પેરેન્ટિંગ:બાળકને બનાવો એક્સપ્રેસિવ, કહી શકશે મનની વાત

મમતા મહેતા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાળક પોતાની જાતને યોગ્ય રીતે અભિવ્યક્ત કરી શકે એ માટે એ એક્સપ્રેસિવ હોય એ જરૂરી છે. જો માતા-પિતા થોડો પ્રયાસ કરે બાળક ડર કે સંકોચ વગર વાત કરી શકે છે

દરેક બાળક અલગ અલગ હોય છે અને એના કારણે એનું વર્તન પણ અલગ અલગ હોય છે. ઘણાં બાળકોને પોતાની જાતને સારી રીતે અભિવ્યક્ત કરતા નથી આવડતું હોતું. બાળક જ્યારે નાનું હોય ત્યારે તો હંમેશાં ઘરે જ રહેતું હોય તો પરિવારજનો એની વણકહી વાતને પણ સમજી લેતા હોય છે પણ જેમ જેમ તે મોટું થાય અને તેનો બહારની દુનિયા સાથે સંપર્ક વધતો જાય તેમ તેમ તેના માટે વાતની યોગ્ય રીતે અભિવ્યક્ત કરવાની આવડત જરૂરી બની જાય છે. બાળક પોતાની જાતને યોગ્ય રીતે અભિવ્યક્ત કરી શકે એ માટે એ એક્સપ્રેસિવ હોય એ જરૂરી છે અને માતા-પિતા થોડો પ્રયાસ કરે તો બાળક કોઇ ડર કે ચિંતા વગર મનની લાગણી વ્યક્ત કરી શકે છે. ‼કેવી રીતે થાય શરૂઆત? જો બાળકને એક્સપ્રેસિવ બનાવવું હોય તો નાની-નાની વાતો પર ધ્યાન આપો અને તેને બોલવાનું પ્રોત્સાહન આપો. બાળકને ગાવું ગમતું હોય તો તેની સાથે કવિતાઓ ગાઓ કારણ કે આમ કરવાથી બાળકને લાગણી વ્યક્ત કરવાની તક મળશે. માતા-પિતાનો સ્વભાવ ભલે શાંત હોય તો પણ બાળક સાથે નિયમિત રીતે ઘણી વાતો કરવાનો મહાવરો રાખવો જોઇએ. તમે બાળકને રસ પડે એવા કોઇ પણ મુદ્દા વિશે એની સાથે લાંબી લાંબી વાતો કરી શકો છો. આ મુદ્દો તેનું ફેવરિટ ફૂડ હોઇ શકે છે અથવા તો ફેવરિટ કાર્ટૂન કેરેક્ટર પણ હોઇ શકે છે. વિષયની પસંદગી કરતી વખતે બાળકની વયનું ખાસ ધ્યાન રાખો. જો બાળક થોડું મોટું હોય તો એની સાથે ન્યૂઝપેપરમાં આવતા રસપ્રદ સમાચારની ચર્ચા પણ કરી શકાય છે. બાળકને જણાવવા દો તેમની જરૂરિયાત સામાન્ય રીતે દરેક માતા પોતાના બાળકની તમામ જરૂરિયાતોને ધ્યાનમાં રાખતી હોય છે અને દરેક વસ્તુ તેના ટાઇમે મળી જાય એની કાળજી લેતી હોય છે. જો તમે બાળકને એક્સપ્રેસિવ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા હો તો આવું ન કરવું જોઇએ. બાળકને જો કંઇ પણ જોઇતું હોય તો એ સામેથી માગે એવી સ્થિતિ ઉભી કરો. આવી રીતે બાળકને તેની જરૂરિયાતો અભિવ્યક્ત કરવાની આદત પડશે. બાળક જ્યાં સુધી કંઇ પણ ન કહે ત્યાં સુધી તેની ઇચ્છા પૂરી ન કરો. ક્રમશઃ બાળકને તેનું દૈનિક ટાઇમટેબલ સમજાવો જેથી તે દરેક વસ્તુ માગવાના યોગ્ય સમયની ખબર પડશે. ભૂલી જવાની એક્ટિંગ આ વિચાર થોડો અનોખો છે પણ ઘણી વખત બાળક સામે કોઇ ખાસ વાત ભૂલી જવાનું નાટક કરવાથી બાળક એ વાત યાદ કરાવવાના બહાને થોડી વાત કરશે અને તેની બોલવાની આદતને પ્રોત્સાહન મળશે. ક્યારેક ક્યારેક આવું વર્તન કરવાથી બાળક સાથે તમારું બોન્ડિંગ વધારે મજબૂત બનશે અને બાળક બોલવાની આદત સાથે કમ્ફર્ટેબલ બનશે. આ રીતે બાળક ધીમે ધીમે એક્સપ્રેસિવ બનશે. કામ કરતાં કરતાં પણ કરો વાત ઘરમાં માતાઓ મોટાભાગે વ્યસ્ત રહેતી હોય છે અને બોલ્યા વગર ફટાફટ પોતાના કામ કરતી હોય છે. જો તમારું બાળક ચૂપ રહેતું હતું અને તેને પોતાની વાત અભિવ્યક્ત કરવામાં સમસ્યા નડતી હોય તો માતાએ બોલ્યા વગર ઘરકામ કરવાની આદતમાં ફેરફાર લાવવાની જરૂર છે. જો માતા કિચનમાં કામ કરતી હોય તો થોડા થોડા સમયે ‘મેં રસોઇ બનાવી લીધી છે’, ‘જમવાની તૈયારી કરો’, ‘જમવાનું તને ચોક્કસ ભાવશે’ અથવા તો ભોજન પછી ‘જમવાનું કેવું લાગ્યું?’ અથવા તો ‘હવે શું જમવું છે?’ જેવી વાતો કરતા રહેવું જોઇએ. તમારા આ સવાલોના જવાબ આપવા માટે બાળકે વાત કરતા રહેવું પડશે અને વાતોની સાથેસાથે તમારા સંબંધો પણ અપડેટ થશે.

અન્ય સમાચારો પણ છે...