સંબંધનાં ફૂલ:પહેલાં માત્ર ધ્યાનથી જોવાનું છે...

17 દિવસ પહેલાલેખક: રચના સમંદર
  • કૉપી લિંક

કોઇ તમને તમારા શહેર કે વિસ્તારના રોડ અથવા તો ચાર રસ્તા વિશે પાંચ-છ વાક્ય કહેવાનું કહે તો કદાચ તમને થોડી તકલીફ પડશે કારણ કે તમારે એ વિસ્તાર વિશે સારું કે ખરાબ નથી બોલવાનું પણ માત્ર ત્યાંની ગતિવિધિ, રોજબરોજની પ્રવૃત્તિ કે પછી દુકાનોનું વિગતવાર વર્ણન કરવાનું છે. જો તમે એવું કરવાનો પ્રયાસ કરશો તો તમને અહેસાસ થશે કે તમે રોજબરોજના જીવનના ભાગ બની ગયેલા વિસ્તારના કેટલાક પાસા તો તમે હજી સુધી જોયા જ નથી. આ સિવાય તમે આ વિસ્તારમાં વ્યવસાય કરી રહેલા લોકો પર પણ પૂરતું ધ્યાન નહીં આપ્યું હોય. આ વિસ્તાર જ્યારે પ્રવૃત્તિઓથી ધમધમતો હોય ત્યારે ત્યાં સાંભળવા મળતા અવાજોનો પણ ઉલ્લેખ કરવામાં આવે તો આ વર્ણન અનેકગણું વધી જાશે. આપણે મોટાભાગે આપણા આસપાસના વાતાવરણને ઉડતી નજરે જ જોઇએ છીએ. જ્યાં ખાવા-પીવાની દુકાનો કે ગલ્લા હોય છે ત્યાં પણ મોટા તાવડાઓનો અવાજ, પાણીપુરીની તમતમાટ તેમજ ચાઇનીઝ ભોજનના તીખાતમતા સિસકારા જેવા અનેક અવાજ સાંભળવા મળે છે. ત્યાંની બેઠક વ્યવસ્થા, લોકોનું વર્તન, અમુક ચોક્કસ સમયે જામતી ભીડ અને બાકીના નવરાશના સમયમાં ગ્રાહકની રાહ જોવા માટે દૂર સુધી તાકતી નજર...આવા તો અનેક દૃશ્યો જોવા મળે છે. જો આ બધું નિરિક્ષણ કરવામાં આવે અને એને શબ્દદેહ આપવામાં આવે તો એ જગ્યા પ્રત્યે વધારે સજાગ બની શકાશે. આ જગ્યામાં સમયની સાથે સાથે આવતું પરિવર્તન પણ બહુ સરળતાથી નોંધી શકાશે. આવી જ સ્થિતિ લગભગ દરેક સ્થિતિમાં છે. આપણે એને સમજવાને બદલે માત્ર સારું કે ખરાબ ગણીને અલગ અલગ વિભાગોમાં એની વહેંચણી કરીએ છીએ. પહેલાં જોવાનું અને સમજવાનું જરૂરી છે. એના પછી એના દરેક પાસાંને સમજવાનો પ્રયાસ કરો તો વધારે સારું પરિણામ મળશે. આ સમગ્ર પ્રયાસના પરિણામે તમારો અભિગમ થોડો વધારે હકારાત્મક બનશે અને સમજદારી કેળવાશે. આ રીતે કોઇ પણ વાતને ઉપરછલ્લી નજરે જોવાની ભૂલથી બચી શકાશે.

આપવાનું સુખ અનંત છે

એક રેસ્ટોરાંની બહાર ભીખ માગતા બાળકને પૂછ્યું કે શું ખાઇશ, તો એણે કહ્યું, ચટણી નાખેલું સમોસું. પૂછનારને પહેલાં તો નવાઇ લાગી, પછી હસવું આવ્યું, પણ એના માટે સમોસું લઇ આપ્યું. હાલમાં એક મનોવૈજ્ઞાનિકે એક ગરીબ વ્યક્તિને પૂછ્યું કે એને કંઇ ખાવું છે? ત્યારે એ વ્યક્તિનો જવાબ સાંભળી એને નવાઇ લાગી. મનોવૈજ્ઞાનિકને એ બધું રેસ્ટોરાંમાંથી લાવતાં અડધો કલાકનો સમય લાગ્યો. એ વ્યક્તિએ દાળ-પુલાવ, ગુલાબજાંબુ અને ચાની માગણી કરી હતી. એ આ બધું લઇને ચૂપચાપ ચાલ્યો ગયો. મનોવૈજ્ઞાનિકે પોતાની વાતમાં આગળ લખ્યું કે એ પોતાના ઘરે આવી પોતાના માટે રસોઇ બનાવવા લાગ્યા. પોતાની થાળી પર ધ્યાન આપતાં જ એમને આજની ઘટનાનું વિશ્લેષણ કરવું જરૂરી લાગ્યું. જો પોતાને ભાવતું ભોજન પસંદ કરવાનો અધિકાર છે, તો એ વ્યક્તિએ પસંદ કરેલા ખાદ્યપદાર્થો પર એમને નવાઇ કેમ લાગી. બીજું, એ માણસ ચૂપચાપ જમવાનું લઇને ચાલ્યો ગયો એના વિશે કેમ વિચારી રહ્યા. તેઓ એના ચહેરા પર ખુશી કે આભારના ભાવ જોવા ઇચ્છતા હતા. આપણે અનેક વાર સ્વજનોને ગિફ્ટ આપીએ ત્યારે એમની પાસેથી ચોક્કસ વર્તનની આશા રાખીએ છીએ. આપણને આપવાનું ગમે છે, પણ આશા રાખીને આપણે એ સુખથી દૂર જઇએ છીએ જે આપવાથી મળવું જોઇએ. કોઇને કંઇ પણ આપતી વખતે કે દાન કરતી વખતે પણ આપણે ઇચ્છીએ છીએ કે આપણા આપવાથી એ વ્યક્તિ કે સંસ્થા કે સમૂહ પર જે ખાસ અસર થઇ છે, તેની એક ઝલક ક્યાંક જોવા મળે, વર્તનમાં નહીં શબ્દોમાં. આમ કરીને આપણે આપવાના સુખથી વંચિત રહી જઇએ છીએ. સુખ શરતોભર્યું ન હોઇ શકે. જો એવું હોય તો એ બંધન બની જાય છે. અપેક્ષા કે આશા રાખતાંની સાથે જ આપણે આપણા વર્તનને પણ નિર્દેશિત કરી દઇએ છીએ. જો આપવાનું સુખ અનુભવવું હોય તો એવો વિચાર રાખવાનો રહેશે કે આપણે નસીબદાર છીએ કે કોઇના માટે કંઇ કરી શકવાની તક મળી. ચર્ચિલે કહ્યું છે, તમને જે મળે છે, તમે એને આજીવિકા બનાવી શકો છો. તમે જે કોઇને આપો છો, એનાથી તમે જીવનનું ઘડતર કરો છો.

અન્ય સમાચારો પણ છે...