસાચીનું ટ્રોલિંગ લોકોને વાજબી અને સાહજિક લાગ્યું. સ્ત્રી માટે મંગળસૂત્ર કોઈ બંધિયાર રિવાજ કે જૂની ફેશન નથી, અંગત પસંદગીની બાબત છે અને સામાજિક રિવાજની બાબત છે એટલે જ મોટી ડાયમંડ કંપનીઓ પણ સમય પ્રમાણે મંગળસૂત્રની નવી ડિઝાઇન માર્કેટમાં મૂકે છે. - meghanajoshi74@gmail.com

અન્ય સમાચારો પણ છે...