એકબીજાને ગમતાં રહીએ:નિયમ પે ચલના છોડ દો...

એક મહિનો પહેલાલેખક: કાજલ ઓઝા વૈદ્ય
  • કૉપી લિંક

હર ચીજ યહાં પર મહંગી હૈ, જિસ બાત મેં આનંદ મિલે વો કરને મેં હર્જ નહીં, હર ચીજ જહાં પર મહંગી હો હંસને પર ખર્ચ નહીં.’ 1980માં રજૂ થયેલી ફિલ્મ ‘ખૂબસુરત’ માટે લખાયેલા આ ગીતમાં ગુલઝાર સાહેબે જે કહ્યું છે એ આજે 2022માં પણ કેટલું સાચું છે! આપણે બધા અજાણતાં જ બિનજરૂરી નિયમોનો શિકાર છીએ. ઘડિયાળ આપણા કાંડે બાંધીએ છીએ અથવા ભીંતે લટકાવીએ છીએ, પરંતુ સત્ય તો એ છે કે, આપણે એના ઈશારે દોડીએ છીએ. અનુશાસન અને બિનજરૂરી પ્રેશર વચ્ચે ફેર છે, એ વાત ધીમે ધીમે આપણે સહુ ભૂલી રહ્યા છીએ. કેટલા વાગ્યે ખાવું, કેટલા વાગ્યે સૂવું, કેટલા વાગ્યે દોડવા માંડવું જેવા નિયમો તો છે જ પણ, હવે એની સાથે સાથે આપણે એવા કેટલાક નિયમોમાં પ્રરૂપજીવિનીછીએ, જેને તોડીશું નહીં તો કદાચ, જિંદગી વધુને વધુ સંકુલ અને સંકીર્ણ બનતી જશે. ડિગ્રી વગર કંઈ નથી, આપણી સાથે જે કંઈ થયું એ માટે માતા-પિતા જવાબદાર છે. તમે મિત્રો પસંદ કરી શકો છો, પરિવાર પસંદ કરી શકતા નથી. ન ગમે તો પણ અમુક વસ્તુ તો કરવી જ પડે. જિંદગીની ઉત્તમ વસ્તુઓ મફત મળે છે. તમે જે બેકગ્રાઉન્ડમાંથી આવો છો એ તમારો પીછો નહીં છોડે. નોકરી કે વ્યવસાય સૌથી પહેલાં અગત્યના છે. તમારી વાત અથવા લાગણી કહી જ દેવી જોઈએ. યોગ્ય ઈન્વેસ્ટમેન્ટ અનિવાર્ય છે. ભવિષ્યનો વિચાર કરવો જોઈએ. છોકરાંઓના ભવિષ્યનું નિર્માણ આપણે જ કરી શકીશું. અમને જે નથી મળ્યું એ એમને આપવું જોઈએ... આવાં કેટલા નિયમો આપણી આજુબાજુ ભૂત થઈને નાચે છે. આમાંના કેટલા સાચા અને કેટલા ખોટા એનો નિર્ણય તો વ્યક્તિ જાતે જ કરી શકે, પણ અગત્યનું એ છે કે જીવવા માટે નિયમો કામ લાગતા નથી... કુદરત કોઈ નિયમ પાળતી નથી, પણ હા! કેટલાક સિધ્ધાંતો બદલાતા નથી. ઉનાળામાં ક્યારેક વરસાદ પડે ને... એ કુદરતે તોડેલો પોતાનો જ નિયમ છે. સૂર્યોદય રોજ એક સમયે થતો નથી, એ પણ પોતાનો સમય બદલ્યા કરે છે તો આપણે કેમ જાતને કોઈ કાયદા કે નિયમના જડ અને અપવાદ વગરના બંધનમાં બાંધીએ છીએ? મોટાભાગના લોકોને પોતે કેટલા કલાક કામ કરે છે એ કહીને કોઈ વિચિત્ર પ્રકારનું ઈગો સેટિસફેક્શન મળે છે. એ જ કામ ઓછા કલાકમાં થઈ શકતું હોય તો પણ વધુ સમય ખર્ચીને પોતે વધુ બિઝી છે એવું દેખાડવાની એક વિચિત્ર મજા આપણે બધા લેવા લાગ્યા છીએ. ‘બિલકુલ સમય નથી મળતો’ એવું કહેવાથી આપણું મહત્ત્વ વધે એવું લગભગ સૌને લાગે છે. બીજી તરફ, વ્હોટ્સએપ ઉપર સ્કૂલના દિવસોને યાદ કરતાં, પીપરમીટ અને ગોળાની મજા ચગળતા, ઉનાળાના વેકેશનમાં મામાને ત્યાં જવાની મધુર સ્મૃતિ માણતા મેસેજીસ પુષ્કળ ફોરવર્ડ થાય છે. ‘વીતેલો સમય ફરી નહીં આવે, પૈસા તો અહીં જ રહી જવાના છે, સંબંધો જ અગત્યના છે, મિત્રો જ સાચા છે...’ આવું બધું ડહાપણ આવા વ્હોટ્સએપ મેસેજીસમાં લગભગ બધા ડહોળે છે. એ જ લોકોને ફોન કરીને પૂછીએ, ‘હમણાં ફ્રી છો? આવું?’ તો પહેલો જવાબ મોટેભાગે, ‘ના’ જ હોય... રસપ્રદ મુદ્દો એ છે કે, આપણે બધા ફિલોસોફીના લેવલ ઉપર જીવન, સંબંધો બધા વિશે બહુ જ્ઞાન વેચીએ છીએ, પણ ખરેખર જો કોઈ સંબંધ માટે કંઈ કરવાનું આવે તો આપણા બધાની પ્રાયોરિટી બદલાઈ જાય છે! જેને આપણે ફોન કરીને કહ્યું હોય, ‘અડધી રાતે ફોન કરજો. હું તરત પહોંચી જઈશ’ અથવા ‘કંઈ પણ જરૂર હોય તો કહેજો’

  • ઘડિયાળ આપણા કાંડે બાંધીએ છીએ અથવા ભીંતે લટકાવીએ છીએ, પરંતુ સત્ય તો એ છે કે, આપણે એના ઈશારે દોડીએ છીએ. અનુશાસન અને બિનજરૂરી પ્રેશર વચ્ચે ફેર છે...

એ વ્યક્તિ કદાચ, આપણો થોડો સમય માગે તો આપણે એ આપી શકતા નથી! જેને આપણે ‘મિત્ર’ કહીએ છીએ એનું નામ આપણી પ્રાયોરિટીના લિસ્ટમાં છેલ્લું આવે તો આપણી ગણતરી અને ગોઠવણમાં ચોક્કસ કોઈ સમસ્યા છે એટલું નક્કી. પૈસા કમાવા, હરિફાઈમાં દોડવું, જીતવું, આ બધી પ્રવૃત્તિમાં કંઈ ખોટું નથી. પ્રોફિટ અથવા નફો તિરસ્કાર કરવા જેવો શબ્દ નથી. દોઢડાહી કે ચાંપલી વાતો નકામી છે. ‘આ બધું શું કામ આવવાનું છે?’ અથવા ‘પૈસા તો હાથનો મેલ છે’ અથવા ‘ગમે તેટલા પૈસા હશે સુખ તો મફત મળે છે...’ આ બધું સાંભળવામાં સારું લાગે, પરંતુ આપણને બધાને સારી જિંદગી, સગવડ અને સુરક્ષિત ભવિષ્ય જોઈએ જ છે. એક સારી લાઈફ સ્ટાઈલ સૌની જરૂરિયાત છે-એને લક્ઝરી ન માનીએ તો પણ, આ બધું ‘કેટલું’ જોઈએ છે અને એની સામે આપણે શું છોડી રહ્યા છે એનો હિસાબ મોટેભાગે કોઈ કરતું નથી. નવી ગાડી કે નવો બંગલો, નવા કપડાં કે દાગીના... આપણને આનંદ આપે એ પહેલાં બીજાને એની ઈર્ષા થવી જોઈએ એ આપણી જરૂરિયાત બનતી જાય છે. વધુ સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો બીજાની ઈર્ષા એ જ આપણો આનંદ છે! આપણે દેખાડવા માટે જીવીએ છીએ, ખરેખર જીવવાનો આનંદ તો આપણી પાસે છે જ નહીં. કારણ કે, જીવવા માટે તો જીવનને માણવું પડશે. જિંદગીને માણવા માટે

સમય જોઈશે. દુઃખની વાત એ છે કે, આપણે સેલ્ફિશ કે સ્વાર્થી પણ નથી કારણ કે, બીજા તો ઠીક, આપણે જાત માટે પણ સમય નથી કાઢી શકતા... કસરત કરવાનો, વાંચવાનો, ગમતું સંગીત સાંભળવાનો, કોઈ શોખ પૂરો કરવાનો કે ગમતી વ્યક્તિને મળવાનો... પરિવાર સાથે સમય વીતાવવાનો સમય ક્યાં છે આપણી પાસે? ‘મોડું થઈ ગયું...’ એ ત્રણ શબ્દો આપણે લગભગ રોજ બોલીએ છીએ, ક્યારેક ખરેખર ‘મોડું’ થઈ જાય એ પહેલાં, સારે નિયમ તોડ દો... નિયમ પે ચલના છોડ દો. kaajalozavaidya@gmail.com

અન્ય સમાચારો પણ છે...