કવર સ્ટોરી:મેઇડ ફોર ઇચ અધર આ વાક્ય સદંતર ખોટું છે...

20 દિવસ પહેલાલેખક: એષા દાદાવાળા
  • કૉપી લિંક

જે લોકો પરણેલાં છે, પરણવાનાં છે અથવા તો પ્રેમમાં છે એમને મારે એક સવાલ પૂછવો છે, ‘તમે મેઇડ ફોર ઇચ અધરની થિયરીમાં માનો છો?’, તમે એવું માનો છો કે ‘તમે બંને એકબીજાં માટે જ સર્જાયેલાં છો?’ તમે એવું દૃઢપણે માનો છો કે ઇશ્વરે જ્યારે તમારાં બંનેનું સર્જન કર્યું હશે ત્યારે તમે બંને પરણવાનાં છો કે પ્રેમમાં પડવાનાં છો, આ વાતને ધ્યાનમાં રાખી તમારા માટે તૈયાર કરેલા બીબામાં કોઇ ફેરફાર કર્યો હશે? એક છોકરો અને છોકરી એકબીજાં સાથે પરણી રહ્યાં હોય ત્યારે મિત્રો દ્વારા, સ્વજનો દ્વારા અને વેડિંગ સેરિમનીનું એન્કરિંગ કરતા એન્કરો દ્વારા એમનાં પર ‘મેઇડ ફોર ઇચ અધર’નું ટેગ મારી દેવામાં આવે છે. મને ક્યારેક એવો સવાલ થાય કે મેઇડ ફોર ઇચ અધરના ટેગ સાથે પરણી રહેલી બે વ્યક્તિઓનું જીવન હંમેશાં ખાધું, પીધું ને રાજ કર્યું...જેવું ન રહેવું જોઇએ? એમનાં પ્રેમમાં કે એમની વચ્ચેનાં આકર્ષણમાં સતત વધારો ન થવો જોઇએ? શંકા-કુશંકાઓ, ઇગો વગેરે શબ્દો એમની ડિક્શનરી બહારનાં ન હોવા જોઇએ? જો બંને જણાં મેઇડ ફોર ઇચ અધર જ હોય તો એકબીજાંની હાજરી પણ જીરવવી મુશ્કેલ થઇ જાય એવી પળો એમની વચ્ચે કેવી રીતે સર્જાઇ શકે? ‘મેઇડ ફોર ઇચ અધર’ વચ્ચે કોઇ ત્રીજી વ્યક્તિ આવી શકે? ‘મેઇડ ફોર ઇચ અધર’ વચ્ચે છૂટાછેડા થઇ શકે? લગ્ન કે પ્રેમ સંબંધમાં ‘મેઇડ ફોર ઇચ અધર’ની થિયરી બહુ કામ નથી કરતી. આપણે બંને એકબીજા માટે જ સર્જાયાં છીએ... પ્રેમ કરતી વખતે આવું વાક્ય બોલવાની મજા પડે, સાંભળવાની વધારે મજા પડે, ધેટ્સ ઇટ! એનાથી વધારે કંઇ નહીં. મેઇડ ફોર ઇચ અધર એ માત્ર વિશેષણ છે, વાસ્તવિકતા નહીં! સંબંધ એ એક જવાબદારી છે, એક કમિટમેન્ટ છે અને એ અધિકાર નથી, એ ફરજ છે. મેઇડ ફોર ઇચ અધર... આ વાક્ય અધિકારને વધારે, ફરજને ઓછી રિપ્રેઝન્ટ કરે છે. જ્યારે તમારા મનમાં એવું ઘુસાડી દેવામાં આવે છે કે તમે બંને તો એકબીજાં માટે જ સર્જાયેલાં છો, ત્યારે એકબીજાંને અનુકૂળ થવાની, એકબીજાં માટે બદલાવાની શક્યતાઓ ઓછી થઇ જાય છે. મેઇડ ફોર ઇચ અધર... આ વાક્ય આદર્શ છે, પણ કદાચ સાચું નથી. આપણે એક વાત ખાસ યાદ રાખવી જોઇએ કે જોડીઓ સ્વર્ગમાં ભલે નક્કી થાય, પણ ધરતી પર બદલાઇ પણ જતી હોય છે. જ્યારે તમે એવું માનવા માંડો કે તમે બંને જણાં એકબીજાં માટે સર્જાયાં છો ત્યારે તમારો સંબંધ ક્યાંક ખાબોચિયાંમાં કેદ તો નથી થઇ ગયો ને એવું ખાસ ચકાસી લેજો. મેઇડ ફોર ઇચ અધર હોવું અને મેઇડ ફોર ઇચ અધર બનવું આ બંને વચ્ચે ફર્ક છે અને મોટા ભાગનાં સંબંધોમાં મેઇડ ફોર ઇચ અધર બનવું પડે છે, એના માટે સંઘર્ષ કરવો પડે છે! મેઇડ ફોર ઇચ અધર... આ વાક્ય પૂર્ણવિરામ સાથેનું વાક્ય છે. અહીં કાર્ય સંપૂર્ણ થઇ જાય છે. બે વ્યક્તિ એકબીજાં માટે સર્જાઇ ગઇ અને વાત પૂરી થઇ ગઇ, પણ વાસ્તવિક જીવનમાં મેઇડ ફોર ઇચ અધર પછી મૂકાયેલું પૂર્ણવિરામ કામમાં આવતું નથી. લગ્ન અથવા તો પ્રેમ એ જીગ્સો પઝલનાં ટુકડા જેવો છે. જેવી રીતે પઝલનાં બે ટુકડા એકબીજા સાથે બંધ બેસી શકે એ માટે બેઉનાં આકારમાં ફર્ક હોય છે. એવી રીતે બે વ્યક્તિ એકબીજાં સાથે બંધ બેસી શકે એ માટે બંનેએ પોતાનાં આકારમાં-સમજણમાં બદલાવ લાવવો પડે છે, સમય અનુસાર લાવવો પડે છે અને વારંવાર લાવવો પડે છે. બે વ્યક્તિ એકબીજાં માટે ક્યારેય ટેલરમેઇડ હોઇ શકે નહીં. એકબીજાંની જરૂરિયાત પ્રમાણે અને સમય પ્રમાણે ફેબ્રિકમાં, ડિઝાઇનમાં, બટનમાં, અસ્તરમાં ફેરફાર કરવો પડે! એક આદર્શ વાક્ય છે કે સાચો પ્રેમ એ છે કે જે તમને બદલી નથી નાખતો... હું એવું સાફપણે માનું છું કે આ આદર્શ વાક્ય ખોટું છે અને સરાસર ખોટું છે. સાચો પ્રેમ એ છે જે તમને જડમૂળથી બદલી નાખે છે અને તમને ખબર પણ પડતી નથી. તમારે તમારા પ્રેમને જાળવવો હોય, ટકાવવો હોય તો મહેનત કરવી પડે છે. જેમ નોકરીમાં પરફોર્મન્સ મેટર કરે છે એમ પ્રેમમાં, લગ્નમાં પણ પરફોર્મન્સ મેટર કરે છે. આ જોબ તારા માટે જ સર્જાયેલી છે એવું કોઇ કહે અને તમે રોજ ઓફિસ જઇ તમારા ટેબલ પર બેસી રહો અને કશું જ કર્યા વિના ઘરે પાછા ફરો તો? કારણ કે જોબ તો તમારા માટે જ સર્જાયેલી છે એનો અર્થ એવો થયો કે એ બીજા માટે નથી...આવા ભ્રમમાં રહો તો નોકરી જતી રહે. સંબંધમાં પણ આવું જ છે. જો તમારા ટૂંક સમયમાં લગ્ન થવાનાં હોય, તમે કોઇના ગાઢ પ્રેમમાં હો અથવા તો તમે પરણી ચૂક્યાં હો, એક વાત ખાસ યાદ રાખજો કે તમારી ગમતી વ્યક્તિને સતત ગમતાં રહેવા માટે તમારે મહેનત કરવી પડશે. એના સ્વભાવ પ્રમાણે બદલાવું પણ પડશે, એને ગમતી ચીજો પણ કરવી પડશે, એની ઇચ્છાઓ અને એની જરૂરિયાતોને સમજવી પણ પડશે. હું એવું હરગિઝ નથી કહેતી કે મેઇડ ફોર ઇચ અધરની થિયરી પરથી તમારો વિશ્વાસ ઉઠાવી લો, પણ જો આ થિયરી પર તમને વિશ્વાસ હોય તો એક વાત ખાસ યાદ રાખજો કે ઘરનો દસ્તાવેજ થઇ ગયા પછી ઘર તો તમારી માલિકીનું થઇ જાય છે, પણ એ ઘરમાં જાળાં ન બાઝે, ઊધઇ ન લાગી જાય, ધૂળ ન જામી જાય એનું ધ્યાન રાખવું પડે છે. હું જેની સાથે પરણી રહી છું અથવા તો જેના પ્રેમમાં છું એ વ્યક્તિનું સર્જન ઇશ્વરે માત્ર મારા માટે નથી કર્યું અને મારા સિવાય પણ આ દુનિયામાં એની પાસે બીજી અનેક જવાબદારીઓ છે, કરવા લાયક હજ્જારો કામ છે. સ્વીકારવી પડે એવી આ પણ એક વાસ્તવિકતા છે. એકમેક માટે જ સર્જાયેલાં હોવું એના કરતાં એકમેક માટે સમજણનું, સમાધાનનું, સુખનું, ઇચ્છાનું, જરૂરિયાતનું સર્જન કરતાં રહેવું એ વધારે શ્રેષ્ઠત્તમ છે. તમે MADE FOR EACH OTHER ન હશો તો ચાલશે, પણ આજીવન MAD FOR EACH OTHER રહી શકો એના પૂરા પ્રયાસો કરજો...! dadawalaesha@gmail.com

અન્ય સમાચારો પણ છે...