શરીર પૂછે સવાલ:થોડા સમયથી કામેચ્છા ઘટી ગઈ છે...એને વધારી શકાય?

6 મહિનો પહેલા
  • કૉપી લિંક

પ્રશ્ન : મારી વય 34 વર્ષની છે. મારી સમસ્યા છે કે થોડા સમયથી મારી કામેચ્છા એકદમ ઓછી થઇ ગઇ છે. મારા પાંચ વર્ષ પહેલાં લગ્ન થયાં છે. લગ્ન પછી પણ મારી વાઇફ સાથે સેક્સલાઇફ સારી હતી, પણ પછી મોનોટોની આવવા લાગી. તેને પિયરિયાંઓનું બહુ ઘેલું હતું એટલે અમારી વચ્ચે અવારનવાર ઝઘડાનું પ્રમાણ પણ વધવા લાગ્યું. જાકે શરૂઆતમાં આ બધી બાબતોની સેક્સલાઇફ પર ખાસ અસર નહોતી થતી, પણ હવે લગ્નને પાંચ વરસ થઈ ગયાં છે ત્યારે હવે મને કામેચ્છા થતી જ નથી. સેક્સ કરવાનું મન નથી એમ કહું તો પત્નીને લાગે છે કે મને તેનામાં રસ નથી. હવે કામેચ્છા વધારવા કરવું શું? એક પુરુષ (અંકલેશ્વર) ઉત્તર : બે પાર્ટનર્સ વચ્ચે જ્યારે-જ્યારે પણ તણાવ, ગેરસમજ અને વિવાદો વધે છે ત્યારે સેક્સની ઇચ્છા અને પરફોર્મન્સ બંને પર એની માઠી અસર થઈ શકે છે. સંબંધોમાં પ્રેમ, સમજણ અને હૂંફાળો સંબંધ ન હોય તો સેક્સની ઇચ્છા પણ મરી પરવારે છે. તમારા પત્ની સાથેના સંબંધોમાં જે કોઈ પણ મતભેદો છે એને દબાવી દેવાને બદલે પત્ની સાથે બેસીને વાતચીત કરો. મતભેદો જ્યારે મનભેદ બની જાય છે ત્યારે સંબંધો વચ્ચે ખાઈ વધે છે. જો કોઈક કારણસર તમે એમ ન કરી શકતા હો તો મારી સલાહ એ છે કે તમારે કોઈ મેરેજ કાઉન્સેલરની મદદ લેવી જોઈએ. તે તમને અંગત સંબંધોમાં પ્રેમની ઓટ કેમ આવી રહી છે એ સમજવામાં અને ઓછી કરવામાં મદદરૂપ થશે. પ્રશ્ન : મારી પત્નીની વય 65 વર્ષ છે. તેને હાલમાં હાર્ટ એટેક આવ્યો હતો પણ એ અત્યંત માઇલ્ડ હોવાનાં કારણે બહુ તકલીફ ન પડી. જોકે હવે ભવિષ્યમાં આવી કોઇ કટોકટી સર્જાય તો શું ધ્યાન રાખવું જોઇએ? એક પુરુષ (વડોદરા) ઉત્તર : હાર્ટ એટેક એક એવી બીમારી છે જે ગમે તે વ્યક્તિને ભોગ બનાવી શકે છે. જો યોગ્ય સમય પર દર્દીને મેડિકલ સુવિધા ન આપવામાં આવે તો તેનો જીવ પણ જઈ શકે છે.જો હાર્ટ એટેક આવે ત્યારે કેટલીક સાવધાની અને સ્ટેપ ફેલો કરવામાં આવે તો દર્દીનો જીવ બચાવી શકાય છે. સૌ પહેલાં એમ્બ્યુલન્સને કોલ કરો. જ્યાં સુધી એમ્બ્યુલન્સ ન આવે ત્યાં સુધી પેશન્ટને સીધા કરીને સુવાડો. તેના કપડાંને લૂઝ કરો જેથી દર્દીને બેચેની ઓછી થાય. દર્દીને લાંબા શ્વાસ લેવા માટે કહો અને આસપાસ ભીડ ન કરો. રોગીના પગ ઊપરની તરફ ઉઠાવો જેથી લોહીનો પ્રવાહ હાર્ટ તરફ રહે. જો શ્વાસ અથવા પલ્સ ન આવતી હોય તો તરત સી.પી.આર. આપો. આ માટે તમારા ડાબા હાથને સીધો રાખો અને જમણો હાથ તેની ઊપર રાખો. આંગળીઓ લોક કરી દો. બાદમાં તમારા હાથને દર્દીની છાતીની મધ્યમાં લાવો અને છાતીને દબાવો. છાતીને દબાવતી વખતે દર 25-30 કોમ્પ્રેશન બાદ દર્દીને મોઢા થાકી ઓક્સિજન આપો. મોઢા થાકી ઓક્સિજન આપતી વખતે વ્યક્તિનું નાક બંધ કરો. આ સમયે દર્દીને કંઇ ખાવાનું કે પીવાનું ન આપો. હાર્ટ એટેક આવે ત્યારે ઘણી વખત ઊલટી થશે એવું લાગે છે. જો દર્દીને આવું થતું હોય તો એને ઊલટી કરવાનું કહો. દર્દીને લઈ જવા માટે તેને ચલાવવાની ભૂલ ન કરો અને ઊંચકીને લઇ જાઓ. આ સિવાય દર્દીનો પલ્સ રેટ જો ખૂબ ઓછો હોય તો છાતીમાં દબાણ બનાવવાથી રાહત મળે છે. પણ જો તેને કરવાની રીત ખોટી હોય તો દર્દીની તકલીફ્ વધી શકે છે. પ્રશ્ન : હું નિયમિત રીતે ઘણા સમયથી એક્સરસાઇઝ કરી રહી છું પણ આમ છતાં મારું વજન ઘટી નથી રહ્યું. આવું કેમ થઇ રહ્યું હશે? એક યુવતી (અમદાવાદ) ઉત્તર : ઘણી વાર કસરત કરવા છતાં વજન ઘટતું નથી, પણ ઘણા લોકોને એ ખબર નથી હોતી વજન ઘટાડવા માટે કસરત કરવી જ પૂરતું નથી. તમારી ખાણી-પીણી અને જીવનશૈલીમાં પણ ફેરફાર કરવો જરૂરી છે. યોગ્ય કસરત પસંદ કરી અને સવારના સમયે કસરત કરો. જો શરીરનાં બંધારણમાં પરિવર્તન લાવવું હોય તો ટ્રેનિંગ સતત ઇન્ટેન્સ અને વિવિધતાવાળી હોવી જોઇએ. જો તમે રોજ એક જ પ્રકારની એક્સરસાઇઝ કરશો તો તમારા શરીરને એની આદત પડી જશે. તમારે તમારા શરીરને સતત નવા નવા પડકાર આપવા પડશે જેથી એને તમે જે એક્સરસાઇઝ કરી રહ્યા છો એની આદત ન પડી જાય. કસરત કરવા સાથે રોજની આઠ કલાકની પૂરતી ઊંઘ લો. તે સાથે પૂરતા પ્રમાણમાં પાણી પણ પીવાનું રાખો અને ખાવા-પીવામાં પણ ફેરફાર કરો. ભોજનનો સમય નિશ્ચિત રાખવા સાથે પૂરતો નાસ્તો કરો. જંક ફૂડથી દૂર રહો અને આહારમાં પોષકતત્ત્વોથી સભર હોલ ફૂડ જ લો. હંમેશાં તાજો આહાર જ લો. પેકેજ્ડ જંક ફૂડ લાંબો સમય ટકે એ માટે એમાં એવા ઘટકો ઉમેરેલા હોય છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તમે ઝડપથી ભોજન કરતા હો તો શરીરનો સંકેત મળતાં પહેલાં તો તમે વધારે કેલેરી લઇ ચૂક્યાં હો છો. આથી ઝડપથી ન ખાઓ કેમ કે ઝડપથી ખાનારા લોકોમાં સ્થૂળતાની શક્યતા વધારે રહે છે. ભોજન ધીમેથી અને બરાબર ચાવીને ખાઓ. આનાથી શરીરમાં વજન ઘટાડનારા હોર્મોન્સનો સ્રાવ વધે છે અને તેથી વજન ઘટે છે. પ્રશ્ન : હું 42 વર્ષનો પુરુષ છું. મને આમ તો કોઇ સમસ્યા નથી પણ રાત્રે વિઝનમાં બહુ તકલીફ પડે છે. છેલ્લાં 12 વર્ષથી ચશ્માં પહેરું છું. રાત્રે જેમ-જેમ અંધારું છવાતું જાય એમ એમ મારું વિઝન ઘટતું જાય છે. મારું બ્લડપ્રેશર અને બ્લડસુગર બંને નોર્મલ છે. મારી આ સમસ્યા પાછળ શું કારણ હશે? એક પુરુષ (રાજકોટ) ઉત્તર : તમે જે લક્ષણો વર્ણવ્યાં છે એ પરથી ચોક્કસ નિદાન થઈ શકે એમ નથી. છતાં બે શક્યતાઓ છે. એક છે નાઇટ વિઝન એટલે કે રતાંધળાપણું ને બીજી છે રેટિનાઇટિસ પિગ્મેન્ટોઝાની તકલીફ. આ એક જિનેટિક પ્રોબ્લેમ છે ને એમાં આંખના પડદાને જ નુકસાન થાય છે ને ધીમે-ધીમે દૃષ્ટિ ઘટતી જાય છે. તમને અત્યારે માત્ર રાતે જ જોવામાં તકલીફ પડે છે એટલે શક્યતા છે કે રતાંધળાપણાને કારણે જ એમ હોય. જો બોડીમાં વિટામિન એની કમીને કારણે આ હશે તો વિટામિન્સ સપ્લિમેન્ટ્સ લેવાથી ઘણો જ ફાયદો થશે. તમે ઝડપથી આંખના નિષ્ણાત ડોક્ટર પાસે સંપૂર્ણ આઇ ચેક-અપ કરાવી લો. યોગ્ય સારવાર તકલીફ વધતી અટકાવી શકે છે.

અન્ય સમાચારો પણ છે...