બ્યૂટી:લિપસ્ટિક હોઠની બહાર સુધી પ્રસરી જાય છે...

4 દિવસ પહેલા
  • કૉપી લિંક

પ્રશ્ન : મારી ત્વચા અત્યંત સંવેદનશીલ હોવાનાં કારણે મને વેક્સિંગ નથી ગમતું. આ કારણે હું વણજોઇતા વાળ દૂર કરવા માટે શેવિંગ કરવાનું પસંદ કરું છું. મારી સમસ્યા એ છે કે શેવિંગ કર્યા પછી જે વાળ ઊગે છે એ થોડા કડક હોય છે. આવું ન થાય એ માટે મારે શું ધ્યાન રાખવું જોઇએ? એક યુવતી (વડોદરા) ઉત્તર : ઘણી યુવતીઓ પગ પર શેવિંગ કરતી વખતે કેટલીક ભૂલો કરી બેસે છે, જેના વિશે તેમને ખબર જ નથી હોતી. આ ભૂલો ત્વચાને નુકસાન પહોચાડી શકે છે અને તેનાથી શેવિંગ પછી આવતા વાળ થોડા કડક પણ થઇ જાય છે. ક્રીમ અથવા સાબુ લગાવીને શેવિંગ ન કરવાથી વાળ સરખી રીતે નીકળતા નથી. ઝડપથી શેવ કરવાની આદતના લીધે તમને રેઝર વાગી શકે છે. શેવ કરતાં પહેલાં પગને થોડીવાર પાણીમાં પલાળી રાખો અથવા શાવર લઈને પછી જ શેવ કરો. આમ કરવાથી વાળ નરમ થઇ જશે. શેવિંગ બાદ પગ ઠંડાં પાણીથી ધોવા જોઈએ. પ્રશ્ન : મને વારંવાર પાર્લર જવું પોસાય એમ નથી, તો હું ઘરમાં રહીને જ હું ચહેરાનો નિખાર કઇ રીતે વધારી શકું? એક યુવતી (અમદાવાદ) ઉત્તર : આ સંજોગોમાં તમને સ્વાસ્થ્યને લગતી ચિંતા સતાવે એ સ્વાભાવિક છે. જોકે ઘરમાં રહીને પણ સુંદરતા જાળવી શકાય છે. ફ્રિજમાં પડેલા ટામેટાંની મદદથી ત્વચાની સારી રીતે જાળવણી કરી શકાય છે. ટામેટાંમાં ખૂબ જ પ્રમાણમાં વિટામિન સી હોય છે. તે એક નેચરલ બ્લિચિંગ એજન્ટનું પણ કામ કરે છે. ટામેટાં સ્કિન પરના ડાઘને દૂર કરવામાં પણ મદદરૂપ થાય છે. અત્યારની સિઝનમાં ત્વચા ઓઇલી થવી એક સામાન્ય વાત છે. ટામેટાંનો ફેસપેક બનાવી ઓઇલી ત્વચાથી રાહત મેળવી શકાય છે. આ ફેસપેક બનાવવા માટે ટામેટાંને ધોઇને તેનો રસ કાઢી લો અને તેમાં 4-5 ટીપાં લીંબુનો રસ ઉમેરો. હવે તૈયાર પેસ્ટને ચહેરા પર 5 મિનિટ લગાવ્યાં બાદ ગરમ પાણીથી ચહેરો ધોઇ લો. મહિનામાં 6-7 વખત આ ફેસપેક લગાવવાથી ફરક દેખાવા લાગશે. ટામેટાંમાં બ્લિચિંગ પ્રોપર્ટી હોવાથી તે ટેનિંગની સમસ્યા દૂર કરે છે. ટામેટાંમાં રહેલી બ્લિચિંગ પ્રોપર્ટી ચહેરાનો ગ્લો અને રંગતને પણ નિખારે છે. ચહેરાને ચમકદાર બનાવવા ટામેટાંના રસમાં ચંદન પાઉડર અને ગુલાબજળ મિક્સ કરો. આ પેસ્ટને 5 મિનિટ ચહેરા પર લગાવ્યાં બાદ નવશેકાં પાણીથી ચહેરો સાફ કરી લો. અઠવાડિયાં સુધી સતત આ પેસ્ટ લગાવવાથી ચહેરા પર ચમક આવશે.

પ્રશ્ન : મારા હોઠ એકદમ પાતળા હોવાને કારણે હું લિપસ્ટિક લગાવું તો હોઠની બહાર પ્રસરે છે અને દાંત પર પણ લાગે છે. લિપસ્ટિક પ્રસરે નહીં તે માટે મારે શું કરવું? મારો રંગ ગોરો છે, તો કેવા શેડ્સની લિપસ્ટિક લગાવવી જોઇએ? ઉત્તર : તમે લિપસ્ટિક લગાવતાં પહેલાં હોઠની કિનારીને બહારની તરફ લિપ-લાઇનરથી આઉટલાઇન દોરો. એ પછી હોઠ પર લિપબ્રશથી લિપસ્ટિક લગાવો અને ટિશ્યૂ પેપરને હોઠ પર દબાવો જેથી વધારાની લિપસ્ટિક લુછાઇ જાય. તે પછી તેના પર થોડો ટેલકમ પાઉડર લગાવો. જેથી લિપસ્ટિક સેટ થઇ જશે. તે પછી લિપગ્લોસ ઇચ્છો તો લગાવી શકો છો. આ રીતે લિપસ્ટિક લગાવવાથી તે પ્રસરશે નહીં.

અન્ય સમાચારો પણ છે...