હળવાશ:'ગયા જનમની લેણી હોય એ વાંધો નઈ યાર...પણ ડેણી હોય તો એમાં ડૂચાનીકળી જાય'

જિગીશા ત્રિવેદી6 મહિનો પહેલા
  • કૉપી લિંક

ક રીતે જોવા જઈએ ને, તો આ બધી પરભવની લેણા-દેણી જ હોય... હમજ્યા!’ હંસામાસી આવું કૈં બોલતા’તા હું જાળીએ આવી ત્યારે... પછી કલાકાકીએ એમાં વાંધો પાડ્યો, ‘લાભ મળતો હોય ત્યા હુંધી તો પોહાય બધું... પણ લેણા-દેણીમાં કસુ ચૂકવવાનું આવે, તો અઘરું પડે છે યાર...! એના કરતાં પરભવનું લેણું કે દેણું... કસુ હોવું જ ના જોઈએ...’ ‘હાચી વાત છે... ગયા જનમની લેણી હોય એ વાંધો નઇ યાર... પણ દેણી હોય તો એમાં ડૂચા નીકળી જાય છે યાર...!’ સવિતાકાકી ય સહમતિ સાથે જોડાયાં... ‘પણ એ બી ખોટું ને યાર... કે તમને લાભ મલે ત્યાં હુંધી વાંધો નઇ, પણ નુકસાન ભોગવવાનું આવે ત્યારે તમને નઇ ગમતું... એવું તો ના જ હોય ને બહેન.’ હંસામાસીએ ન્યાયની વાત કરતાં હોય એમ જરાક મોટી આંખો કરીને હાથ લાંબા કરીને સમજાવ્યું બધાંને... ‘આ પેલા ફ્લેટવાળા મંજુબહેન યાર... લગભગ મારા ઘરના ચણાના લોટે જ કઢી ને પૂડલા કરે છે... મને તો એવું થાય છે કે ગયા જનમમાં જઈને એનો ચણાનો લોટ ઓકી આવું? તો મારે આ જનમે પાર આવે...! એટલે જ મારું પર્સનલી એવું માનવું છે કે લેણી કે દેણી, પરભવનું કસુ જોતું જ નથી અમારે... લાભ લેવા જઈએ, એમાં નુકસાન ય જો ફૂમતાંની જેમ લટકણમાં આવતું હોય તો નથી જોતો લાભ જાવ... નવા જનમે નવેસરથી જ હોય બધું...’ કલાકાકીએ હૈયાવરાળ કાઢતાં કાઢતાં પોતાના વિચારો જણાવ્યાં... ‘ના ના હવે... હાવ એવું ના હોય યાર... આપડે એમ ગયા જનમનો કાંકરો જ કાઢી નાખીએ એ ના ચાલે.’ હંસામાસીને ખબર નઇ કેમ પણ ગયા જનમની અવગણના પોસાતી નહોતી. વળી એમણે ઉપાય પણ બતાવ્યો, ‘તે પણ એક કામ કરોને... તમે બંધ જ કરી દો ને એને આલવાનું... એટલે આ જનમે પાર આઈ જાય આખી વાતનો... બાકીનો ચણાનો લોટ આવતા જનમે આલજો... મેં આઇડિયા આપીને આ જનમે તો તમને શાંતિ કરાવી દીધીને? બીજી બબાલમાં ના પડો તમે...’ ‘એ પોશીબલ નઇ ને યાર... બીજા બધાંની ના પાડંુ તો એ કદાચ હાચું માને બી ખરા, પણ ચણાના લોટની ના પાડું તો તો સંબંધ જ બગડે યાર... કારણ કે એને ખબર જ છે, કે મારે ઘેર બે-ચાર કિલો ચણાનો લોટ હોય હોય ને હોય જ...’ કલાકાકીએ પોતાની મૂંઝવણ રજૂ કરી પણ એનો ભયંકર આઘાત લાગ્યો સવિતાકાકીને, ‘હાય હાય... એટલો બધો ચણાનો લોટ રાખો તમે ઘરમાં? ખોરો નઇ થઈ જતો?’ કલાકાકી એમના સવાલનો જવાબ આપે એ પહેલાં ખાંચામાંથી રેખાબહેન આવ્યાં ને લમણે હાથ દઈને બેઠાં, ‘રોજ રોજ યાર એકની એક જ મોકાણ... હાંજે હું બનાવવું?’ ‘બ......સ. એના જ કારણે મારા જીવનમાં આ પ્રસ્ન કદી ના સતાવે મને...’ કલાકાકીએ બે વાતને કનેક્ટ કરી પણ હંસામાસીને ના સમજાયું એટલે એમણે પૂછી વાળ્યું, ‘શેના કારણે?’ ‘ચણાનો લોટ... એ છે તો હું સુખી છું આજે... એના કારણે જ હવે મને હાંજની કે હવારની... એકે ટંકની રસોઈનું કોઈ ટેન્સન જ નથી.’ કલાકાકીએ થોડા અભિમાનથી ઉત્તર આપ્યો અને અભિમાન ચાલુ રાખતા બધાંને સંબોધીને તેઓશ્રી બોલ્યાં,‘ચણાનો લોટ અમારા એમને અંતરમાં વહાલો... એટલે આપડે એક જબરજસ્ત આઈડિયો કર્યો... દરેક સાકનો સાદો રાઉન્ડ પતે, પછી ચણાના લોટવારો રાઉન્ડ સરુ કરવાનો... જે સાકોને ભરીને કરી હકાય, એને ભરીને સાક કરવાનું... અને બીજા બધાંને છાંટીને કરવાનું... પછી એ ય પતે, એટલે દરેક સાકની કઢી... અને એ પતે પછી દરેક ભાજીના પૂડલાનો વારો... આ બધું વારાફરતી કરવાનું... એટલે એમણે ચેન્જ બી લાગે... કોઈ બી સિજન હોય, હવે મારે જીવનમાં કોઈ દિવસ કોન્ફયુજન જ નથી થતું, કે સુ રાંધવુ... અને હું તો કહું છું દરેકે સુખી થવું હોય, તો આ અપનાવવું જોઈએ.’ ‘પણ અમારે એમને તો ચણાનો લોટ બહુ નઇ ભાવતો... તો મારે સુ કરવાનું?’ સવિતાકાકીએ ભોળા ભાવે પૂછ્યું એટલે કલાકાકી એમનો વાંક હોય એમ એમની ઊપર ગુસ્સે થયાં, ‘ના ચાલે... એ તો આપડે ધીમે ધીમે ટેવ પાડવાની... કારણ કે ચણાના લોટ સિવાય કોઈ એવી મલ્ટિપર્પજ વસ્તુ છે જ નઇ જગતમાં કે જેનાથી આપડો આ પ્રોબ્લેમ સોલ્વ થાય.’ સવિતાકાકી એમના અવાજથી થોડા ગભરાઈ ગયાં છે એવું લાગ્યું, એટલે વોલ્યુમ એક પોઈન્ટ ઓછો કરીને બોલવા માંડ્યાં... ‘અને જો, કેવું છે... ડુંગરી-લશણ બધાંમાં ઠપકારીએ, તો કોઈને ભાવે ના ભાવે, કોઈને સ્મેલ આવે... એનો લોચો પડે... બીજી વાત, બધું એમનું ભાવતું કરવા જઈએ, તો તો નવરા જ ના પડીએ... અને એ લોકોને ખોટી ટેવ પડે ફરમાઇસી પોગ્રામ કરવાની. બધંુ આપડા ઊપર છે, કે એમણે લાડ કરાઇને ખોટે રવાડે ચડાવવા કે આપડી માથાકૂટ ઓછી કરવી... હમજ્યા! પછી તમારે દુ:ખી જ થવું હોય, તો તમારી મરજી... બાકી જીવનનું એક જ સૂત્ર રાખો, તો કદી દુ:ખી નઇ થાવ. લંચ ટાઈમ કે ડિનર ટાઈમ... એની ટાઈમ કે મેની ટાઈમ... ચણાનો લોટ...? એટલું બોલીને એમણે અમારી પાસેથી જવાબની અપેક્ષા રાખીને ડોકું ઊંચું કર્યું, એટલે મારા સહિત બધાં એક સાથે મોટા અવાજે બોલ્યા, ‘એવરીટાઈમ.’ મેં પણ આ ચર્ચા પછી નક્કી કર્યું કે આજે તો ઘરમાં ચણાના લોટની વાનગી જ બનાવવી છે. આખરે મેં પણ પૂડલા બનાવવાનું નક્કી કરી લીધું.

અન્ય સમાચારો પણ છે...