પેરેન્ટિંગ:બાળકને વરસાદમાં નહાવા દેવાય?

3 મહિનો પહેલાલેખક: મમતા મહેતા
  • કૉપી લિંક

હાલમાં ચોમાસાની સિઝન ચાલી રહી છે અને જ્યારે મેઘમહેર થઇ રહી હોય ત્યારે મોટાભાગનાં બાળકો વરસાદમાં પલળવા જવા દેવાની કે નહાવા જવા દેવાની જીદ કરતા હોય છે. આ સંજોગોમાં મમ્મીઓ પરવાનગી આપવી કે નહીં એ મામલે કન્ફ્યુઝ થઇ જતી હોય છે કારણ કે તે એક તરફ તેને બાળકોના સ્વાસ્થ્યની ચિંતા સતાવતી હોય છે અને બીજી તરફ એને એવી ઇચ્છા હોય છે કે બાળક તેના બાળપણની તમામ મજા સારી રીતે માણે. જોકે થોડી વિશેષ કાળજી તેમજ બાળકની તાસીરનું ધ્યાન રાખીને નિર્ણય લેવામાં આવે તો કોઇ સમસ્યા નથી સર્જાતી. નાનાં બાળકોની સમસ્યા બે વર્ષથી નીચેનાં બાળકો પર હવામાનમાં થતો ફેરફાર અને તાપમાનમાં થતા ફેરફારો ખૂબ જ વધુ અસર કરે છે. તેમનું શરીર હજી એ ફેરફારોને સહન કરી શકે એટલું મજબૂત હોતું નથી. ૨-5 વર્ષનાં બાળકોની પણ રોગપ્રતિકારક શક્તિ ખૂબ જ ઓછી હોય છે. એ પણ વાતાવરણમાં જેવો કોઈ બદલાવ આવે કે તરત જ બીમાર પડતાં હોય છે. આ સિવાય 6 વર્ષ પછી રોગપ્રતિકારક શક્તિ એટલી તો સારી હોય છે કે આ બાળકોને અઠવાડિયામાં એકાદ વખત પલળવા દેવાય. જોકે આ શક્તિ દરેક બાળકની અલગ અલગ હોય છે અને દરેક મા-બાપ અને તેના ડોક્ટર બાળકની તાસીરને ધ્યાનમાં રાખીને જ નિર્ણય લેતા હોય છે. બીમારીનું રિસ્ક વરસાદ આવે ત્યારે વાતાવરણમાં રહેલા ભેજને કારણે વાઇરસ, બેક્ટેરિયા અને બીજા જીવાણુની સંખ્યા બહુ વધી જાય છે. જો વરસાદમાં પલળવાથી બાળકો આ જીવાણુઓના સીધા સંપર્કમાં આવે છે અને માંદા પડવાનું રિસ્ક વધી જાય છે. વરસાદમાં પલળવાથી માંદા પડવાનાં કારણોમાં મહત્ત્વનું કારણ આ જ છે. આ સિવાય બાળક જ્યારે વરસાદમાં નહાય ત્યારે શરીર એકદમ ઠંડું થઈ જાય છે. બાળકનું શરીર ગરમ હોય અને પછી વરસાદમાં નહાવાને લીધે વધુ પડતું ઠંડું થઈ જાય તો શરીરના તાપમાનમાં આવતો ફરક તેને વધુ માંદું કરી શકે છે. આ સિવાય બાળક વરસાદમાં કલાકથી વધુ પલળે એટલે એ ઠંડીથી ધ્રૂજવા લાગે છે અને ખૂબ પવન પણ હોય તો માંદા પડવાની શક્યતા વધી જાય છે. વરસાદમાં નહાવાનો અનુભવ પણ જરૂરી વરસાદમાં નહાવાની કેટલીક નકારાત્મક અસરો હોવા છતાં વરસાદમાં નહાવું પણ જરૂરી છે કારણ કે એનાથી બાળકને કુદરતનું સાંનિધ્ય મળે છે અને તેના સંપૂર્ણ વિકાસમાં એ મદદરૂપ થાય છે. બાળક વરસાદમાં 10-15 મિનિટ માટે બાળક પલળે અને મજા કરે તો પણ બસ કહેવાય. બાળક વરસાદમાં પલળે ત્યાં સુધી ઠીક છે, પરંતુ ગંદા પાણીમાં ન રમે એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જ્યાં પાણી ભરાઈ ગયાં હોય એવા ગંદા પાણીમાં જો તે રમે તો તેને જાતજાતની બીમારીઓ થવાની પૂરી શક્યતા છે. વરસાદમાં પલળીને બાળક જેવું ઘરે આવે કે તરત જ તેને સંપૂર્ણ કોરું કરો અને તેના શરીરને ગરમાવો મળે એવી કંઈક સ્વાસ્થ્યપ્રદ વસ્તુ ખવડાવો.

અન્ય સમાચારો પણ છે...