એકબીજાને ગમતાં રહીએ:કલ ખેલ મેં હમ હોં ન હોં...

3 મહિનો પહેલાલેખક: કાજલ ઓઝા વૈદ્ય
  • કૉપી લિંક

'એ બધું શીખવાડીને ગયો, પ્રામાણિકતા, નૈતિકતા, જિંદગી જીવવાની રીત, મજા કરવાની અને ખુશ રહેવાની રીત... બસ! એના વગર કેવી રીતે જીવવું એ એણે ના શીખવાડ્યું.’ ચિરંજીવ પટેલ, અમદાવાદના જાણીતા આંત્રપ્રિન્યોર, મોટિવેટર અને ચેન્જ મેકર જ્યારે વાત કરતા હતા ત્યારે એમની આંખોમાં પાણી આવી ગયા, ગળું ભરાઈ આવ્યું પણ એ રડ્યા નહીં કારણ કે એ જેમના વિશે વાત કરતા હતા એ મિકી-એમના મિત્ર વિપુલ શાહ એક ખુશમિજાજ અને બીજાને ખુશ રાખનારા એવા વ્યક્તિ હતા જેમને યાદ કરતી વખતે ચહેરા પર સ્મિત હોવું જોઈએ, એવું સૌ આજે પણ માને છે. ગયા વર્ષે 16મી ઓક્ટોબરે, વિપુલભાઈને મેસિવ એટેક આવ્યો, હસતા-રમતા, ખુશમિજાજ, પાર્ટી પર્સન અને હેલ્થ કોન્શિયન્સ મિકી (વિપુલભાઈ) એમનાં પત્ની કવિતાબેન, દીકરો રાજ અને ઈશાનીને મૂકીને હંમેશ માટે દુનિયા છોડીને ચાલી ગયા. બે વર્ષ પહેલાં એમણે પોતાની 50 જન્મદિવસ ઉજવ્યો હતો. એમણે વિશ્વ પ્રવાસ કર્યો. કેટલીયે પાર્ટીઝ કરી, મિત્રોને મજા કરાવી ને પોતે મજા કરી. પૂરેપૂરું જીવીને નહીં મરવાની ઉંમરે એ એક જ ક્ષણમાં ચાલી નીકળ્યા. સ્વાભાવિક છે પરિવારને તકલીફ થઈ હોય. એમનો વ્યવસાય અને એની સાથે જોડાયેલી બીજી કેટલીયે કાયદાકીય અને આર્થિક ગૂંચ એમ જ ઊભી હોય, સંતાનો નાનાં હોય... આ બધાની વચ્ચે પત્નીએ કમર કસીને ઊભા થવાનું નક્કી કર્યું. એકડે એકથી વ્યવસાયની આંટીઘૂંટી સમજવાનો પ્રયત્ન કર્યો. 21 વર્ષના દીકરાને પોતાની સાથે લીધો અને દીકરીને નવું સ્ટાર્ટઅપ શરૂ કરી આપ્યું. 16 ઓક્ટોબર, 2022ના દિવસે એમની વિદાયને એક વર્ષ પૂરું થયું. પરિવાર રડી-કકળીને એમને યાદ કરી શક્યો હોત, પરંતુ કવિતાબેને એમના પ્રિય જીવનસાથીને યાદ કરીને એક પાર્ટી કરી. મિત્રો અને એક્સ્ટેન્ડેડ પરિવારને એકઠો કરીને વિપુલભાઈના ગમતાં ગીતો ગવાય, એમના વિશે વાતો થાય અને એમનું ભાવતું ભોજન પીરસાય એવો એક ઉપક્રમ કર્યો... કોઈને આ વાત યોગ્ય લાગે, કોઈને ન પણ લાગે પરંતુ સત્ય તો એ છે કે જે વ્યક્તિ આખી જિંદગી ખુશમિજાજ, આનંદથી અને બે હાથ ફેલાવીને જિંદગીને પોતાની બાહોમાં લઈને જીવી હોય એને યાદ કરવાની, અંજલિ આપવાની આનાથી વધુ સારી રીત કોઈ હોઈ શકે ખરી? આપણે બધા આપણા જીવનમાંથી ચાલી ગયેલી વ્યક્તિ વિશે ખૂબ પીડા અનુભવીએ છીએ. એનો અભાવ આપણને આપણી જિંદગીના બાકી રહેલાં વર્ષો દરમિયાન ખાલીપો આપ્યા કરે છે, જેને ચાહતા હોઈએ એ ન રહે તો એની ગેરહાજરી સાલે જ પરંતુ એના ગયા પછી જીવન નષ્ટ કરી નાખવાનું કે સ્વયંને એની યાદમાં તપાવી તપાવીને ઓગાળી નાખવાનો કોઈ અર્થ નથી. જેને આપણે ચાહતા હતા એની સાથે વિતાવેલા ઉત્તમ સમયને યાદ કરીને આપણી જિંદગીનો બાકીનો સમય એ સ્મૃતિને ફૂલોની જેમ સજાવીએ તો કદાચ આપણી જિંદગી પણ મહેકતી રહે. કવિતાબેન શાહનો આ પ્રયાસ સરાહનીય એટલા માટે છે કે નાની ઉંમરે જીવનસાથી જતા રહે ત્યારે ઘણી સ્ત્રીઓ બીચારી, બાપડી અને મજબૂર થઈ જાય છે. જો એગૃહિણી હોય તો એને વ્યવસાયની કશી ખબર ન હોય. ઈન્સ્યોરન્સ પોલિસી કે બીજી બાબતો વિશે પણ કોઈ જાણકારી ન હોય અને એવા સમયમાં પરિવારની કોઈ વ્યક્તિ એમને મૂર્ખ બનાવી શકે-આર્થિક રીતે છેતરી શકે. ક્યારેક નાની ઉંમરે જીવનસાથી જતા ભાઈ કે પિતાને આવી દીકરી ‘બોજ’ લાગે છે અને એ એને ફરી પરણાવવા ધમપછાડા કરે છે. મોટાભાગની સ્ત્રીઓને એવો વિશ્વાસ નથી હોતો કે જેની સાથે લગ્ન કરશે એ પુરુષ પોતાના પ્રથમ સંતાનને એના પોતાના સંતાન જેવો પ્રેમ અને આદર આપી શકશે, પરંતુ મજબૂરીમાં કે હિંમત હારી જતા આવી સ્ત્રીઓ શરણાગતિ સ્વીકારી લે છે. અહીં બે વાતો મહત્ત્વની છે. પહેલી એ કે જિંદગીનો કોઈ ભરોસો નથી. આપણા જીવનસાથીને આપણી વ્યવસાયિક બાબતો વિશે જાણ હોવી જોઈએ. ઈન્સ્યોરન્સ, ઈન્વેસ્ટમેન્ટ, કેશની લેવડદેવડ, બેન્ક લોકર અને બીજી બાબતો કોઈ એક ડાયરીમાં લખી રાખવી બહુ જ જરૂરી છે. પત્નીને એ વિશે જણાવવું એથી પણ વધુ જરૂરી છે જેથી પતિએ જે પરિવાર માટે આખી જિંદગી મહેનત કરી હોય એમના સુધી એમનો અધિકાર પહોંચાડી શકાય. બીજી વાત એ છે કે, જીવનસાથી ચાલ્યા જાય એથી જીવન ચાલી જતું નથી. સંતાનો હોય તો જવાબદારી બેવડી થઈ જાય છે. હવે મા અને પિતા બંને બનીને સંતાનના ભવિષ્યનું નિર્માણ કરવાની જવાબદારી પત્ની પર આવી જાય છે. આર્થિક સ્વતંત્રતા જરાય અઘરી નથી. આપણને કેટલીક બાબતો ખોટી રીતે શીખવવામાં આવી છે એટલે આપણી શરમ કે સંકોચ જતા નથી. બાકી રસોઈ કરવા-ટિફિન ભરવાથી શરૂ કરીને કોઈ પણ કામ નાનું નથી, એ વાત સ્ત્રીએ અને સમાજે સમજવાની જરૂર છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, જીવનસાથીના ગયા પછી સતત એને યાદ કરીને દુઃખી થતા રહેવાને બદલે એમની સાથે વીતાવેલા ભલે ઓછા પણ સુંદર સમયની સ્મૃતિ આપણા માટે આવનારા વર્ષોની દીવાદાંડી બનવી જોઈએ. ‘એ હોત તો શું કરત’ એવું વિચારીને એમની પરોક્ષ હાજરી છે જ, એમ માનીને પોતાના જીવનને પોતાના કંટ્રોલમાં લઈને, ફરી એકવાર નવેસરથી નવી બાજી માંડવાની હિંમત દરેક સ્ત્રીએ કેળવવી જોઈએ. મિકીભાઈ તો ચાલ્યા ગયા, પરંતુ એમના ગયા પછી કવિતાબેને જે હિંમત દાખવી છે એમાંથી ઘણી સ્ત્રીઓએ પ્રેરણા લેવી જોઈએ, એટલું જ નહીં એમને યાદ કરવાની અને એમની સ્મૃતિ વાગોળવાની આ રીત પણ ઘણા પરિવારોએ અપનાવવા જેવી છે... kaajalozavaidya@gmail.com

અન્ય સમાચારો પણ છે...