તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એકબીજાને ગમતાં રહીએ:મૂન અને મોન્સૂન મૂડ સ્વિંગ્ઝનું મેનેજમેન્ટ

કાજલ ઓઝા વૈદ્ય22 દિવસ પહેલા
  • કૉપી લિંક

ચોમાસાની ઋતુમાં મોર કળા કરે છે. વૃક્ષો લીલાંછમ થઈ જાય છે. જ્યાં સુકીભઠ્ઠ જમીન દેખાતી હતી ત્યાં પણ ઘાસની ચાદર પથરાઈ જાય છે...વરસાદ આપણાં બધા માટે જીવાદોરી છે. અનાજ પાકે, ભૂગર્ભ જળનો સંગ્રહ થાય અને નદી-તળાવમાં પણ પાણી ઉમેરાય... આવી ઋતુમાં માણસનું મન બે રીતે રિએક્ટ થાય છે. કેટલાક લોકોને ઘેરાયેલાં વાદળો વરસાદની ઋતુ, એની સાથે જોડાયેલો બફારો અને તડકા વગરના દિવસો ડિપ્રેશનમાં ધકેલે છે જ્યારે કેટલાક લોકોનો મૂડ ચોમાસાના દિવસોમાં...ખાસ કરીને વરસાદ પડતો હોય ત્યારે તો એકદમ લીલોછમ થઈ જાય છે. આ બે તદ્દન જુદાં પ્રકારનાં રિએક્શનનું કારણ એ છે કે આપણા શરીરમાં રહેલું જળ (75 ટકા) ક્યારેક બહારના જળ સાથે પોતાનો તાલમેળ સાધી લે છે, તો ક્યારેક આપણી ભીતર રહેલું જળ બહારના જળતત્ત્વ સાથે તાલમેળ સાધી શકતું નથી. શરીરમાં રહેલા પંચતત્ત્વો, બહારની દુનિયામાં રહેલાં કુદરતના પંચતત્ત્વો સાથે પોતાનો સંબંધ પ્રસ્થાપિત કરે છે. કુદરતનાં પંચતત્ત્વો એટલે જળ, વાયુ, આકાશ, પૃથ્વી અને અગ્નિ. આપણા શરીરમાં પણ આ પાંચેય તત્ત્વો છે. શરીરનું તાપમાન અમુક લેવલ પર રહે છે, શ્વાસ આવનજાવન કરે છે. આપણે અનેક ફિલોસોફરને કહેતા સાંભળ્યાં છે કે, ‘શરીર માટીનું બનેલું છે...’ કેટલાક ધર્મોમાં મૃત્યુ પછી શરીર માટીને સમર્પી દેવામાં આવે છે તો કેટલાક ધર્મોમાં મૃત શરીરને અગ્નિને સમર્પિત કરાય છે કારણ કે, પંચતત્ત્વનાં બનેલાં શરીરને ફરી પાછું એના મૂળતત્ત્વ સાથે જોડી દેવાની લગભગ દરેક ધર્મની ફિલોસોફી છે. આપણે બધા આ પંચતત્ત્વનાં બનેલાં શરીરો છીએ. વૈજ્ઞાનિક રીતે વિચારીએ, અધ્યાત્મિક રીતે વિચારીએ કે ધાર્મિક રીતે... પરંતુ આ પંચતત્ત્વ સાથે માનવશરીરના સંબંધને આપણે નકારી શકતા નથી. જે શરીરો આકાશ તત્ત્વ સાથે ગાઢ સંબંધ ધરાવતાં હોય એમને કદાચ ઘેરાયેલાં વાદળો એમનાં આકાશ સાથેના સંબંધમાં નડતરરૂપ થતા હોવા જોઈએ. એવા લોકોનો મૂડ ‘સની ડે’ અથવા આકાશ ખુલ્લું દેખાતું હોય એવા દિવસોમાં સારો રહેતો હોય છે. એવા લોકોને પતંગ ચગાવવાનો, ફ્લાઈંગનો કે અમસ્તા સૂર્યોદય કે સૂર્યાસ્ત જોવાનો પણ શોખ હોય છે. એવા લોકોને પહાડો પર, જ્યાં આકાશ નજીક દેખાતું હોય ત્યાં વધુ મજા પડે છે. આવા લોકો બ્લ્યૂ, સફેદ કે આકાશી રંગનાં વસ્ત્રો પસંદ કરે છે. આવા લોકો ભોજનમાં સાદું અને બેઝિક પસંદ કરે છે. એમને બહુ મસાલાવાળું કે તેજ ભોજન અનુકૂળ આવતું નથી. જેમનાં શરીરમાં જળતત્ત્વનું પ્રાધાન્ય હોય એમને માટે વરસાદના આ દિવસો કે ચોમાસું ખૂબ જ મજાના દિવસો હોય છે. એવા લોકોને દરિયા કિનારે, નદી કિનારે કે વોટર બોડીની નજીક રહેવું ગમે છે. એમને સ્વિમિંગ પુલ કે વોટર સ્પોર્ટ્સ આકર્ષે છે. આવા લોકોને પણ સી બ્લ્યૂ કે ગ્રીન રંગના જુદા જુદા શેડ વધુ આકર્ષે છે. આવા લોકોને પાતળા કપડાં પહેરવાની વધુ મજા આવે છે. જળતત્ત્વનું પ્રાધાન્ય હોય એવા લોકોને સી ફૂડ બહુ ભાવે છે. જે લોકો વેજિટેરિયન હોય એમને પાણીવાળાં ફ્રૂટ અથવા મોકટેલ્સ કે શરબત, પીવાની વસ્તુઓ વધુ પસંદ પડે છે. એવી જ રીતે કેટલાક લોકો ગાર્ડનિંગ અથવા ખેતીનાં કામમાં ખૂબ જ રસ ધરાવે છે. એમને એ કામ કરવામાં કોઈ અજબ જેવો સંતોષ અથવા શાંતિ મળે છે. એવા લોકો પૃથ્વીતત્ત્વ સાથે જોડાયેલા હોય છે. એમને માટીની નજીક રહીને પોતાનો ‘અસ્તિત્વ બોધ’ થાય છે. એ લોકોની પસંદગી સામાન્ય રીતે બ્રાઉન, બેઈજ, ખાખી કે ગ્રે જેવા રંગો પર ઉતરે છે. આવા લોકોને ખાદી અથવા સુતરાઉ કાપડ વધુ પસંદ હોય છે. એમને ભોજનમાં જમીનમાંથી ઊગતી વસ્તુઓ એટલે કે, કઠોળ, અનાજ અને શાકભાજી સૌથી વધુ પસંદ પડે છે. એમને સલાડ અથવા કાચું ભોજન પણ વધુ અનુકૂળ અને પસંદ હોય છે. વાયુતત્ત્વના લોકો હળવા અને સામાન્ય રીતે ખુલ્લા વાતાવરણમાં વધુ સારા મૂડમાં રહે છે. એમને બંધ બારીઓ, પાડેલા પડદા કે એર કન્ડિશન કરતા ખુલ્લી બારીઓ, અગાસી કે ખુલ્લાં મેદાનમાં વધુ ગમે છે. એવા લોકોને પણ ફ્લાઈંગનો કે પેરાગ્લાઈડિંગનો શોખ હોઈ શકે છે. એમને ઓફ વ્હાઈટ, વ્હાઈટ કે આછા રંગો, સ્કાય બ્લ્યૂ, લેમન યલો કે બેબી પિંક જેવા પેસ્ટલ કલર વધુ પસંદ પડે છે. વાયુતત્ત્વનું પ્રાધાન્ય ધરાવતા લોકો ઠંડું અને ગળ્યું ભોજન પસંદ કરે છે. તીખું, તળેલું ભોજન એમને વધુ અનુકૂળ આવતું નથી. એને બદલે હલકું અને પ્રમાણમાં સ્વાદિષ્ટ ભોજન એમની પસંદગી હોય છે. અગ્નિતત્ત્વના લોકોના શરીરનું તાપમાન સામાન્ય લોકો કરતા સહેજ ઊંચું રહે છે. એમનું શરીર પ્રમાણમાં સહેજ વોર્મ અથવા ગરમ કહી શકાય એવું રહે છે. એમનો સ્વભાવ પણ સહેજ તેજ અથવા તીખો હોય છે. એમને ભોજનમાં પણ તીખાશ વધુ પસંદ હોય છે. આવા લોકો પ્રમાણમાં ઝડપથી ગુસ્સે થાય છે અને એમના ક્રોધમાં એ અગ્નિની જેમ જ લીલું સૂકું બધું બાળી નાખે છે. આવા લોકોને ઉનાળો ગમે છે. એ લોકો દરિયા કિનારે કે બીજા સ્થળોએ તડકો ખાવાની મજા લઈ શકે છે. એમનાથી ગરમી સહન થતી નથી અને ઠંડી એમને માટે ખૂબ જ આરામદાયક ઋતુ હોય છે... અગ્નિતત્ત્વનું પ્રાધાન્ય ધરાવતા લોકોને કેસરી, પીળા કે પ્રમાણમાં ઉઘડતા રંગો પસંદ પડે છે. એમને ઓછી ગરમી લાગે એવાં, ઢીલાં અને કમ્ફર્ટેબલ વસ્ત્રો વધુ ફાવે છે. આપણે કોઈપણ આ લક્ષણો દ્વારા આપણી ભીતર રહેલા કુદરતી તત્ત્વનાં પ્રાધાન્યને શોધી શકીએ છીએ. એ શોધ્યા પછી શું ફાયદો? જો આપણે આપણી ભીતર રહેલાં પંચતત્ત્વમાંનાં એક તત્ત્વનાં પ્રાધાન્યને શોધી શકીએ તો આપણે આપણો વ્યવસાય, રંગોની પસંદગી, ભોજનની પસંદગી અને મૂડને એ પ્રમાણે મેનેજ કરી શકીએ છીએ. કોઈ ખાસ કામે જતી વખતે આપણા તત્ત્વને પ્રાધાન્ય રંગ પહેરવાથી એની અસર આપણા મૂડ ઉપર અચૂક થાય છે. ક્યારેક એવું બને કે, મૂડ ખરાબ હોય ત્યારે આપણી ભીતર જે તત્ત્વનું પ્રાધાન્ય હોય એને અનુરૂપ ખોરાક કે સ્થળ પસંદ કરવાથી આપણા મૂડ ઉપર એની પોઝિટિવ અસર થઈ શકે. સૂર્ય અને ચંદ્ર પણ જેમ દરિયાની ભરતી ઉપર પોતપોતાની અસર છોડે છે એવી જ રીતે આપણી ભીતર રહેલા તત્ત્વો સાથે એમનું પણ સંયોજન સાધી શકાય છે. આ વિજ્ઞાન છે, કોઈ તુક્કાબાજી નથી. આના ઉપર અનેક પુસ્તકો લખાયા છે, અનેક સંશોધનો થયા છે. આપણે પણ જો આપણી ભીતરના તત્ત્વોને પીછાણીએ તો એની સાથે તાલમેળ બેસાડીને આપણા મન અને મગજમાં ચાલતા ઉતાર-ચઢાવને મેનેજ કરી જ શકીએ. kaajalozavaidya@gmail.com

અન્ય સમાચારો પણ છે...