પહેલું સુખ તે...:એક્સર્સાઇઝથી મેન્ટલ હેલ્થ જાળવો

સપના વ્યાસ21 દિવસ પહેલા
  • કૉપી લિંક

એક્સર્સાઇઝ માત્ર એરોબિક કેપેસિટી અને મસલ્સ સાઇઝ વધારવામા મદદ નથી કરતી. નિયમિત કસરત કરવાથી શારીરિક તંદુરસ્તી વધે છે, કમર પાતળી બનતા લુક સુધરે છે અને જીવનમાં વર્ષોનો ઉમેરો થાય છે. જોકે નિયમિત એક્સરસાઇઝ કરવાના માત્ર આટલા ફાયદા જ નથી. શારીરિક સક્રિયતા મૂડમાં સુધારો કરે છે, એનર્જી લેવલ વધારે છે અને આખા દિવસ દરમિયાન ઊર્જાવાન રહેવામાં મદદ કરે છે. શારીરિક રીતે સક્રિય રહેવાથી રાત્રે સારી નિંદર આવે છે, યાદશક્તિ કુશાગ્ર બને છે અને વ્યક્તિ વધારે રિલેક્સ તેમજ પોઝિટિવિટી અનુભવે છે. હેલ્થ અને એક્સરસાઇઝ પ્રોફેશનલ તરીકે મેં મારા ક્લાયન્ટમાં આવતો હકારાત્મક ફેરફાર મારી નજરે જોયો છે. નિયમિત એક્સરસાઇઝથી મૂડ પર હકારાત્મક અસર થાય છે, સ્ટ્રેસમાં ઘટાડો થાય છે અને સમગ્ર માનસિક સ્વાસ્થ્ય વધારે મજબૂત બને છે. એક્સરસાઇઝ ‘ફિલ ગુડ’ હોર્મોન્સનું સ્તર વધારે : એક્સરસાઇઝ કરવાથી સીરોટોનિન અને ડોપામાઇન જેવા ‘ફિલ ગુડ’ ન્યૂરોટ્રાન્સમિટર્સનાં સ્તરમાં પરિવર્તન આવે છે. એની તમારી લાગણી, વિચાર અને વર્તન પર હકારાત્મક અસર થાય છે. કસરત કરવાથી ઉત્પન્ન થતું નોરેપિનીફેરિન નામનું હોર્મોન અને ન્યૂરોટ્રાન્સમિટર સ્ટ્રેસની નકારાત્મકતાથી મગજનો બચાવ કરે છે. એક્સરસાઇઝથી વધે સેલ્ફ-એસ્ટીમ : નિયમિત કસરત કરવાથી ફિઝિયોલોજિકલ અને ન્યૂરોલોજિકલ ફાયદા તો થાય જ છે પણ સાથે સાથે સેલ્ફ-એસ્ટીમમાં પણ વધારો થાય છે. જો કસરત કરવાના માનસિક ફાયદાઓનો આનંદ ઉઠાવવો હોય તો એ જરૂરી છે કે એક્સરસાઇઝ કરવા માટે એવા વિકલ્પની પસંદગી કરો જે સલામત, અસરકારક અને આનંદપ્રદ હોય. એક્સરસાઇઝ બનાવે આત્મ-વિશ્વાસથી ભરપૂર : એક્સરસાઇઝ વજન ઘટાડવામાં મદદ કરે છે, બોડી ટોન કરે છે અને સ્વસ્થ ગ્લો તેમજ સ્માઇલ જાળવવામાં મદદ કરે છે. તમારા મૂડ તેમજ આત્મવિશ્વાસમાં નોંધપાત્ર વધારો અનુભવી શકો છો.

સોશિયલ સપોર્ટનો મજબૂત આધાર : આપણે બધા સામાજિક પ્રાણીઓ છીએ અને બધાને સોશિયલ સપોર્ટના ફાયદા વિશે ખબર છે. ગ્રુપ ફિટનેસ ક્લાસ તેમજ સ્પોર્ટસ એવી ફિઝિકલ એક્ટિવિટી છે જે સારી સોશિયલ એક્ટિવિટી સાબિત થાય છે. ફિઝિકલ એક્ટિવિટી દરમિયાન એકસમાન માનસિકતા ધરાવતા લોકોનું એકબીજા સાથે કોમ્યુનિકેશન થતા એક રીતે સામાજિક આદાનપ્રદાન વધે છે. આનાથી આત્મવિશ્વાસની લાગણી વધારે પ્રબળ બને છે. ફિઝિકિલ હેલ્થની મેન્ટલ હેલ્થ પર અસર : મજબૂત ફિઝિકલ હેલ્થની મદદથી વધારે સારી મેન્ટલ હેલ્થ મેળવી શકાય છે. વધારે પડતા સ્ટ્રેસથી બીમારી આવે છે અને બીમારીના કારણે પણ સ્ટ્રેસ અનુભવી શકાય છે. નિયમિત એક્સરસાઇઝ કરવાથી સ્વાસ્થ્યમાં અને આયુષ્યમાં વધારો થાય જ છે પણ સાથે સાથે ઇમ્યુનિટી વધવાથી શરદી અને ફ્લુ જેવી નાની નાની ફરિયાદોથી છૂટકારો મળે છે. આના કારણે સમયાંતરે વ્યક્તિ વધારે સ્વસ્થ રહે છેે.

ઓફિસમાં કરી શકાતી ઝડપી અને સરળ મેન્ટલ હેલ્થ એક્સરસાઇઝ 1. ઊંડા શ્વાસ લો : ડીપ બ્રિધિંગ મનમાં રહેલાં સ્ટ્રેસનું સ્તર ઘટાડવાનો અને મન પર કાબૂ મેળવવાનો સરળ અને અસરકારક રસ્તો છે. જો તમને કામનાં સ્થળે થાક કે સ્ટ્રેસનો અહેસાસ થાય તો થોડો સમય શાંતિથી ઊંડા શ્વાસ લો. આવું કરવાથી તમને તરત રાહત મળશે. 2. ડેસ્ક પર મેડિટેશન : મેડિટેશન કરવામાં વધારે સમય નથી લાગતો, પણ એનાથી માનસિક સ્વાસ્થ્ય જાળવવામાં ફાયદો થાય છે. જ્યારે તમારી પાસે મર્યાદિત સમય હોય અને માનસિક રીતે રાહત મેળવવા ઇચ્છતા હો તો થોડી મિનિટોનો સમય કાઢીને તમારી ડેસ્ક પર મેડિટેટ કરવાથી ચોક્કસ ફાયદો થાય છે. 3. સ્ટેન્ડ એન્ડ સ્ટ્રેચ : જ્યારે તમે ઓફિસમાં કામ કરતા હો ત્યારે આખા દિવસ દરમિયાન તમારી પાસે હલનચલન કરવાની અને એક્સરસાઇઝ કરવાની મર્યાદિત તક હોય છે. સ્ટ્રેચિંગ કરવાથી રક્તનું પરિભ્રમણ સારી રીતે થાય છે અને ઉભા થવાથી એકધારાપણામાં રાહત મળે છે. contact@sapnavyas.com

અન્ય સમાચારો પણ છે...