ખાસમખાસ:વધારાનું વજન ઘટાડી બનો કમનીય કાયા ધરાવતી કામિની

રશ્મિ શેઠ6 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોનાવાઈરસના કારણે લોકો લાંબા સમયથી ભાગ્યે જ ઘરની બહાર જાય છે. આવી સ્થિતિમાં લોકોનું વજન વધી ગયું છે. આ પરિસ્થિતિના કારણે ઘણા લોકો મેદસ્વિતાનો ભોગ પણ બન્યા છે. આવું થવાનું કારણ આપણાં રૂટિનમાં ફેરફાર અને વારંવાર ખાવાની આદત છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના જણાવ્યા પ્રમાણે, 1975થી લઈને અત્યાર સુધીમાં વિશ્વમાં મેદસ્વિતામાં ત્રણ ગણો વધારો થયો છે. 2019માં કરવામાં આવેલા એક રિસર્ચમાં જણાવ્યા પ્રમાણે, ભારતમાં 13.5 કરોડથી વધુ લોકો મેદસ્વી છે. સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના જણાવ્યા પ્રમાણે, 30થી ઉપર બોડી માસ ઈન્ડેક્સને મેદસ્વી માનવામાં આવે છે, આવા લોકોને કોવિડ-19 થવાનું જોખમ વધારે છે. જોકે જો તમે પ્રામાણિકપણે સ્વાસ્થ્યપ્રદ ડાયટ લો અને નિયમિત જીવનમાં એક્સરસાઇઝને સ્થાન આપો તો વધારાનાં વજનને સરળતાથી ઓછું કરી શકો છો. આર્યુવેદ પાસે ઉપચાર વજન ઘટાડા માટે તત્પર વ્યક્તિઓ માટે આ આયુર્વેદિક ઔષધ ખૂબ જ ઉપયોગી છે. આ ઔષધોમાંનું ત્રિફળાગૂગળ વજન ઘટાડવા માટે ખૂબ પ્રભાવી નીવડ્યું છે. તે લોહીમાં રહેલા કોલેસ્ટેરોલનું પ્રમાણ પણ ઘટાડે છે. લોહીમાં રહેલા કોલેસ્ટેરોલનો હૃદયરોગ તથા ધમની સાથે સીધો સંબંધ હોય છે. ત્રિફળાગૂગળનો આ નિર્દોષ ગુણધર્મ મહત્ત્વનો છે. આનાથી થતો વજનઘટાડો એ આયુષ્ય વધારનાર નીવડે છે. આના સેવનનું પ્રમાણ નક્કી કરવા માટે કોઇ જાણકાર આર્યુવેદાચાર્યની સલાહ લેવી. આના ઉપયોગ વખતે માત્ર રોજ-બરોજના ખોરાકનું પ્રમાણ જે કંઇ ચાલુ લેતા હોઇએ તેનાથી પચાસ ટકા લેવો. જમ્યા પહેલાં રુચિ અને ભૂખને જો અનુકૂળ હોય તો છાશનો એક ગ્લાસ અને જમતી વખતે વચ્ચે-વચ્ચે ઘૂંટડે ઘૂંટડે એક ગ્લાસ છાશ લેવી. છાશ અનુકૂળ ન આવતી હોય તો લીલા નાળિયેરનું પાણી અથવા શાકભાજીનો સુપ આ જ પ્રમાણે લેવો. આ પ્રમાણે વજન ધીમે ધીમે ઘટતું જાય છે. જરાપણ અશક્તિ નબળાઇ લાગ્યા વગર ખોરાક સાદો અને નિયમિત લેવો. ચરબીવાળો પદાર્થ, ગળી ચીજો, ઘી, મીઠાઇ, માખણ, ચીઝ, ચીકાશયુક્ત પદાર્થ લેવા નહીં. ગરમ પાણીથી દિવસની શરૂઆત સૌ પ્રથમ ડિટોક્સિફિકેશન પર ધ્યાન રાખો. તેના માટે ગરમ પાણી લો. તેમાં તમે જીરું અને અજમો પણ ઉમેરી શકો છો. તેનાથી મેટાબોલિઝમ પણ સારું રહે છે. તમારું મેટોબોલિઝમ સારું હશે તો શરીરની ચરબી ઝડપથી ઓછી થશે. તેના માટે બને તો ગ્રીન ટી અથવા લેમન ટીનું સેવન કરો. ઉનાળુ ફળોનું સેવન ઉનાળો એટલે વજન ઉતારવા માટેની સૌથી સારી સિઝન. ઉનાળામાં કુદરતી રીતે જ વજન ઘટવા લાગે છે અને માટે જ તેને કેટલાક વેઇટ લોસ સીઝન એટલે કે વજન ઉતરાવાની ઋતુ પણ કહે છે. ઉનાળામાં કેટલાક ફળો એવાં છે જે સ્વાદિષ્ટ તો છે જ પણ સાથે સાથે વજન ઉતારવામાં પણ મદદ કરે છે. આવા ફળોમાં તરબૂચ, શક્કરટેટી, કેરી, પાઇનેપલ, લિચી, જરદાળુ અને પીચ જેવાં ફળોનો સમાવેશ થાય છે. તરબૂચમાં 92% પાણી હોય છે જેના કારણે એની કેલરી બહુ ઓછી હોય છે અને એ શરીરને આંતરિક રીતે ઠંડું રાખે છે. ઉનાળામાં રોજ સવારે સક્કરટેટીનું સેવન કરવાથ વજન ઘટાડવામાં મદદ મળે છે અને એમાં ભરપૂર પ્રમાણમાં વિટામિન સી હોય છે. ઘણાં માને છે કે કેરીનું સેવન કરવાથી વજન વધે છે પણ જો નિયત માપમાં એનું સેવન કરવામાં આવે તો એ વજન ઘટાડવામાં મદદ કરે છે. જાણીતા આહારશાસ્ત્રી ઋજુતા દિવેકર પણ કેરી ખાવાની ભલામણ કરે છે. આ સિવાય આહારમાં પાઇનેપલ, લિચી, જરદાળુ અને પીચ જેવાં ફળોનું નિયમિત સેવન કરવાથી વજન ઘટી શકે છે. ખાસ એક્સરસાઇઝ ઓબેસિટી એટલે કે મેદસ્વિતા ઓછી કરવા માટે સામાન્ય રીતે લોકો હાઈ સ્પીડ રનિંગ કરતા હોય છે પરંતુ નિશ્ચિત અંતર સુધી ભાગીને પરત ફરવાથી પણ વજન ઓછું કરવામાં ફાયદો થાય છે. આ એક્સરસાઇઝને સ્પ્રિન્ટ કહેવામાં આવે છે. કેલરી બર્ન કરવા માટે આ વર્કઆઉટ પોપ્યુલર થઈ રહ્યું છે. આ વર્કઆઉટની શરૂઆત કરતા પહેલાં સ્ટ્રેચિંગ, વોકિંગ અને જોગિંગ જેવી વોર્મઅપ એક્સરસાઇઝ કરવી જોઈએ. સ્પ્રિન્ટની શરૂઆત સમતલ સ્થળેથી કરવી જોઈએ. તેના માટે રનિંગ ટ્રેક, જોગિંગ પાથ અથવા ઘરની આસપાસના સાઈડ વોક એરિયાની પસંદગી કરી શકાય છે. તેને ફ્લેટ સ્પ્રિન્ટ કહેવામાં આવે છે. જ્યારે તમે ફ્લેટ સ્પ્રિન્ટ સંપૂર્ણ રીતે શીખી જાવ ત્યારબાદ ઇન્કલાઇન એટલે કે પહાડી વિસ્તારમાં કરવામાં આવતી સ્પ્રિન્ટ એક્સરસાઇઝ કરવી જોઈએ. માંસપેશીઓ મજબૂત થાય છે. આ એક્સરસાઇઝ કરવાથી પાચનશક્તિમાં વધારો થાય છે, વજન ઓછું કરવામાં મદદ મળે છે અને લોહી પરિભ્રમણમાં સુધારો થતા બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે. ખાનપાન માટે ટાઇમટેબલ ઘણી યુવતીઓ અત્યંત પાતળી થવા માટે ખાવાપીવાનું સાવ છોડી દે છે. આ વાત પણ સાવ ખોટી છે. સેલિબ્રિટી ફિટનેસ ટ્રેનર ઋજુતા દિવાકરે તેનાં પુસ્તક ‘વુમન એન્ડ ધ વેઈટ લોસ તમાશા’માં વજન ઘટાડવા માટે મહત્ત્વની ટિપ્સ આપી છે. તેણે જણાવ્યું છે કે બેગમાં હંમેશા ‘એક સ્લાઈઝ ચીઝ’, થોડીક મગફળી અને એક સફરજન રાખવાં જ જોઇએ અને જ્યારે પણ ભૂખ લાગે ત્યારે ખાઈ લેવું જોઈએ. જો તમે તેમ નહીં કરો તો કયારેય પણ તમારું વજન ઘટશે નહીં. વજન ઘટાડવા માટે ભોજન બંધ કરવાની જગ્યાએ સંયમિત ખાનપાન જરૂરી છે. હકીકતમાં સવારે ઊઠ્યા પછી પંદર-વીસ મિનિટ કંઈ ન ખાવું જોઈએ અને ત્યાર પછી દર બે કલાકે કંઈક ખાવું જોઈએ. જ્યારે તમારી પાસે કામ વધારે હોય ત્યારે તમારે વધારે ખાવું જોઈએ અને ઓછું કામ હોય ત્યારે ઓછું ખાવું જોઈએ. અંતિમ નિયમ એવો છે કે રાત્રે સૂતા પહેલાં બે કલાકનો ગેપ રહે તે રીતે ડિનર કરવું જોઈએ.

અન્ય સમાચારો પણ છે...