વુમન ઇન ન્યૂઝ:કે.કે. શૈલજા : મેગ્સેસે એવોર્ડ સ્વીકારવાની ના પાડી દેનાર પ્રતિભા

14 દિવસ પહેલાલેખક: મીતા શાહ
  • કૉપી લિંક

થોડા સમય પહેલાં માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી (માકપા)ના વરિષ્ઠ નેતા અને કેરળના પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી કે.કે. શૈલજાએ રેમન મેગ્સેસે પુરસ્કાર એનાયત કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જોકે હવે તેમણે આ એવોર્ડ સ્વીકારવાની ના પાડી દેતા તેઓ ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે. માનવામાં આવે છે કે ફિલીપીનના સ્વર્ગીય રાષ્ટ્રપતિ કમ્યુનિસ્ટોના વિરુદ્ધ કથિત ક્રૂરતા માટે જાણીતા હતા અને એટલે કે. કે. શૈલજાએ ફિલીપીનના ભૂતપૂર્વ પ્રેસિડન્ટના માનમાં શરૂ થયેલ મેગ્સેસે એવોર્ડ સ્વીકારવાની ના પાડી દીધી છે. આ નિર્ણય પછી શૈલજાએ કેરળમાં પત્રકારોને કહ્યું કે ‘મેં આ પુરસ્કારને સ્વીકારવાની ના પાડી દીધી છે કેમ કે, વ્યક્તિગત રીતે આ મેળવવામાં મને કોઈ ઇન્ટરેસ્ટ નથી. આ પુરસ્કાર કેરળમાં સાર્વજનિક સ્વાસ્થ્ય મુદ્દાઓના મેનેજમેન્ટ માટે આપવામાં આવી રહ્યો છે. આ કેરળમાં LDF સરકાર અને સ્વાસ્થ્ય વિભાગનો સામુહિક પ્રયત્ન છે. એટલે જ, આ કોઈ વ્યક્તિગત પ્રયત્ન નથી.’ શરૂઆતનું જીવન કે. કે. શૈલજાનો જન્મ 20 નવેમ્બર, 1956ના દિવસે થયો હતો. તેમના પિતા કે. કુંથન અને માતા કે. કે. શાંતા છે. હાલમાં તેઓ માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટીના સેન્ટ્રલ કમિટી મેમ્બર છે. તેઓ સક્રિય રાજકારણમાં આવ્યા એ પહેલાં હાઇસ્કૂલમાં ફિઝિક્સના શિક્ષક તરીકે કાર્યરત હતા. કોરોના વાઇરસની મહામારી વખતે તેમના પ્રયાસો બદલ 2020ના જૂન મહિનામાં યુનાઇટેડ નેશન્સ દ્વારા બહુમાન કરવામાં આ‌વ્યું હતું. યુનાઇટેડ નેશન્સના પબ્લિક સર્વિસ ડેના પ્રસંગે ગણતરીના વૈશ્વિક નેતાઓને વક્તવ્ય કરવાની તક મળતી હોય છે અને આ તક ભારતના નેતા કે. કે. શૈલજા પણ મળેલી છે. તેમને 2021માં CEU ઓપન યુનિવર્સિટી પ્રાઇઝ પણ એનાયત કરવામાં આવ્યું છે. પોલિટિકલ કરિયર કે. કે. શૈલજા 1996 અને 2016માં કુથુપરમ્ભા મતવિસ્તારમાંથી અને 2006માં પેરાવૂર મતવિસ્તારમાંથી ચૂંટાઇને ધારાસભ્ય બન્યા હતા. તેઓ વિજયન મિનિસ્ટ્રી (2016 – 2021માં સ્વાસ્થ્ય મંત્રી તેમજ સામાજિક કલ્યાણ અને મહિલા તેમજ બાળવિકાસ મંત્રીની જવાબદારી નિભાવી ચૂક્યા છે. આંતરરાષ્ટ્રીય ઓળખ હેલ્થ મિનિસ્ટર તરીકે કે. કે. શૈલજાની કામગીરીને આંતરરાષ્ટ્રીય સ્તરે વખાણવામાં આવી છે. તેમણે કોરોનાકાળના કપરા સમય દરમિયાન કામ પ્રત્યે સંપૂર્ણ ડેડિકેશન દાખવીને મજબૂત વર્ક એથિક્સનો પરિચય આપ્યો હતો. તેઓ ટફ ટાસ્કમાસ્ટર તરીકે જાણીતા છે. તેઓ કામ કરતી વખતે સમય કે પછી પોતાને પડી રહેલી શારીરિક અગવડ પ્રત્યે ધ્યાન નથી આપતા. કોરોનાકાળ દરમિયાન તેમણે ભારતમાં એવી પહેલી ટીમ સેટઅપ કરી હતી જેણે કોરોના વાઇરસના ઝડપી ટ્રેસિંગમાં પ્રશંસનીય કામગીરી નિભાવી હતી. તેમના આ પ્રયાસોના કારણે ‘ધ ગાર્ડિયન’ દ્વારા તેમને ‘કોરોનાવાયરસ સ્લાયર’ અને ‘રોક સ્ટાર હેલ્થ મિનિસ્ટર’ ગણાવવામાં આવ્યા હતા. ‘વોગ’ મેગેઝિને તેમને ‘વોગ વોરિયર’ કહીને તેમનું બહુમાન કર્યું હતું. આમ, આંતરરાષ્ટ્રીય સ્તરે તેમના પ્રયાસો બદલ તેમનું ભારે બહુમાન કરવામાં આ‌વ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...