રસથાળ:પવિત્ર શ્રાવણ મહિનામાં બનાવો ફરાળી વાનગી

13 દિવસ પહેલાલેખક: રિયા રાણા
  • કૉપી લિંક

ફરાળી કોફતા કરી

સામગ્રી કોફતા બનાવવા માટે : દૂધીની છીણ-1 કપ, ફરાળી લોટ-1 કપ, આદું મરચાંની પેસ્ટ-1 ચમચી, તેલ-2 ચમચી, તલ-1 ચમચી, હિંગ-પા ચમચી, લાલ મરચું .પાઉડર-1 ચમચી, સિંધાલૂણ-જરૂર મુજબ, ખાંડ-અડધી ચમચી, તેલ-તળવા માટે ગ્રેવી બનાવવા માટે : કાજુના ટુકડા-પા કપ, મગજતરીના બી-પા કપ, દૂધીના ટુકડા-1 કપ, ઇલાયચી-1 નંગ, તજનો ટુકડો-1 નંગ, આખા મરી-પા ચમચી, લવિંગ-2 નંગ, બટર-2 ચમચી, આદું મરચાંની પેસ્ટ-1 ચમચી, ચાટ મસાલો-પા ચમચી, લાલ મરચું પાઉડર-1 ચમચી,પાણી-જરૂર મુજબ

રીત સૌ પ્રથમ દૂધીની છીણમાંથી બધું પાણી નિતારી લેવું. ત્યારબાદ તેમાં ફરાળી લોટ, દૂધીની છીણ અને બધો જ મસાલો, તેલનું મોણ ઉમેરી ગોળા વાળી શકાય તેવો માવો તૈયાર કરવો. જરૂર પડે પાણી ઉમેરવું. તૈયાર કરેલા ગોળાને ગોલ્ડન બ્રાઉન થાય તે રીતે ડીપ ફ્રાય કરી સાઈડ પર રાખો. આ ગોળાને મુઠીયાની જેમ પણ બનાવી અથવા તો તળેલા કોફતાને ચટણી સાથે પણ ખાઈ શકાય. હવે ગ્રેવી બનાવવા એક કપ પાણી ઉકળવા મુકો. તેમાં ગ્રેવીની બધી જ સામગ્રી ઉમેરી ઉકાળો. ગેસ બંધ કરી ઠંડુ પડે એટલે તેને મિક્સર જારમાં ક્રશ કરી પેસ્ટ બનાવી ગાળી લો. જરૂર મુજબ પાણી ઉમેરી ગ્રેવીને જોઈએ એવી જાડી કે પાતળી રાખો. હવે કડાઈમાં તેલ મૂકી જીરુંનો વઘાર કરી ગ્રેવી ઉમેરો બેથી ત્રણ મિનિટ માટે ઉકાળો. અગાઉ બનાવેલા કોફતા ઉમેરી એક મિનિટ માટે ગેસ પર રાખી ગેસ બંધ કરી પ્લેટમાં સર્વ કરો.

સૂરણ બટાકા વડા સામગ્રી બટાકા-3થી 4 નંગ, સૂરણ-1 કપ, આદું મરચાંની પેસ્ટ-1 ચમચી, લીંબુનો રસ-1 ચમચી, ખાંડ-1 ચમચી, સિંધાલૂણ-જરૂર મુજબ, તજ લવિંગનો પાઉડર-પા ચમચી, શિંગોડા કે રાજગરાનો લોટ-4 ચમચી, તેલ-તળવા માટે, સમારેલી કોથમીર-4 ચમચી

રીત બટાકા અને સૂરણને બાફીને તેનો માવો તૈયાર કરવો. તેમાં સિંધાલૂણ, આદું-મરચાંની પેસ્ટ, લીંબુનો રસ, ખાંડ, તજ લવિંગનો પાઉડર સમારેલી કોથમીર ઉમેરી બધુ મિક્સ કરો. તેમાંથી નાના ગોળા તૈયાર કરી લો. શિંગોડાના કે પછી રાજગરાના લોટમાં સિંધાલૂણ ઉમેરી ખીરું તૈયાર કરો. ગોળાને ખીરામાં બોળી ગરમ તેલમાં તળી લો. ફરાળી સૂરણ-બટાકા વડાને મનપસંદ ચટણી સાથે સર્વ કરો.

ફરાળી પેટીસ

સામગ્રી બટાકા-5 નંગ, આરારૂટ-2 ચમચી, નાળિયેરની છીણ-પા કપ, અધકચરાં શિંગદાણા-અડધો કપ, કિસમિસ-2 ચમચી, આદું-મરચાંની પેસ્ટ-2 ચમચી, મરી પાઉડર-1 ચમચી, શેકેલું જીરું પાઉડર-1 ચમચી, લીંબુનો રસ-1 ચમચી, દળેલી ખાંડ-1 ચમચી, સિંધાલૂણ-જરૂર મુજબ, તેલ-તળવા માટે

રીત બટેટાને બાફી માવો કરી લો. તેમાં આરારૂટ અને સિંધાલૂણ ઉમેરો. હવે એક બાઉલમાં નાળિયેરની છીણ, શિંગદાણા અને કિસમિસ મિક્સ કરો. તેમાં જરૂર મુજબ સિંધાલૂણ, આદું-મરચાંની પેસ્ટ, મરી પાઉડર, લીંબુનો રસ અને ખાંડ ઉમેરી સ્ટફિંગ તૈયાર કરો. બટાકાના માવાને હાથ વડે પુરી જેવો ગોળ આકાર આપી વચ્ચે સ્ટફિંગ ભરી ગોળા વાળી લો. આ રીતે બધી પેટીસ રેડી કરો. કડાઈમાં તેલ મૂકી બધી પેટીસ તળી લો. ગરમાગરમ પેટીસને કોથમીરની ફરાળી ચટણી સાથે પિરસો.

કાચાં કેળાંનું શાક સામગ્રી કાચા ંકેળાં-2 નંગ, તેલ-1 ચમચી, સિંધાલૂણ-જરૂર મુજબ, જીરું-પા ચમચી, મરી પાઉડર-પા ચમચી, જીરું પાઉડર-અડધી ચમચી, લીંબુનો રસ-અડધી ચમચી, ખાંડ-અડધી ચમચી, હળદર પાઉડર-પા ચમચી, લાલ મરચું પાઉડર-અડધી ચમચી, કોથમીર-સજાવટ માટે

રીત કાચાં કેળાંની છાલ દૂર કરી તેના નાના નાના પીસ સમારી લેવા. હવે એક કડાઈમાં તેલ ગરમ કરી જીરાનો વઘાર કરી સમારેલા કેળા ઉમેરી લેવા. હવે તેમાં મરી પાઉડર, શેકેલા જીરુંનો પાઉડર, હળદર, સિંધાલૂણ અને ખાંડ ઉમેરી ધીમી આંચ પર ઢાંકણ ઢાંકીને પકાવો. લગભગ 10થી 12 મિનિટમાં ચડી જશે. ચડવા આવે એટલે લાલ મરચું પાઉડર ઉમેરો. ત્યારબાદ ગેસ બંધ કરી લીંબુનો રસ ઉમેરી હલાવી લો. કોથમીર ભભરાવીને ગરમાગરમ કાચાં કેળાંનું શાક સર્વ કરો.

રાજગરાનો શીરો સામગ્રી રાજગરાનો લોટ-1 કપ, ઘી-અડધો કપ, પાણી-1 કપ, ખાંડ-અડધો કપ, ઇલાયચી પાઉડર-અડધી ચમચી

રીત સૌ પ્રથમ કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો. ઘી ગરમ થાય એટલે તેમાં રાજગરાનો લોટ બદામી રંગનો થાય ત્યાં સુધી શેકો. લોટ શેકાય ત્યાં સુધી સાઈડમાં એક તપેલીમાં પાણી ગરમ કરો. લોટ શેકાઇ જાય એટલે તેમાં ગરમ પાણી ઉમેરી બરાબર મિક્સ કરો. બધું પાણી બળી જાય એટલે તેમાં ખાંડ ઉમેરો. ખાંડ ઓગળે ત્યાં સુધી સતત હલાવો. ખાંડ ઓગળે અને ઘી છૂટું પડે એટલે ગેસ બંધ કરી ઈલાયચી પાઉડર અને પસંદ મુજબના ડ્રાયફ્રૂટ મિક્સ કરો. તૈયાર છે રાજગરાનો શીરો.

સૂરણ ફ્રેન્ચફ્રાઈસ

સામગ્રી સૂરણ-250 ગ્રામ, મરી પાઉડર-પા ચમચી, હળદર-પા ચમચી, મીઠું-સ્વાદમુજબ, ચાટ મસાલો-જરૂર મુજબ, લાલ મરચું પાઉડર-પા ચમચી, તેલ-તળવા માટે રીત સૌ પ્રથમ સૂરણને મીઠાંના પાણીમાં પલાળી લેવું. તેમાં બહુ માટી હોવાથી ચારથી પાંચ વાર ધોઈને સાફ કરવું. મીઠાંવાળા હાથ કરીને સૂરણની છાલ ઉતારી લો. જેથી હાથમાં ચળ ના આવે. હવે તેની લાંબી ચિપ્સ કરી લો. બાઉલમાં થોડું મીઠું અને હળદર નાખીને ચિલ્ડ વોટરમાં 10 મિનિટ માટે પલાળી રાખો. એક કડાઈમાં તેલ ગરમ થવા મૂકો. ચિપ્સને પાણીમાંથી કાણાંવાળા વાસણમાં નિતારી લો. તેલ ગરમ થાય એટલે ચિપ્સને તળી લો. ક્રિસ્પી થાય ત્યાં સુધી તળવી. મરી અને મીઠું નાખી ગરમાગરમ પીરસો. લીંબુ, ચાટમસાલો, લાલ મરચું પણ ઉમેરી શકાય છે. આ ચિપ્સ સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે અને બટાકા કરતાં પચવામાં પણ હળવી હોય છે.

દૂધીના પુડલા

​​​​​​​સામગ્રી દુધીના ટુકડા-1 કપ, કોથમીર-પા કપ, આદુ-નાનો ટૂકડો, લીલાં મરચાં-3 નંગ, જીરું-અડધી ચમચી, સિંધાલૂણ-જરૂર મુજબ, પાણી-જરૂર મુજબ, ફરાળી લોટ-1 કપ, દહીં-પા કપ, લીંબુનો રસ-અડધી ચમચી

રીત દુધીના ટુકડા, આદુ, જીરું, લીલા મરચાં, સિંધાલૂણ અને જરૂર મુજબ પાણી ઉમેરી સ્મૂધ પેસ્ટમાં બનાવી લો. હવે એક બાઉલમાં દુધીની પેસ્ટ, ફરાળી લોટ અને દહીં મિક્સ કરો. ધીમે ધીમે પાણી ઉમેરો અને થોડું ઘટ્ટ ખીરું બનાવી લો. પુડલાના ખીરાને ઢાંકીને 15 મિનિટ સાઇડમાં રહેવા દો. હવે એક નોનસ્ટિક પેન ગરમ થવા મૂકો. ગરમ થાય એટલે તૈયાર કરેલા ખીરામાંથી પુડલા ઉતારો. દહીંની અંદર સિંધાલૂણ અને લાલ મરચું ભભરાવી સ્વાદિષ્ટ પુડલા પીરસો.

આલુ પરોઠાંં સામગ્રી રાજગરાનો લોટ-2 કપ, બાફેલા બટાકા-2 નંગ, આદું-મરચાંની પેસ્ટ-1 ચમચી, જીરું-પા ચમચી, દહીં-3 ચમચી, સિંધાલૂણ-જરૂર મુજબ, પાણી-જરૂર મુજબ

રીત સૌ પ્રથમ એક વાસણમાં રાજગરાનો લોટ લઈ બધી વસ્તુ ઉમેરી લોટ બાંધી દો. લોટ થોડો મુલાયમ બાંધવાનો છે. બાંધેલા લોટ પર થોડું તેલ લગાવી તેને ઢાંકીને અડધો કલાક માટે બાજુ પર રાખી દો. હવે તેમાંથી લૂઆ બનાવી લો. તૈયાર કરેલા લૂઆમાંથી પરોઠાં બનાવી લો. પરોઠાંને ઘી અથવા તેલ લઇ ધીમા તાપે શેકી લેવા.દહીં સાથે ગરમા ગરમ પીરસો.

અન્ય સમાચારો પણ છે...