પ્રેમ એક અનોખી લાગણી છે. જો એને હકારાત્મક રીતે લેવામાં આવે તો એનાથી ફાયદો થાય છે પણ જો એમાં વધારે પડતી પઝેસિવનેસ આવી જાય તો જીવન સમસ્યાનું બીજું નામ બની જાય છે. થોડા સમય પહેલાં ચર્ચામાં આવેલો એક કિસ્સો છે. લગભગ દોઢ વર્ષ સુધી પ્રેમમાં રહ્યા બાદ યુવતીને બીજો યુવક પસંદ પડતા જૂના પ્રેમીને ના પાડી તો એક્સ પ્રેમીએ તેની સાથે પાડેલા ફોટા ઈન્ટરનેટની સાઈટ પર મૂકી દીધા. પ્રેમ દરમિયાન પડાવેલા રોમેન્ટિક પોઝના ફોટા ઈન્ટરનેટની સાઈટ પર મુકાતા તે યુવતીની એટલી બદનામી થઈ કે તેણે શરમથી પોતાનો જીવ આપી દીધો. આ પઝેસિવ પ્રેમની નકારાત્મક લાગણી છે. જેમ પ્રેમના સ્વીકાર પછી આનંદનો હોંશે હોંશે સ્વીકાર કરતા હોઇએ એવી જ રીતે પ્રેમના નકારનો પણ સ્વીકાર કરવો જોઇએ. જેવી રીતે સ્વીકાર તેવી જ રીતે નકાર...આ બંને જીવનના ભાગ છે. જોકે કોઈ છોકરી કોઈ છોકરાને રિજેક્ટ કરે ત્યારે તેનો અહમ ઘવાય છે. કોઈ છોકરો ક્યારેય એ વાત સહન નથી કરી શકતો કે કોઈ છોકરી તેના પ્રેમનો અસ્વીકાર કરીને બીજાને અપનાવે છે. તેઓ પ્રેમ પર એકાધિકાર ઈચ્છતા હોય છે. ખરેખર તો બાળપણથી જ પરિવારમાં એવું વાતાવરણ હોય છે કે છોકરાની બધી વાત માનવામાં આવે છે. એવું સમજાવવામાં આવે છે કે બહેને ભાઈની બધી વાત માનવી જોઈએ, પરિણામે મોટા થઈને પણ કેટલાક છોકરાઓ આ પુરુષવાદી માનસિકતામાંથી મુક્ત થઈ શકતા નથી. આવા પુરુષો જ્યારે પ્રેમિકાને પણ પોતાની મિલકત સમજવા લાગે છે અને ત્યાંથી જ સમસ્યાની શરૂઆત થઇ જાય છે. નિષ્ફળ પ્રેમમાં કેટલીક વ્યક્તિઓ ડિપ્રેશનમાં આવી જતી હોય છે. તો કેટલીક વ્યક્તિ ખરાબ વર્તન કરવા ઊતરી આવે છે. આવી વ્યક્તિ જો યુવતી ના પાડી દે તો તો પછી એ યુવતીના જીવનમાં બીજા અન્ય વ્યક્તિની હાજરી સહન નથી કરી શકતી. હવે પ્રેમની લાગણીમાં પણ પરિવર્તન આવ્યું છે. પ્રેમ માટે જીવ આપી દેતા પ્રેમીઓ આજકાલ જીવ લેતા પણ અચકાતા નથી. પહેલા છોકરાઓ પણ છોકરીઓની મજબૂરી સમજીને તેમની યાદ મનમાં દબાવી લેતા હેરાન કરવાનો વિચાર પણ ન કરતા પણ હવે છોકરાઓ ના સાંભળવા તૈયાર જ નથી. આવું ન થાય એ માટે છોકરાઓએ પોતાની માનસિકતા બદલવી પડશે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.