તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હળવાશ:આઘાંપાછાં થયાં કે દૂધ ઘડીના છઠ્ઠા ભાગમાંપ્લેટફોર્મ ભરી મૂકે

6 દિવસ પહેલા
  • કૉપી લિંક

"અમુક વખત તો આપડું ધાર્યું થતું જ નહીં...’ કંકુકાકીએ બોલવાનું શરૂ કર્યું પણ કલાકાકી જેનું નામ તરત એમની મર્યાદા જણાવતા કહે, ‘એ તો તું શિદ્દતથી નઇ ચાહતી હોય નકર તો તારું ધાર્યું થાય...થાય...ને થાય જ.’ ‘ના ના...પણ મારે તો હવે બંધ જ કરી દેવું છે આજથી સિરિયલો જોવાનું યાર.’ કંકુકાકીએ દૃઢ નિશ્ચય કરી જ લીધેલો પણ હંસામાસીએ એમને વાર્યાં, ‘એવું ના કરાય. એના કરતાં દૂધ ગરમ કરવાનો ટાઈમ બદલી નાખો ને!’ ‘હું તો તમારી જેમ હાર ના માનું હોં! જરાક બુદ્ધિ વાપરવાની. હું સું કરું ખબર છે? એક સિરિયલનો જે એન્ડ હોય ને એ બીજે દા’ડે રિકેપમાં આવે જ એટલે એના છેલ્લા બ્રેકમાં જતાં રહેવાનું ને દૂધનો ગેસ ફાસ્ટ કરી દેવાનો. બીજી સ્ટાર્ટ થાય એ પહેલા તો મારે પાર આઇ જ જાય દૂધનો હમજ્યા!’ લીનાબહેને પોતાની સમયસૂચકતાનું પ્રમાણ આપતા કહ્યું. ‘અરે ના, હવે તમે ભૂલ કરો છો. ખરેખરું તો છેલ્લો એન્ડ જ અગત્યનો હોય અલા...એમાં જ તો ‘ઢેન્ઢેન, ઢેન્ઢેન, ઢેન્ઢેન’ થઈને બધા સ્ટેચ્યૂ થાય. એના કરતાં દૂધ ગરમ કરવાનો હઉથી બેસ્ટમ્ બેસ્ટ ટાઈમ કયો ખબર છે? વચ્ચેનો બ્રેક કારણ કે ત્યારે ‘આગે દેખીએ’ આવતું હોય, એ જોઈ લઇએ તો છેલ્લા એન્ડ હુંધીમાં દૂધ ગરમ કરીને ફ્રી થઇ જ ગયા હોઈએ. સું કહો છો હંસાબહેન... માર વાત હાચી કે નંઇ?’ કલાકાકીએ એમની ભૂલ સમજાવી અને સાચી વાત જણાવતા હંસામાસીને સાથે લીધા. ‘પણ હું એમ કહંુ કે સિરિયલ વખતે જ કેમ દૂધ ગરમ કરવાનું?’ સવિતાકાકીએ સહજતાથી પૂછ્યું એટલે લીનાબહેને આ જ એક માત્ર ઓપ્શન હોય એમ ડોકું છણકાવતા કહ્યું, ‘ત્યારે શું? એ સિવાય એકેય પ્રોપર ટાઈમ જ નહીંં દૂધ ગરમ કરવાનો...હં!’ ‘અને, સંુ? એકલું દૂધ ગરમ કરવા મૂકીને એને જોયા કરવાનું ઊભા ઊભા? ફાસ્ટ ગેસ કરો તો તપેલી બળી જાય એટલે ગેસ તો ધીમો જ રાખવો પડે! અને હામે ને હામે ઊભા રહીએ, ત્યારે તો ખબર નઇ દૂધને સુ વાંકું પડે, કે કોઈ વાતે ઊભરો આવે જ નઇ અને એં, સહેજ આઘા પાછા થયા કે દૂધને કોણ જાણે સંુ સુરાતન ચડે કે ઘડીના છઠ્ઠા ભાગમાં પ્લેટફોર્મ ભરી મૂકે.’ હંસામાસીએ દૂધનો જ વાંક કાઢ્યો. ‘અરે પણ તમે દૂધની ક્યાં માંડો છો?’ કંકુકાકી ખિજાઈને બોલ્યા, એટલે કલાકાકી કહે, ‘તો શું થાય છે? ખીચડી બળી જાય છે? તો એનો આઇડિયા બી છે આપડી જોડે.’ ‘અરે પણ એક આઇડિયા આયો છે મને એ કારગત નીવડશે. જો હવાર-હાંજનું ભેગું જ રાંધી નાખવાનું યાર...રાતે ખાલી ગરમ જ કરવાનંુ રહે અને એ તો બ્રેકે બ્રેકે થઇ જાય...’ લીનાબહેને બહુ વિચાર કરીને જાણે અઘરા રોગનો રામબાણ ઈલાજ આપતા હોય એમ કીધું. ‘અરે પણ મને સિરિયલ થકી એવા કોઈ પ્રોબ્લેમો જ નહીંં યાર.’ કંકુકાકીએ ચીસ પાડીને કહ્યું એટલે કલાકાકીએ લાંબા હાથ કરીને સામે લાંબી ચીસ પાડી, ‘તો પ્રોબ્લેમ સુ છે?’ ‘સિરિયલ જ પ્રોબ્લેમ છે’ કંકુકાકી એક વાક્યમાં જવાબ આપ્યો ‘અરે, એમાં કોઈ મુસીબતમાં હોય, એનું આપડાને ટેન્સીન થાય છે અને પછી છેક બીજે દા’ડે એનું શોલ્યુસન આવે યાર અને એ ય અડધું પડધું. હવે ચોવીસ કલાક હુંધી ચાર પાંચ સિરિયલોનાં ટેન્સીનમાં રહેવું અઘરું પડી જાય છે યાર! અને પછી આપડે જે વિચાર્યું હોય એ નહીં થતું ને કંઇક બીજું જ થાય એટલે જીવ બળે પાછો યાર! હવે આમે પણ ધાર્યું થવાનું જ ના હોય, તો જોઈને કરવાનું સું?’ કંકુકાકીએ મોઢું વાંકું કરીને આખી વાત કરી એટલે રેખાબહેને હોંકારો ભણ્યો, ‘હા એ વાત હાચી એક તો કોરોલોનું ટેન્સન, ને એમાંય પાછુ આ બીજું ટેન્સન? આ કોરોલા કાળમાં આવું બમણું ટેન્સન લેવાનું આપડાને ના પોહાય’ ‘એટલે જ મેં તો નક્કી જ કર્યું છે, કે ફિલમ જ જોવી. અઢી-તૈણ કલાકમાં ફેંસલો.’ કંકુકાકીએ પોતાનો બુદ્ધિપૂર્વકનો નિર્ણય જણાવ્યો. ‘આ બધંુ તો ઠીક, સિરિયલ કે ફિલ્મ તો જોવી હોય ત્યારે જોઈ હકીએ અને ના જોઈએ, તો ય કંઇ ખાટુંમોળું ના થઈ જાય (મને કલાકાકી પર માન થઇ ગયું)...પણ મારા જીવનમાં એક જ તમન્ના છે બસ, એક વાર નજરોનજર વાવાઝોડું જોવું છે બસ!’ હંસામાસીએ આકાશમાં નજર કરતાં કરતાં જ પોતાની ઈચ્છા જણાવી (રહ્યંુસહ્યું માન હતું એ ય ગયું પણ હવે આવું એમણે શિદ્દતથી ના ચાહ્યું હોય તો સારું ભઈસાબ...) મેં તો જીવનમાં આ લોકોને જોયા અને એમાં તો મારો તો જન્મારો સફળ થઇ જ ગયો.

અન્ય સમાચારો પણ છે...