કવર સ્ટોરી:પુત્રવધૂને પુત્રવધૂ જ રહેવા દો, દીકરી ના બનાવો

એષા દાદાવાળા3 મહિનો પહેલા
  • કૉપી લિંક

થોડા સવાલો : એ સવારે સાડાનવ વાગ્યે ઉઠશે તો તમને ચાલશે? સાડાનવ વાગ્યે ઉઠીને કિચન પર મૂકેલો ચા ભરેલો કપ એ માઇક્રોવેવમાં ગરમ કરી હિંચકે ઝૂલતાં ઝૂલતાં ચા પીશે તો તમે મોઢું તો નહીં મચકોડોને? ચા પીધા પછી તરત જ પોતાના રૂમમાં જઇ ઓફિસ માટે તૈયાર થઇ ડાઇનિંગ ટેબલ પર તૈયાર ટિફિનની ડિમાન્ડ કરશે તો તમે એના હાથમાં ટિફિન મૂકી આપશો? હું મંદિરે તો નહીં જ આવું…આવું જો તમને મોઢે ચોપડાવી દેશે તો તમે એને સારું જેવી તારી ઇચ્છા…એવું કહેશો કે એની પીઠ પાછળ એ કેટલી મુંહફટ છે એવી ગોસિપ કરશો? આ ‘એ’ એટલે તમારી પુત્રવધૂ ઉર્ફે તમારી વહુ ઉર્ફે તમારા દીકરાની પત્ની! એને પરણાવીને તમારાં ઘરે લાવેલા ત્યારે પાંચસો-સાતસો માણસોની હાજરીમાં એનાં મા-બાપને હાથ જોડીને એવું કહેલું કે આજથી એ અમારી પણ દીકરી જ છે! ખાલી એકવાર એવું વિચારી જો જો કે તમારી પુત્રવધૂ તમારાં જ ઘરમાં તમારી દીકરીની જેમ જ એના મૂડ પ્રમાણે વર્તવા માંડશે, જેવું વિચારશે એવું બોલી નાંખશે, મન નહીં થાય તો રસોડામાં પગ પણ નહીં મૂકે...તો તમને ચાલશે? તમારામાં રહેલી સાસુ આ બરદાશ્ત કરી શકશે? ‘હું પરણીને આવેલી ત્યારે પચાસ રોટલીઓ વણતી હતી’થી લઇને ‘સાસુ-સસરાની સામે તો મારો અવાજ જ ન્હોતો નીકળતો’ સુધીનું બધું જ તમને યાદ આવશે અને તમે તરત જ એની કમ્પેરિઝન તમારી જાત સાથે કરવા માંડશો. આપણને સંબંધોનાં ટેગ બદલવાની આદત પડી ગઇ છે. સાસુ મા સમાન હોઇ જ શકે પણ સાસુ ક્યારેય મા ન હોઇ શકે…માને તું કહી શકાય છે, સાસુને તું કહીને બોલાવી શકાતા નથી. ગમે એવા ખરાબ મુડમાં સગ્ગી મા સાથે કરી શકાતી હોય છે એવી બદતમિજી સાસુ સાથે કરી શકાતી નથી અને કરવી પણ ન જ જોઇએ. એમનું સન્માન-એમની મર્યાદા જાળવવાની હોય જ અને જાળવવી પડે જ. આપણે જમાઇને દીકરાનું ટેગ પહેરાવી દઇએ છીએ પણ એક વાત ભૂલી જઇએ છીએ કે દીકરાને ડફોળ કહીને બોલાવી શકાય છે, જમાઇને એવું સંબોધન કરી શકાતું નથી. આપણે સંબંધોનાં ટેગ બદલી તો નાખીએ છીએ પણ બદલાયેલાં ટેગ પછી અપેક્ષાઓ બદલી શકતા નથી. મારો સૌથી મહત્ત્વનો સવાલ એ છે કે પુત્રવધૂને જો દીકરી જ ગણવાની હોત કે સાસુને મા જ ગણવાની હોત તો આપણાં શબ્દકોષમાં પુત્રવધૂ, સાસુ, સસરા, દિયર, સાળો, બનેવી જેવા શબ્દો આવ્યા કેમ? વરની માતા, વરનો પિતા...એવા શબ્દોથી પણ કામ ચાલી જ શક્યું હોત! વાસ્તવિકતા એ છે કે પુત્રવધૂ સાથે જો આખી જિંદગી સ્વસ્થ સંબંધો રાખવા હોય તો એને પુત્રવધૂ જ રહેવા દો. દીકરી બનાવવાની જીદ કરશો નહીં. સામે પક્ષે પુત્રવધૂએ પણ સાસુ સાથેના સંબંધોમાં આજીવન અડચણો આવવા દેવી ન હોય તો એને સાસુ જ માનવી, મા સમજવાની હઠ કરવી નહીં! મજાની અને અત્યંત નવાઇ પમાડે એવી વાત એ છે કે તમે તમારી પુત્રવધૂને દીકરી તો માની લો છો પણ એનો દીકરી જેવો અધિકાર તમે સાંખી શકતા નથી. દીકરી અને પુત્રવધૂ વચ્ચે ફરક હોય છે અને આ ફરક જિંદગીભર રાખવો પડે છે, રાખવો જોઇએ. તમારી દીકરીને તમે ઘાંટો પાડીને ખીજવાઇ શકો છો, પુત્રવધૂને ઘાંટો પાડી શકાતો નથી...પાડવો પણ ના જોઇએ. તમારી પુત્રવધૂ એ તમારા દીકરાની પત્ની છે, એની પત્ની તરીકેનું માન-સન્માન એને પણ મળવું જ જોઇએ. દીકરી તમારા કહ્યે ઘણું કરી લે છે, પુત્રવધૂ પર તમે તમારા વિચારો થોપી શકતા નથી. દીકરીની જવાબદારીઓ અને પુત્રવધૂની જવાબદારીઓ જુદી-જુદી હોય છે. બંનેની ફરજો પણ જુદી હોય છે. દીકરીએ પરણીને બીજા ઘરે જવાનું છે, પુત્રવધૂએ પરણીને તમારા ઘરે આવવાનું છે. દીકરી પોતાનું ઘર છોડીને જશે. પુત્રવધૂ એક પારકાં ઘરને પોતાનું બનાવવાનાં પ્રયાસો કરશે. ‘મારી દીકરીને રસોઇ કરતા તો આવડતી જ નથી’ આવું તમે ગર્વથી કહેશો, પુત્રવધૂ માટે આવું ગર્વથી નહીં પણ ગુસ્સાથી-અકળામણથી કહેશો. ‘એનો તો ગુસ્સો નાકની દાંડી પર રહે છે’ દીકરી વિશે આવું અભિમાનથી કહેતા તમે પુત્રવધૂથી કરાઇ ગયેલા ગુસ્સા માટે દીકરાની કાનભંભેરણી કરવાનું ચૂકશો નહીં. મોડે સુધી બહેનપણીઓ સાથે બહાર ફરતી દીકરીનાં સર્કલનાં તમે ઓવારણાં લેશો. પુત્રવધૂ જો મોડે સુધી એકલી બહાર ફરશે તો ઘર સાચવવાની સલાહો આપશો. દરેક સાસુએ એક વાત ખાસ યાદ રાખવાની છે કે તમે જ્યારે પરણીને આ ઘરમાં આવ્યા ત્યારે તમે પણ આ ઘરની દીકરી તો ન્હોતાં જ, અને તમારી પુત્રવધૂ પણ પરણીને આવે છે ત્યારે એ પણ આ ઘરની દીકરી તો નથી જ! જ્યારે સંબંધોનાં ટેગ બદલાય છે ત્યારે એની જવાબદારીઓ, ફરજ, માન-સન્માન પણ બદલાતાં હોય છે. દીકરી અને પુત્રવધૂ વચ્ચેનો ફરક ક્યારેય મટી શકવાનો નથી અને મટવો પણ ન જ જોઇએ. દીકરી એ દીકરી જ છે અને આજીવન દીકરી જ રહેવાની છે. તમારી દીકરી જે કંઇ પણ કરે છે એ બધું જ ચલાવી લેવાની ત્રેવડ હોય તો અને તો જ તમારી પુત્રવધૂને દીકરી ગણવાનું એલાન કરજો. પુત્રવધૂને એની પોતાની મા છે, જેને એ તુંકારે બોલાવી શકે છે, જેનાં પર ગુસ્સો કરી શકે છે, જેની સાથે લડી શકે છે, ઝઘડી શકે છે અને જેની આગળ રડી પણ શકે છે. આવી બે માની એને જરૂરત નથી. એને કાન પકડી શકે, ઘરનાં રીત-રસમ, નિયમો શીખવી શકે એવી એક સાસુની જરૂરત પણ છે. એની પાસેથી એ સાસુ છીનવી ન લો. એને દીકરી ગણીને પુત્રવધૂ તરીકે હકદાર એવી બાબતોમાંથી બાકાત ન કરી દો. દરેક ઘરમાં એક એડમિનિસ્ટ્રેટર હોય છે. એડમિનિસ્ટ્રેટરે આખાં ઘરને-ઘરની દરેક વ્યક્તિને એક સીધી લીટીમાં રાખવાનાં છે અને એટલે જ એડમિનિસ્ટ્રેટર સ્વચ્છંદતાથી વર્તી શકતો નથી, ધાર્યું કરી શકતો નથી. સાસુ અને પુત્રવધૂ એ ઘરના એડમિનિસ્ટ્રેટર છે. એક ઘર સારી રીતે ચાલે એ માટે એમણે એડમિનિસ્ટ્રેટરની જેમ જ વર્તવું જરૂરી છે. તમારી દીકરી તમારાં પેટે જન્મી છે, એનો તમારી સાથેનો સંબંધ લાગણીનો સંબંધ છે. પુત્રવધૂ તમારાં પેટે નથી જન્મી, એનો તમારી સાથેનો સંબંધ સન્માનનો છે. એને એવો જ રહેવા દો. ઘરની, સંબંધોની ભલાઇ માટે એ જ શ્રેષ્ઠ છે. dadawalaesha@gmail.com

અન્ય સમાચારો પણ છે...