મીઠી મૂંઝવણ:વયમાં મોટી યુવતી સાથે પ્રેમ, આ વાત ઘરમાં કઇ રીતે કહું?

એક મહિનો પહેલાલેખક: મોહિની મહેતા
  • કૉપી લિંક

પ્રશ્ન : અમે સંયુક્ત પરિવારમાં રહીએ છીએ. મારા સસરા અને જેઠ ઘરમાં હોય ત્યારે મારે અને મારા પતિને વાત કરવાની તક મળતી નથી. રાત્રે પણ બધાં મોડે સુધી જાગતાં હોવાથી અમને એકાંતનો સમય મળતો નથી. મારા પતિ આ કારણસર ઘણી વાર નારાજ થઇ જાય છે. હું એમને કેવી રીતે સમજાવું કે સંયુક્ત પરિવારમાં કેટલીક મર્યાદા જાળવવાની હોય છે?
એક યુવતી (વલસાડ)
ઉત્તર :
તમે સંયુક્ત પરિવારમાં રહેતાં હોવાથી સ્વાભાવિક રીતે જ તમે જણાવ્યું છે એ રીતે વાત કરવાનો કે એકાંત મળવાનું થોડું મુશ્કેલ લાગે. જોકે તમારા પતિ નારાજ થાય એમાં એ ખોટા નથી કેમ કે એમને પણ તમારી સાથે વાતચીત કરવી હોય કે એકાંત માણવું હોય. તમે ક્યારેક તમારા પતિને રજા મ‌ળે એમ હોય અથવા વીક-એન્ડ હોય ત્યારે નજીકના કોઇ સ્થળે ફરવા જાવ. ત્યાં તમારો બધો સમય પતિને આપો. એમને સમજાવવાને બદલે તમે આ રીતે પ્લાન કરશો તો ચોક્કસ વાતચીત કરવાની સાથે એકાંત પણ માણી શકશો અને આમ કરવાથી પતિની નારાજગી પણ દૂર થઇ જશે.
પ્રશ્ન : હું કોલેજના સેકન્ડ યરમાં અભ્યાસ કરું છું. મને મારી કોલેજના એક પ્રોફેસર ખૂબ જ ગમે છે. એ અપરિણીત છે. મને ઘણી વાર ઇચ્છા થાય છે કે હું એમના પ્રત્યેની મારી લાગણી વિશે કહું, પણ મારી હિંમત ચાલતી નથી. મારે એમને કઇ રીતે લગ્ન કરવા માટે વાત કરવી?
એક યુવતી (વિદ્યાનગર)
ઉત્તર
: તમે કોલેજના સેકન્ડ યરમાં અભ્યાસ કરો છો એટલે તમારી વય બાવીસ-ત્રેવીસ વર્ષની હોવી જોઇએ. આ વય દરમિયાન વિજાતીય વ્યક્તિ પ્રત્યે આકર્ષણ જાગે એ સહજ બાબત છે. જોકે તમારા કિસ્સામાં તો વિજાતીય આકર્ષણ ઉપરાંત બીજો એક મુદ્દો વધારે જટિલ છે. તમને તમારા પ્રોફેસર પ્રત્યે લાગણી જાગી છે. જે આપણા સમાજમાં મહદ્દંશે સ્વીકાર્ય બાબત નથી. ગુરુ-શિષ્યના સંબંધને આપણે ત્યાં પવિત્ર માનવામાં આવે છે. તમે એ સંબંધની પવિત્રતાને જ વિસારે પાડી દીધી છે. એવામાં તમે જો તમારી લાગણી પ્રોફેસરને જણાવશો તો પણ કોઇ અર્થ નહીં સરે કેમ કે એ સ્વીકારશે નહીં અને તમને દુ:ખ થશે. પ્રોફેસર પ્રત્યે લાગણી કે તેમની સાથે લગ્ન કરવાની વાતનો વિચાર કર્યા વિના તમારા અભ્યાસ પ્રત્યે ધ્યાન આપો એ વધારે યોગ્ય રહેશે.
પ્રશ્ન : મારાં લગ્નને સાતેક મહિના થયા છે. મને છેલ્લાં પંદર-વીસ દિવસથી અમે બંને જ્યારે સાથ માણીએ ત્યારે શરીરના અંદરના ભાગમાં દુખાવો થાય છે. મેં મારા પતિને આ વાત કરી. એ કહે છે કે હું તને તકલીફ નહીં પડવા દઉં. છતાં જ્યારે પણ સાથ માણીએ ત્યારે મને દુખાવો થાય છે. હું એમને સાથ માણવાની ના કહું તો એમને ગમતું નથી. મારે શું કરવું?
- એક યુવતી (જૂનાગઢ)
ઉત્તર :
તમારા લગ્નને સાત-આઠ મહિના થયા છે. આટલા મહિના સુધી તમને સાથ માણતી વખતે કોઇ પ્રકારની તકલીફ પડી નથી. હવે તમને શરીરમાં દુખાવો થાય છે તેનું એક સામાન્ય તારણ એ હોઇ શકે કે તમારા પતિ વધારે પડતા ઉત્તેજિત થઇ જતા હશે અને તેના કારણે તમને દુખાવો થતો હોય એવું બની શકે. તમે એમને સમજાવો કે સાથ માણતી વખતે પોતાની ઉત્તેજના પર થોડું નિયંત્રણ રાખે. તે સાથે તમે પણ સાથ માણતી વખતે તમારા શરીરને થોડું રીલેક્સ રાખો. શક્ય છે કે દુખાવો થવાના ડરથી અજાણતાં જ તમારું શરીર અકડાઇ જતું હોય અને તમને દુખાવો થતો હોય. તમે જેટલા રીલેક્સ રહેશો એટલી તમને જ વધારે રાહત રહેશે. છતાં પણ જો તમને દુખાવો થાય તો કોઇ ગાયનેકોલોજિસ્ટની સલાહ લો.
પ્રશ્ન : હું એક યુવતીને પ્રેમ કરું છું. એ મારી સોસાયટીમાં જ રહે છે, પણ એ મારાથી બે-ત્રણ વર્ષ મોટી છે અને એક વાર એની સગાઇ તૂટી ગઇ છે. મને એ ખૂબ જ પસંદ છે, પણ મારાં માતા-પિતાને આ વાત કહેતાં મને ડર લાગે છે. હું એમને કેવી રીતે વાત કરું?
એક યુવાન (વડોદરા)
ઉત્તર :
તમને તમારાથી વયમાં બે-ત્રણ વર્ષ મોટી યુવતી પ્રત્યે પ્રેમ છે એમાં કંઇ ખાસ વાંધાજનક બાબત નથી. હા, એ યુવતીની ઇચ્છા શું છે તે તમારે જાણવાની જરૂર છે. વળી, તમારા કહેવા મુજબ એ યુવતીની સગાઇ એક વાર તૂટી ગઇ છે, તો સગાઇ કયા કારણસર તૂટી છે એ જાણ પણ તમને હોવી જોઇએ. જો કોઇ સામાન્ય કારણસર સગાઇ તૂટી હોય અને એ યુવતીને પણ તમારા પ્રત્યે લાગણી હોય તો તમે નિશ્ચિંત બનીને તમારાં માતા-પિતાને વાત કરો. માતા-પિતા પોતાના સંતાનોની ઇચ્છા યોગ્ય હોય તો માન્ય રાખે છે, તેથી ખોટા ડરવાની જરૂર નથી. તમે પૂરતી તપાસ કરીને તમારાં માતા-પિતાને શાંતિથી વાત કરો.
પ્રશ્ન : મારાં લગ્ન થયાં તે પહેલાં હું એક યુવતીને પ્રેમ કરતો હતો. લગ્ન પછી મેં મારી પત્નીને પૂરતો પ્રેમ આપ્યો છે અને હું એને જ વફાદાર રહ્યો છું. મારી પ્રેમિકાને મેં સદંતર ભુલાવી દીધી છે. જોકે થોડા દિવસ પહેલાં મારી પત્નીને આ વાતની જાણ થતાં હવે એ અવારનવાર મને મારા પ્રેમસંબંધની યાદ અપાવે છે અને કોઇનો ફોન આવે તો પણ શંકા કરે છે. મારે એની શંકાનું સમાધાન કેવી રીતે કરવું?
એક યુવાન (જામનગર)
ઉત્તર :
તમે લગ્ન બાદ તમારી પ્રેમિકાને ભુલાવી દીધી હોવા છતાં અને તમારાં પત્નીને વફાદાર રહેવા છતાં હવે તમારાં પત્નીને તમારા પ્રેમ અંગે જાણ થવાથી એ તમને અવારનવાર તમારા પ્રેમસંબંધ અંગે મહેણાં મારે છે કે તમારા પર શંકા કરે છે. આમ તો કહેવાય છે કે વહેમનું કોઇ ઓસડ નથી, પરંતુ તમારા કિસ્સામાં તમારે આ સમસ્યાનો ઉકેલ લાવવો જ રહ્યો. તમે બને તો એક વાર તમારી પ્રેમિકાને તમારાં પત્ની સાથે મુલાકાત કરાવો અને તેની હાજરીમાં જ પત્નીને જણાવો કે હવે તમારાં બંને વચ્ચે કોઇ પ્રકારનો સંબંધ નથી. જ્યારે તમારી પ્રેમિકા પત્ની સમક્ષ એ વાત સ્વીકારશે ત્યારે તમારાં પત્નીના મનમાંથી વહેમ એટલે કે શંકા દૂર થઇ જશે.
પ્રશ્ન : મારી દીદીનાં લગ્નમાં તેમનો દિયર આવેલો, તે મને ખૂબ ગમી ગયો છે. જોકે એની સગાઇ થઇ ગઇ છે, પણ મારી ઇચ્છા એની જ સાથે લગ્ન કરવાની છે. હું મારી દીદીને કેવી રીતે કહું?
એક યુવતી (અમદાવાદ)
ઉત્તર :
તમને તમારી દીદીનો દિયર ગમી ગયો છે એ વાત બરોબર, પરંતુ તમે જાણો છો કે એની સગાઇ થઇ ગઇ છે. તમે દીદીના દિયર સાથે લગ્ન કરવા ઇચ્છો છો, તે આ સંજોગોમાં શક્ય નથી. તમારી દીદીને આ વાત કહી પરેશાન ન કરશો.

અન્ય સમાચારો પણ છે...