તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેક્સ સેન્સ:સહવાસને પહેલાં જાણો અને પછી માણો

મેધા પંડ્યા ભટ્ટ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પતિ-પત્ની એકબીજા સાથે શારીરિક ક્રિયાથી જોડાય છે ત્યારે બંનેનો આનંદ જરૂરી છે. કોઇ એકને નિરાશા પ્રાપ્ત થાય તો તેને સંભોગ કહી શકાય નહીં

પતિ–પત્નીનાં જીવનમાં સ્થાપિત થતા શારીરિક સંબંધનું મહત્ત્વ અમૂલ્ય છે. બંને એકબીજાને શારીરિક રીતે તૃપ્ત કરે છે અને સાથે જ એકબીજા પ્રત્યેની લાગણી, પ્રેમ અને આત્મીયતા વધારે છે. પતિ-પત્નીનાં સંબંધમાં સહવાસ સૌથી વધારે મહત્ત્વનું એકબીજાને જોડીને રાખતું પાસું છે, તેથી કેટલીક બાબતો વિશે બંનેને જાણકારી હોવી જરૂરી છે. સહવાસમાં જાણકારી હોય તો તેને બંને સારી રીતે માણી શકે છે. બંનેએ સહવાસ એટલે કે સંભોગને સમજવાની જરૂર છે. જો પતિ-પત્ની સંભોગનો સાચો અર્થ સમજી શકે છે, તો તેનો આનંદ તેઓ પૂરતા પ્રમાણમાં એકબીજા સાથે માણી શકે છે. સંભોગની સંધિ છૂટી પાડીએ તો સમ અને ભોગ થાય છે. એટલે કે એકસરખો ભોગ. જેમાં બંને એકસરખી રીતે તૃપ્ત થાય. બંને તેનો આનંદ બરાબર રીતે માણી શકે. પતિ-પત્ની વચ્ચે થનારી આ ક્રિયામાં બંનેને એકસરખી લાગણી, એકસરખો પ્રેમ, એકસરખી ઉત્તેજના, એકસરખો ઉદ્દેશ્ય, એકસરખો આવેગ અને અંતમાં એકસરખી ચરમસીમાનો આનંદ પ્રાપ્ત થવો જરૂરી છે. જ્યારે પતિ-પત્ની બંને એકબીજા સાથે શારીરિક ક્રિયાથી જોડાય છે, ત્યારે બંનેને આનંદ આવવો જરૂરી છે. જો બેમાંથી કોઇ એકને નિરાશા પ્રાપ્ત થાય તો તેને સંભોગ કહી શકાય નહીં. જે ક્રિયા દરમિયાન ક્ષણિક સંતોષ પ્રાપ્ત થાય તેને પણ સંભોગ કહી શકાતો નથી. સંપૂર્ણ સંતોષકારક સંભોગમાં તો પતિ-પત્ની બંનેને ચરમસીમાનો આનંદ પ્રાપ્ત થાય છે. ઘણીવાર સંપૂર્ણ સંભોગની માહિતી ન હોવાના કારણે ફક્ત કેટલીક ક્ષણોની આનંદની પ્રાપ્તિ માટે ક્રિયા કરવામાં આવે છે. આ સહવાસની લાલચમાં બંને પોતાની માનસિક અને શારીરિક શક્તિને ખોટી રીતે વેડફી નાખે છે. સોના અને કલ્પેશનાં લગ્નને છ મહિના થયાં હતાં. બંને એકબીજા સાથે રોજ શારીરિક સંબંધ બાંધતાં હતાં, પણ તેમાં સોનાને ક્યારેય મજા નહોતી આવતી અને સંતોષ થતો નહોતો. કલ્પેશને હંમેશાં સંતોષ મેળવીને પડખું ફરીને સૂઇ જવાની ટેવ હતી. જેને લઇને સોનાનાં મનમાં તો તેને લઇને અણગમો ઉત્પન્ન થયો જ હતો. બીજી બાજુ કલ્પેશ સોનાને શારીરિક સુખ આપવાની કે તેને સંતોષ થયો કે નહીં તે પૂછવાની દરકાર રાખતો નહોતો. સોનાને સતત મનમાં થયું હતું કે તે ફક્ત કલ્પેશના સંતોષ માટે જ છે. તે કલ્પેશ સાથે ખૂલીને વાત કરવા માગતી હતી પણ કલ્પેશને આવી બધી વાતો કરવી પસંદ નહોતી. પરિણામે સોનાને મનમાં ને મનમાં કલ્પેશ પ્રત્યે નફરત થવા લાગી. કલ્પેશ તરફથી સતત ઘવાયેલી સોનાને તેનાં જીવનમાં કઇ રીતે સુખ મેળવવું તે સમજાતું નહોતું. બીજી તરફ તેની પડોશમાં રહેતી અને છેલ્લાં એક વર્ષથી પરણીને આવેલી દિવ્યાને અને તેના પતિને જોઇને તેને સમજાયું કે તેમનું લગ્નજીવન જ નહીં પણ અંગત જીવન પણ સંતોષકારક છે. સોનાની દિવ્યા સાથે મિત્રતા હતી. ધીમે ધીમે તેણે દિવ્યાની ખાસ સખી બનીને તેને પોતાના સંબંધમાં સંતોષ કેવી રીતે મેળવવો એવો સવાલ કર્યો. દિવ્યાએ તેને સંભોગનો સાચો અર્થ સમજાવ્યો. તેણે સમજાવ્યું કે સંભોગમાં જો કોઇ એક પાર્ટનરને શારીરિક તૃપ્તિ ન મળે તો મન પણ તૃપ્ત થતું નથી. સંભોગ દરમિયાન ગમે તેટલી શારીરિક ક્રિયા કરવા માટે સશક્ત હોઇએ પણ જો સંતોષ ન મળે તો આ ઊર્જાનો કોઇ અર્થ રહેતો નથી. તેનાથી શરીર અને મન તો અતૃપ્ત રહે જ છે પણ આત્મા પણ તૃપ્ત થતી નથી. મોટાભાગનાં કપલ્સ અને ખાસ કરીને પુરુષો સંભોગની ક્રિયાને ફક્ત કામવાસના અને કામુકતાની તૃપ્તિનું માધ્યમ જ સમજે છે. જો સંભોગને ફક્ત વાસનાને સંતોષવા પૂરતો કરવામાં આવે તો તેનાથી કોઇ લાભ થતો નથી. આ પ્રકારના સંભોગ બાદ પણ જાતને થાકેલી, તણાવગ્રસ્ત અને પરેશાન અનુભવશો. જે ક્રિયા તમને આત્મીય આનંદ આપી શકે છે, એ વિશેનાં અપૂરતાં જ્ઞાનને કારણે તમે તે શારીરિક શક્તિ અને શરીરની ક્રિયાને વેડફી નાખો છો. જો સંભોગ ફક્ત કામવાસનાને સંતોષવા સુધી જ સીમિત રહી જાય તો પતિ-પત્ની વચ્ચે લાગણી, પ્રેમ, હૂંફ, આકર્ષણ, આત્મીયતા જેવી અનેક બાબતો ધીમે ધીમે ઓછી થવા લાગશે. દિવ્યાની વાત સાંભળીને સોનાને થયું કે તેણે સંભોગ વિશે માહિતી મેળવવી જોઇએ. પતિ-પત્ની વચ્ચે શારીરિક ક્રિયાનો સાચો આનંદ કઇ રીતે પ્રાપ્ત કરી શકાય તે અંગે તેણે વધારે માહિતી મેળવીને પતિ-પત્ની વચ્ચેના સંબંધમાં અડચણો આવતી અટકાવવી જોઇએ. આ સિવાય તેણે હિંમત ભેગી કરીને કલ્પેશ સાથે પણ નિખાલસ મને ચર્ચા કરવી જોઇએ. બંને એકબીજાને કઇ રીતે સંપૂર્ણ આનંદ આપી શકે છે તે બંનેએ જાણવું ખૂબ જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...