સેક્સ સેન્સ:કરતા નહીં, કહેતા શીખો

14 દિવસ પહેલાલેખક: મેધા પંડ્યા ભટ્ટ
  • કૉપી લિંક

બે વ્યક્તિના મનમાં એકબીજા માટે જે આકર્ષણ હોય છે, તેની રજૂઆત ક્યારેય તેઓ એકબીજા સામે કરતા નથી. સામેવાળી વ્યક્તિના બોલવાની રાહમાં ઘણીવાર મૌન જીતી જતું હોય છે અને સંબંધ હારી જતો હોય છે. મૌન સંબંધમાં ઘણું મહત્ત્વનું કામ કરે છે પણ ઘણી જગ્યાએ મૌન સંબંધ તોડવાનું કારણ પણ બનતું હોય છે. જેમાં જો તમે સમાગમ દરમિયાન મૌન ધારણ કરી લો તો તે કદાચ ક્યારેક તમારા સંબંધ તૂટવા માટે કારણભૂત બની શકે છે. સંબંધમાં જો સંવાદ ન હોય તો ફક્ત વાતચીતમાં જ બિનઅસરકારક સાબિત થતી નથી, પણ સહવાસ દરમિયાન પણ જો મૌન ધારણ કરી લેવામાં આવે તો સંબંધમાં તકલીફ ઊભી થઇ શકે છે. ઘણા પુરુષોની ફરિયાદો હોય છે કે તેમની પાર્ટનર શાંત બનીને શારીરિક ક્રિયાનો આનંદ લેતી રહે છે અને સામે શાબ્દિક પ્રતિક્રિયા જોવા મળતી નથી. સહવાસ દરમિયાન મોટાભાગના પુરુષો ઇચ્છતા હોય છે કે તેમની પાર્ટનર તેમને પ્રેમાળ અને ઉત્તેજિત સંવાદો દ્વારા વધારે ઉત્તેજિત કરે. તેનાથી તેમને સહવાસમાં વધારે આનંદ આવતો હોય છે. સામે પુરુષો પણ તેમની પાર્ટનરના શરીરના અને તેમનાં અંગોના વખાણ કરીને તેમને ઉત્સાહિત કરી શકે છે. બંને તરફ જો સેક્સી ટોક થતી રહે તો સમાગમનો આનંદ પણ લાંબો સમય સુધી માણી શકાય છે. સંવાદ ઘણીવાર ઉત્તેજનામાં વધારો કરવાનું કામ કરે છે. સહવાસ દરમિયાન સેક્સી ટોક કરવી હવે સામાન્ય થઇ ગયું છે, તેમ છતાંય ઘણાં લોકોને ચૂપચાપ ક્રિયા કરીને તેને પતાવી દેવાનું વધારે પસંદ હોય છે. આ પ્રકારનો સહવાસ એ આનંદ નથી આપતો પણ જરૂરિયાત પૂરતો હોય તેવું વધારે લાગે છે. જ્યારે પણ સમાગમની ક્રિયા થઇ રહી હોય ત્યારે તે સમય દરમિયાન સેક્સી ટોક કરવી પુરુષોને વધારે ગમે છે. તેઓને પણ સ્ત્રીઓની જેમ તેમની શારીરિક ક્રિયા અને તેમના પરફોર્મન્સની વાતો અને તેમના અંગો વિશેની વાતો સાંભળવી ગમતી હોય છે. તે સમયે તેમની પાર્ટનરે તેમને કાનમાં કંઇકને કંઇક કહેતા રહેવું જોઇએ. પોતાની વાતો દ્વારા પુરુષનું ધ્યાન પોતાની તરફ ખેંચી રાખવું તે સ્ત્રીની આવડતની નિશાની ગણાય છે. સહવાસ દરમિયાન પણ સ્ત્રી પોતાની વાતો દ્વારા પુરુષનું ધ્યાન પોતાની તરફ ખેંચી શકે છે. તેના માટેની પોતાની લાગણીને દર્શાવી શકે છે. તમે તમારા પાર્ટનરના પરફોર્મન્સથી કેવો અનુભવ કરી રહ્યા છો અને તમને તેની કઇ હરકત વધારે ઉત્તેજિત કરી રહી છે તે કહી શકો છો. આ પ્રકારની વાતો તમારી સહવાસની ક્રિયાને વધારે મજબૂત બનાવશે અને આનાથી તમારા પાર્ટનરનું પરફોર્મન્સ પણ ઇમ્પ્રૂવ થશે. સાથે જ કહેવાય છે કે સંબંધ પણ આવા સંવાદોથી વધારે મજબૂત બનતો હોય છે. જ્યારે વ્યક્તિ તન અને મનથી એકબીજા સામે નિર્વસ્ત્ર થઇ જાય તે સંબંધ અને સમાગમ બંને આત્મીય બની જતા હોય છે અને તેમાં દરેક સમયે ચરમસુખનો આનંદ પ્રાપ્ત થવો સામાન્ય બની જતું હોય છે. કેટલાંક સ્ત્રી-પુરુષોની આદત હોય છે કે સહવાસ દરમિયાન એકબીજાને ફરિયાદો કરતા રહેતા હોય છે. આવા સમયે આ પ્રકારની વાતો બંનેને શારીરિક રીતે એકબીજાથી દૂર કરે છે. જો મનમાં નારાજગી અને ગુસ્સો હોય તો શારીરિક સમાગમમાં જરા પણ આનંદ આવતો નથી. સાથે જ એકબીજાની ખામીઓ ક્યારેય ગણાવવી નહીં. આવા સમયે આવી વાતો સંબંધ તૂટવાનું પણ કારણ બની જતી હોય છે. તેથી સમાગમ દરમિયાનની ક્રિયામાં ક્યારેય કજિયો કે કંકાસ થાય તેવી વાતો કરવી નહીં. આ એક એવો સમય છે, જેમાં તમે બંને પાર્ટનર એકબીજાને પ્રેમાળ સંવાદોથી વધારે નજીક લાવી શકો છો. પ્રેમાળ સંવાદો હંમેશાં વ્યક્તિનું મન અને તન બંને જીતી શકે છે. જે બહુ સ્પષ્ટ છે. પુરુષોને હંમેશાં સહવાસ દરમિયાન પોતાના પરફોર્મન્સ અને પોતાના વર્તનને લઇને મનમાં ડર રહેતો હોય છે. આવા સમયે જો તેને તેની પાર્ટનર તરફથી સંતોષજનક અને ઉત્તેજનાસભર સંવાદોનો વરસાદ વરસતો મળી જાય તો તે પોતાની પાર્ટનરને પોતાના પ્રેમથી ભીંજવી દેવામાં જરા પણ કચાશ રાખતો નથી. જે રીતે દરેક સ્ત્રીને પોતાના શારીરિક બાંધાના અને સુંદરતાના વખાણ સાંભળવા ગમે છે, એવી જ રીતે પુરુષોને પણ પોતાના શારીરિક બાંધાના અને સમાગમ દરમિયાન થતી તેમના દ્વારા કરવામાં આવતી ક્રિયાના વખાણ સાંભળવા ગમે છે. કોણ પહેલાં વાત કરે તો શરૂઆત કરું તેવું ન રાખીને પાર્ટનરની જે ક્રિયા ગમે તેના વિશે કહેવાની શરૂઆત કરી દેવી જોઇએ. બંનેને મનમાં જે હોય તે પ્રેમથી કહીને સમાગમનો ભરપૂર આનંદ માણવો જોઇએ. medha.pandya@gmail.com

અન્ય સમાચારો પણ છે...