રસથાળ:ગરમીને પળવારમાં ભગાવી દેતાં જ્યુસ અને શરબત

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

રિયા રાણા

ઠંડકના અહેસાસ માટે આથિયા માણે છે મિન્ટી લેમન-ખસ શરબત
એક્ટર સુનીલ શેટ્ટીની દીકરી આથિયા શેટ્ટી પોતે પણ એક્ટ્રેસ છે. આથિયા પોતાની ફિટનેસ બાબતે અત્યંત સજાગ છે અને એટલે ઉનાળામાં તે સ્પાઇસી અને જંક ફૂડ ખાવાને બદલે જ્યારે ભૂખ લાગે ત્યારે ફ્રૂટ-જ્યુસ અને શરબત પીવાનું જ પસંદ કરે છે.

સામગ્રી : ફુદીનાનાં પાન - 10થી 12 નંગ, ખસ સિરપ - 1 મોટો ચમચો, લીંબુ - 1, બરફ - ચારથી પાંચ ટુકડા, મીઠું - જરૂર પ્રમાણે, ખાંડ - જરૂર પ્રમાણે રીત : ફુદીનાનાં પાનને સારી રીતે સાફ કરીને એને બ્લેન્ડરમાં ક્રશ કરી લો. લીંબુની છાલ કાઢીને અંદરના ગરના નાનકડા ટુકડા કરી એને પણ બ્લેન્ડરમાં ક્રશ કરી લો. લીંબુ અને ફુદીનાનાં પાનના ક્રશને સારી રીતે મિક્સ કરીને એમાં એક મોટી ચમચી ખસનું સિરપ ભેળવો. આ સમગ્ર મિશ્રણમાં જરૂરિયાત પ્રમાણે પાણી ઉમેરી ગમતા સ્વાદ પ્રમાણે મીઠું અને ખાંડ નાખીને સારી રીતે મિક્સ કરો. આ સ્વાદિષ્ટ શરબતને બ્લેન્ડરમાં થોડી સેકંડો માટે ફેરવીને એકરસ કરી દો અને પછી એમાં બરફના ટુકડા નાખી દો. થઇ ગયું ઉનાળાની ગરમીમાં રાહત આપતું મિન્ટી લેમન-ખસ શરબત.

લીંબુ-ટેટી મોઇતો
સામગ્રી : ટેટીના ટુકડા - એક કપ, ફુદીનાનાં સમારેલાં પાન - પાંચથી છ, લીંબુનો રસ - નાનકડી ચમચી, ખાંડ કે મધ - સ્વાદ પ્રમાણે, બરફના ટુકડા - પાંચથી છ, ઠંડી સોડા કે પાણી - ટેસ્ટ પ્રમાણે, લીંબુના ટુકડા - બેથી ત્રણ
રીત : ટેટીના ટુકડા અને ખાંડ/મધને ક્રશ કરી લો. એમાં લીંબુનો રસ અને ક્રશ કરેલાં ફુદીનાનાં પાન નાખો. મોટા ગ્લાસમાં ટેટી અને બરફના ટુકડા નાખો અને એની પર ટેટીનું ક્રશ કરેલું મિશ્રણ નાખો. એમાં જરૂરિયાત પ્રમાણે સોડા કે પાણી ઉમેરો. આ મોઇતોને ફુદીનાનાં પાન કે લીંબુના ટુકડાથી સજાવો.

ઓરેન્જ સ્મૂધી
સામગ્રી : પાકું કેળું - એકથી બે, સંતરાનો રસ - એક કપ, સંતરું - એક, ગાજર - એક નંગ, મધ - એક નાની ચમચી
રીત : પાકેલાં કેળાંને ફ્રીઝરમાં ફ્રીઝ કરી લો. સંતરાની પેશીઓને ફોલીને એનો પલ્પ અલગ વાટકીમાં કાઢી લો. ગાજરના પણ મોટા ટુકડા કરી લો. ફ્રીઝ કરેલા કેળાં અને ગાજરના ટુકડામાં સંતરાનો રસ તેમજ મધ ઉમેરીને સારી રીતે ક્રશ કરી લો. આ સ્મૂધીમાં ઓરેન્જનો પલ્પ ઉમેરો. થઇ ગઇ સ્વાદિષ્ટ ઓરેન્જ સ્મૂધી તૈયાર. જો તમને ગમતો હોય તો એમાં થોડો ચાટ મસાલો પણ ઉમેરી શકાય.

ગુલાબજાંબુ શેક
સામગ્રી : મલાઇવાળું ઠંડું દૂધ - એક ગ્લાસ, વેનીલા આઇસ્ક્રીમ - એક સ્કુપ, ગુલાબજાંબુ - બે, ચપટી કેસર નાખેલું ગરમ દૂધ - ત્રણ ચમચા, ઇલાયચી
પાઉડર - એક ચપટી
રીત : ત્રણ ચમચા દૂધમાં કેસર ભીંજવીને સાઇડમાં રાખી દો. સજાવટની સામગ્રી સિવાયની બીજી વસ્તુઓમાં કેસરનું દૂધ ઉમેરી તમામ વસ્તુઓ બારીક પીસી લો. ગ્લાસમાં આ શેક ભરો અને એની ઉપર પિસ્તાની કતરણ અને ગુલાબની પાંખડી નાખો. આ ગુલાબજાંબુના બે ભાગ કરીને એને શેક પર નાખી દો. આ સુપર સ્વાદિષ્ટ ગુલાબજાંબુ શેકને ઠંડું-ઠંડું સર્વ કરો.

આમ પન્ના
સામગ્રી : કાચી કેરી - બે, ખાંડ - સ્વાદ પ્રમાણે, ફુદીનાનાં પાન - પાંચથી છ, આદુ - એક નાનો ટુકડો, સંચળ પાઉડર - એક નાની ચમચી, મીઠું - સ્વાદ પ્રમાણે, પાણી - જરૂર પ્રમાણે, શેકેલા જીરુંનો પાઉડર - અડધી ચમચી, બરફના ટુકડા - ચારથી પાંચ
રીત : ફુદીનાનાં પાનને સારી રીતે ધોઇને સમારી લો. કેરીના કટકા કરીને એમાં ખાંડ નાખી મિક્સરમાં સારી રીતે ક્રશ કરો. આ મિશ્રણમાં જરૂર પ્રમાણે પાણી નાખીને સારી રીતે મિક્સ કરીને જ્યુસ બનાવો. આ જ્યુસમાં જરૂર પ્રમાણે સંચળ, મીઠું અને જીરું પાઉડર મિક્સ કરો. આ જ્યુસ તૈયાર થઇ જાય એટલે ગરણીથી ગાળી લો. આ જ્યુસમાં બરફના ટુકડા નાખીને ચિલ્ડ આમ પન્નાની મજા માણો. બાળકોને આમ પન્નાનો સ્વાદ બહુ પસંદ પડે છે.

ગ્રેપ્સ ક્રશ સોડા
સામગ્રી : લીલી દ્રાક્ષ - અઢીસો ગ્રામ, ખાંડ - સ્વાદ પ્રમાણે, ફુદીનાનાં પાન - ત્રણથી ચાર નંગ, લીંબુનો રસ - 1 મોટી ચમચી, સંચળ - 1 મોટી ચમચી, સોડા - જરૂરિયાત પ્રમાણે, બરફના ટુકડા - ચારથી પાંચ ટુકડા
રીત : લીલી દ્રાક્ષ, ફુદીનાનાં પાન અને બરફના ટુકડાને એકસાથે ક્રશ કરી લો. સંચળ, ખાંડ અને લીંબુનો રસ એકબીજા સાથે મિક્સ કરીને ઝીણી ગરણીથી ગાળી લો. એક મોટી તપેલીમાં લીલી દ્રાક્ષ, ફૂદીનાનાં પાન અને બરફના ટુકડાના ક્રશમાં સંચળ, ખાંડ અને લીંબુના રસનું મિશ્રણ ઉમેરી એમાં સોડા ઉમેરો. આ ઠંડો-ઠંડો ગ્રેપ્સ ક્રશ સોડા ઉનાળામાં કોઠાને ઠંડક આપશે.

અન્ય સમાચારો પણ છે...