તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હળવાશ:‘કેક કાપતી વખતે ચક્કર આયાં હોત તો વધારે સારું હતું...!’

જિગીષા ત્રિવેદીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ‘ખબર નઇ હવે.. હવે સેલિબ્રેટ તો નઇ જ કરે.. કદાચ ઘરનાં ઘરનાં કેક કાપીને બડ્ડે પૂરી કરસે...’

"અલા ખરું થયું નંઇ પેલીને?’ કલાકાકીએ સ્ટાર્ટ લીધું...‘અલા, તમે આને ખરું કહો છો? આ તો ખોટું થયું કહેવાય...’ હંસામાસીએ બ્રેક મારી. ‘પણ આવું નહોતું થવું જોઈતું!’ સવિતાકાકીએ અફસોસ કર્યો. ‘હું તો કઉ છું. જે થયું એ ભલે થયું, પણ ખરેખરા ટાઇમે જ થયું ને એ ખોટું થયું યાર. આ ટાઇમે તો નહોતું જ થવું જોઈતું...’ કંકુકાકીને વળી સમયનો વાંધો હતો. ‘પણ યાર હાચુ કઉ, આમાં એનો બી કોઈ વાંક નથી. એનું બી કંઇ ના ચાલે પણ મને તો બધુ કેન્સલ કરવું પડ્યું ને એનો જ જીવ બળે છે યાર...’ સવિતાકાકીએ અફસોસની તીવ્રતા વધારતા કહ્યું એટલે કલાકાકી બોલ્યાં, ‘બધુ આપડું ધાર્યું થોડું ઉતરે અલા!’ ‘પણ તો ય યાર, એક સહે...જ મોડું આ બધું થયું હોત ને તો ટાઈમ હચવાઈ જાત...’ કંકુકાકીને હજી ય સમયનો જ વાંધો હતો. એ લોકોને મનમાં લિન્ક શેર થઈ ગયેલી જ હોય, પાસવર્ડ ય ખબર હોય એટલે એ લોકો તરત જોઇન થઈ શકે જ્યારે આપણે કોઈને પૂછવું પડે...પણ હું થોડી નસીબદાર કે લીનાબહેનને ય પાસવર્ડ નહોતી ખબર, એટલે એમણે અકળાઈને પૂછી જ લીધું, ‘અરે યાર... કોને થયું? શું થયું? ક્યારે થયું? તમે લોકો ફોડ પાડીને વાત કરો તો કંઇ ખબર પડે ને બીજાને યાર! હું આઈ ત્યારની એ જ જાણવાનો બેસબ્રીથી ઇન્તઝાર કરું છું યાર! અને એના કરતાં પણ એ એવું તો કયા ટાઇમે થયું કે તમને બધાને એના ટાઈમ સામે વાંધો પડ્યો છે.’ ‘લો બોલો, આમને તો કાંઇ ખબર જ નથી. અલા, અમને ખાંચાવાળાને ખબર છે ને તમે ચોકઠામાં જ રહો છો તો ય કસ્સી ખબર નંઇ રાખતા...! આ હારી વાત નહી. ખરેખર તો અમને તમારી જોડેથી આશા હોય કે તમને કંઇ ડીપમાં ખબર હશે...હવેથી ધ્યાન રાખજો. હાંભળો, હવે થયું એવું કે આજે પેલા ખાંચાની પેલી ડિન્કીની બડ્ડે પાર્ટી હતી ને બપોરે જ એને ચક્કર આયા તો બેભાન થઈ ગઈ ને ડોક્ટરને બોલાયા ને બધી ધમાલ ધમાલ થઈ ગઈ. છેવટે હાંજનો આખે આખો પોગ્રામ કેન્સલ રાખવો પડ્યો. ‘એટલે આખી પાર્ટી કેન્સલ? કેક ય નઇ કાપે?’ લીનાબહેનને કેકની ચિંતા થઈ... ‘ખબર નઇ હવે...હવે સેલિબ્રેટ તો નઇ જ કરે. કદાચ ઘરનાં ઘરનાં કેક કાપીને બડ્ડે પૂરી કરશે.’ હંસામાસીએ અનુમાન કર્યું એટલે લીનાબહેનને બીજો પ્રશ્ન થયો, ‘તો પીઝા-બર્ગર ય કેન્સલ? છોલે પૂરી કે ભાજી-પાંઉ ખાશે?’ ‘ખબર નઇ હવે...એમ તો કેન્સલ નઇ કરે...ઓછા મંગાવશે ને ઘરનાં ઘરનાં ખાશે કદાચ. બડ્ડે છે, એટલે એવું સાદું તો નંઇ જ ખાય...’ હંસામાસીએ ફરી અનુમાન લગાવ્યું. ‘અરે, એ તો ખાસે જે ખાવું હસે એ... પણ હું એમ કહું છું... બપોરે ચક્કર આયા, એ ખોટું થયું... કેક કાપતી વખતે આયા હોત ને, તો હારુ હતું... બધા એકદમ ટોળે વળી જાત, ને એને ભાનમાં લાવવા હાટુ કેટલાય વાના કરત.’ કંકુકાકીને કેમ સમયની આટલી મહત્તા હતી એ હવે ખબર પડી મને. ‘ના ના... એ ટાઈમ બરાબર નથી... એક વાર કેક કપાઈ જાત પછી પીઝા પાર્ટી વખતે આયા હોત ને તો બધું હચવાઈ જાત. એ ભાનમાં આયા પછી બધાં બાપડા પીઝા તો ખાઈ હકત ને!’ લીનાબહેનને સ્વાદિષ્ટ ખાદ્ય પદાર્થો અંતર્ગત સેલિબ્રેશનમાં અડચણ નહોતી જોઈતી... ‘હવે તો છેક એની માસીના છોકરાનાં લગન વખતે વાત ગઈ...એ વખતે ચક્કર ખાઈને બેભાન થાય તો એનો ખરેખરો વટ પડી જાય...’ કંકુકાકીની પીન ચોંટી જ ગઈ એટલે તેઓશ્રી પ્રોપર ટાઈમના બીજા ઓપ્શન વિચારતાં બોલ્યાં... પણ લીનાબહેનને આ સમય યોગ્ય ના લાગ્યો એટલે એમણે વાંધો રજૂ કર્યો, ‘ના ના... ત્યારે તો પછી હત્તર સવાલો થાય બધાને મનમાં કે એને કશી તકલીફ તો નઇ હોય ને...! એટલે ત્યારે બેભાન થવું મુનાસીબ નથી...’ ‘તો તો પછી એક જ ઓપ્શન છે... મેંહદી વખતે ઘરનાં બધા ભેગા થયા હોય ત્યારે બેભાન થાય તો બડ્ડે કરતાં વધારે લોકોનું એટેન્સન બી મળે એને અને ઘરનાં ઘરનાં હોય એટલે ભવિષ્યમાં આવનાર દરેક પ્રસંગે એને સૌથી વધારે હાચવે...પણ હા, દર વખતે બેભાન નઇ થવાનું હોં... નકર વેલ્યુએસન ઘટી જાય...’ ક્યારે બેભાન થવું એ વિષય પર વધુ પ્રકાશ પાડતા કંકુકાકી કહ્યું અને પછી એક નાનો અમથો પોઝ લઈને દરેક શબ્દ પર સહેજ વધુ ભાર મૂકીને બોલ્યાં, ‘એક બેભાન થવાનો ટાઈમ જો તમે હાચવી લો ને તો ફેમિલીમાં ને ફ્રેન્ડોમાં તમારા માન-પાન ચોક્કસ વધી જાય... અને તમે પાંચમા પૂછાવા માંડો એ લટકાનું...’ મને ખરેખર ચક્કર આવી ગયા...પણ મેં બેભાન થવાનું માંડી વાળ્યંુ. મને થયું કે આ વાતમાં હું વધારે વિચાર કરીશ તો હું પણ ચક્કર ખાઇને નીચે પડી જઇશ અને પછી મારી ચર્ચા થશે.

અન્ય સમાચારો પણ છે...