તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સંબંધનાં ફૂલ:માત્ર છ મહિનાની વાત છે, પછી બધું ભૂલાઇ જશે

રચના સમંદર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કડવા અનુભવને લાંબા સમય સુધી સારી રીતે યાદ રાખી શકાતો નથી. આવા અનુભવને કોઇ લખીને નથી રાખતું અને જેના કારણે અમુક સમય પછી એની સાથે સંકળાયેલી વાતો ભ્રમ સ્વરૂપે આકાર લે છે

હાલમાં એક શ્લોક વાંચ્યો હતો જેનો અર્થ હતો કે જો કોઇ વાત વારંવાર યાદ ન કરવામાં આવે તો માનવ સ્મૃતિ છ મહિનાથી વધારે નથી હોતી. આ શ્લોકનું તાત્પર્ય હતું કે જો કોઇ વાત ક્યાંય લખી રાખવામાં ન આવે અને વારંવાર એનું પુનરાવર્તન ન કરવામાં આવે તો વ્યક્તિ કોઇ વાત કે ઘટનાને છ મહિનાથી વધારે સયમ સુધી યાદ નથી રાખી શકતી. આ વાતને વિજ્ઞાનનું કેટલું સમર્થન છે એ તો કહી ન શકાય પણ ધ્યાનથી સમજવામાં આવે તો વાસ્તવિક જીવનમાં આ વાત સાચી લાગે છે. આ શ્લોક પ્રમાણે માણસ છ મહિનાથી જૂની વાત યાદ કરતી વખતે ભ્રમિત થવા લાગે છે અને વાતની સંપૂર્ણ યાદ ન હોવાના કારણે એમાં સાચી-ખોટી વાતનો ઉમેરો કરવા લાગે છે. જો આખી વાતને સમજવામાં આવે તો આપણે રોજબરોજની વાત ક્યાંય લખીને નથી રાખતા અને જો લખતા હોઇએ તો પણ આખા દિવસનો ઘટનાક્રમ તેમજ એની પાછળની લાગણીઓને શબ્દદેહ આપવાનું શક્ય નથી હોતું. ક્યારેક ઉપરછલ્લી ઘટના કે અનુભવ લખી નાખીએ તો પણ એનું ખાસ મહત્ત્વ નથી હોતું. કોઇ પણ અનુભવની આસપાસ ઘટનાક્રમનું જાળું હોય છે જેને લખવામાં નથી આવતો કે પછી યાદ પણ નથી રખાતો. જો આપણને થયેલા કડવા અને ખરાબ અનુભવની વાત કરીએ તો એને લાંબા સમય સુધી સારી રીતે યાદ રાખી શકાતો નથી. આવા અનુભવને કોઇ લખીને નથી રાખતું અને જેના કારણે અમુક સમય પછી એની સાથે સંકળાયેલી વાતો ભ્રમ સ્વરૂપે આકાર લે છે. લાંબા સમય પછી વાત યાદ નથી રહેતી જેના કારણે એના વિશેના કિસ્સા ચર્ચાવા લાગે છે. આ પ્રકારના અભિગમને કારણે લાંબા સમય સુધી અણબનાવનું કારણ યાદ નથી રહેતું પણ એના કારણે સંબંધોમાં જે કડવાશ ઉભી થાય છે એ ઓછી નથી થતી. આવું ન થાય એ માટે કડવા અને ખરાબ અનુભવને વારંવાર યાદ ન કરવામાં આવે તો છ મહિના જેટલા સમય પછી એ આપોઆપ વિસ્મૃતિની ગર્તામાં ધકેલાઇ જાય છે. મનમાં કડવા અનુભવોની યાદગીરી જેટલી ઓછી હોય છે, માનસિક સ્વાસ્થ્ય એટલું જ મજબૂત રહે છે. આ સંજોગોમાં જીવનને હકારાત્મક વળાંક આપનો છે કે નકારાત્મક એ તમારા જ હાથમાં છે. મૂળ વાત એ છે કે વ્યક્તિ એક મર્યાદા પછી કોઇ વાત યાદ નથી રાખી શકતી તો પછી કઇ રીતે કડવી વાતો યાદ રાખી શકાય છે? કુદરતનું તમામ ગણિત અને વ્યવસ્થા વ્યક્તિની સુખાકારી વધે એ રીતે જ કામ કરતી હોય છે. કુદરત ઇચ્છે છે કે આપણે બધું ભૂલી જઇએ તો કડવી યાદગીરી કેમ નથી ભૂલી જતા? સારી વાતોનું વારંવાર પુનરાવર્તન કરીશું તો જીવનમાં સકારાત્મકતા ફેલાઇ જશે. આ સકારાત્મકતા જીવનમાં સતત આગળ વધવાની પ્રેરણા આપે છે. સમય આપણને હંમેશાં કડવી યાદગીરી ભૂલાવી દેવાની તક આપે છે એટલે એ ભૂલી જવામાં જ ભલાઇ છે. સવાર-સવારમાં સારા વિચાર વાંચવાથી આપણાં વિચાર પોઝિટિવ રહે છે. વિચારો પોઝિટિવ હોય તો આપણે દૈનિક કાર્યોમાં પણ સફળતા સાથે જ શાંતિ મળી શકે છે. નકારાત્મક વિચારોના કારણે આપણને સફળતા મળી શકતી નથી અને મન પણ શાંત રહેતું નથી એટલે વિચારો પોઝિટિવ રાખવા જોઇએ.

અન્ય સમાચારો પણ છે...