ડેટિંગ ડાયરી:પ્રેમ બદલાયો પરિણયમાં

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જ્યારે લગ્ન થઇ ગયાં ત્યારે મેં એમને પૂછ્યું, ‘તમે મારા જેવી સામાન્ય યુવતી સાથે લગ્ન કરવાનું કેમ સ્વીકાર્યું?’

મારાં લગ્ન થયાં ત્યારની વાત છે. મિડલ ક્લાસની અને માત્ર ગ્રેજ્યુએશન કરેલું હતું મેં. વળી, દેખાવમાં પણ એવી સુંદર નહીં. મારાં માતા-પિતાને મારાં લગ્નની ખૂબ ચિંતા થતી કે કોને ખબર, મારાં લગ્ન કઇ રીતે થશે? જોકે ગ્રેજ્યુએશન પછી મને એક પ્રાઇવેટ ફર્મમાં રિસેપ્શનિસ્ટની જોબ મળી ગઇ હોવાથી એટલી રાહત હતી કે દીકરી પગભર તો છે. આ જ ઓફિસમાં જનરલ મેનેજર તરીકે કામ કરતાં મારા પતિ જે ત્યારે અપરિણીત હતા, એ ઘણી વાર મારી સાથે વાત કરતા. એક દિવસ સાંજે બરાબર ઘરે જવાના સમયે જ ધોધમાર વરસાદ તૂટી પડ્યો. એમણે તરત મને કહ્યું, ‘ચાલો મારી સાથે. હું તમને મારી કારમાં ઘર સુધી મૂકી જઇશ. મારું ઘર પણ એ બાજુ જ છે. આમ ક્યાં સુધી રાહ જોશો?’ રસ્તામાં એમણે મને કહ્યું, ‘પરિવારમાં કોણ છે?’ ત્યારે મેં સસંકોચ જવાબ આપ્યો, ‘સર, મારો નાનો ભાઇ અને મમ્મી-પપ્પા છે.’ એ પછી અમારાં બંને વચ્ચે મૌન છવાઇ ગયું. થોડી વારે મારું ઘર આવતાં એમણે કાર ઊભી રાખી અને તેઓ રવાના થઇ ગઇ. બીજા દિવસે ઓફિસેથી હું ઘરે આવી ત્યારે મમ્મી-પપ્પાએ મને કહ્યું કે મને જોવા માટે છોકરાવાળા આવવાના છે. જ્યારે એ લોકો આવ્યા ત્યારે મેં જોયું કે એ છોકરાવાળા સાથે આવેલ યુવાન બીજો કોઇ નહીં, મારા જનરલ મેનેજર હતા. મને નવાઇ લાગી. પરિવારજનોને તો કોઇ વાંધો જ નહોતો કેમ કે જ્ઞાતિ સમાન હતી, વળી, અમે એકબીજાથી પરિચિત હતાં. જ્યારે લગ્ન થઇ ગયાં ત્યારે મેં એમને પૂછ્યું, ‘તમે મારા જેવી સામાન્ય યુવતી સાથે લગ્ન કરવાનું કેમ સ્વીકાર્યું?’ ત્યારે એમનો જવાબ હતો, ‘તું સામાન્ય નથી. તારું કામ, તારો સ્વભાવ, તારી નિષ્ઠા આ બધું મને ઘણા સમયથી આકર્ષી ગયું હતું, પણ ઓફિસમાં બેસીને તારી સમક્ષ પ્રેમનો એકરાર કરવાનું મને યોગ્ય ન લાગ્યું તેથી જ્યારે તને મૂકવા આવ્યો તે પછી મારાં મમ્મી-પપ્પાને વાત કરી કે મને તું ગમે છે. મારે માત્ર તું મમ્મી-પપ્પાને ગમે છે કે નહીં એ જોવાનું હતું. તું પણ તેમને ગમી ગઇ. પછી તો…’ અને આજે અમારાં લગ્નજીવનને પાંચ વર્ષ થઇ ગયાં છે. અમારું દાંપત્યજીવન સુખમય રીતે પસાર થઇ રહ્યું છે. સાચે જ આવો સમજદાર યુવાન મને પતિ તરીકે મળ્યો એ મારા માટે ઇશ્વરના આશીર્વાદ જ છે.

અન્ય સમાચારો પણ છે...