બોલિવૂડ એક્ટ્રેસ જયા બચ્ચન અવારનવાર ચર્ચામાં રહે છે. હાલમાં તેઓ પોતાના નિવેદનને કારણે વિવાદમાં છે. હાલમાં જયા બચ્ચને દોહિત્રી નવ્યાના પોડકાસ્ટ ‘વ્હોટ ધ હેલ નવ્યા'માં લગ્ન તથા રિલેશનશિપ વિશે વિગતે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે રિલેશનશિપને લાંબા સમય સુધી ચલાવવા માટે ફિઝિકલ એટ્રેક્શન ઘણું જ જરૂરી છે અને એક સંબંધ 'પ્રેમ, તાજી હવા ને એડજસ્ટમેન્ટ' પર ટકી શકે નહીં. મને કોઈ જ વાંધો નથી કે તમે (નવ્યા) લગ્ન વગર પણ માતા બનો છો અને તમારે બાળક હોય. મને વાસ્તવમાં કોઈ વાંધો નથી.' જયાના આ નિવેદન પછી સોશિયલ મીડિયામાં લગ્ન વગર માતા બનવાનું કેટલું યોગ્ય છે એ વિશે ચર્ચા શરૂ થઇ ગઇ છે અને આ ચર્ચા પછી અને રસપ્રદ તારણો સામે આવ્યા છે. લગ્ન અને પ્રેગ્નન્સી બંને અલગ છે લગ્ન અને પ્રેગ્નન્સી બંને અલગ છે. આ બંનેની અસર કપલની રિલેશનશિપ પર પડે છે. ભારતીય સમાજમાં યુવતી જ્યારે લગ્ન કરીને પછી પ્રેગ્નન્ટ બને છે ત્યારે તેને સંપૂર્ણ સામાજિક ટેકો મળે છે અને તેણે કોઇ સ્ટ્રેસનો સામનો નથી કરવો પડતો. આના કારણે લગ્નસંબંધ વધારે સ્વસ્થ રીતે વિકસે છે. આ પ્રકારના સંબંધમાં પહેલાં પ્રેમ મજબૂત બને છે અને પછી એના પર બાળકની જવાબદારનો બોજ પડે છે. જોકે યુવતી જ્યારે લગ્ન કર્યાં વગર બાળકને જન્મ આપવાનો નિર્ણય કરે છે ત્યારે અલગ પરિસ્થિતિનું નિર્માણ થાય છે. યુવતી જ્યારે લગ્ન પહેલાં પ્રેગ્નન્ટ થઇ જાય છે ત્યારે કેટલીક વખત કપલ પર લગ્ન કરવાનું દબાણ વધી જાય છે. જો કપલ માનસિક રીતે લગ્ન કરવા તૈયાર ન હોય તો પણ બાળકની જવાબદારીના કારણે તેમણે ઝડપથી લગ્ન કરવાનો નિર્ણય લઇ લેવો પડે છે. બાળકના દબાણને કારણે કોઇ કપલ ઝડપથી લગ્ન કરી લે તો એમાં કંઇ ખોટું નથી પણ એના માટે બંને એકબીજા માટે કમિટેડ હોય એ બહુ જરૂરી છે. જો કપલ એકબીજા માટે કમિટેડ ન હોય અને માત્ર પ્રેગ્નન્સીને કારણે પરાણે લગ્ન કરે તો એમના સહજીવનમાં સમસ્યા સર્જાય એની શક્યતા વધી જાય છે. આમ, સહજીવન માટે આ નિર્ણય ખોટો સાબિત થઇ શકે છે. બાળકનું ભવિષ્ય લગ્ન પહેલાંની પ્રેગ્નન્સી બાળકોના ભવિષ્ય પર ઊંડી અસર કરે છે. બાળક નાનું હોય ત્યારે તો ખાસ વાંધો નથી આવતો પણ બાળક જેમ જેમ મોટું થતું જાય છે તેમ તેમ તેના વર્તનમાં ફેરફાર નોંધી શકાય છે. બાળકને જાણે તે સામાજિક રીતે બહિષ્કૃત છે એવી લાગણી સતાવો છે અને પરિણામે તે અનેક ઇમોશનલ સમસ્યાનો ભોગ બને છે. નીના ગુપ્તાનો એકરાર નીના ગુપ્તાએ લગ્ન વગર માતા બનીને ભારે ચર્ચાસ્પદ જીવન જીવવાનું પસંદ કર્યું છે. નીના ગુપ્તાએ પોતાની આત્મકથામાં સ્વીકાર્યું છે કે, સામાન્ય રીતે શારીરિક સંબંધોને પ્રમાણમાં ઘણા બોલ્ડલી જોઈ શકતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીએ 1980માં એણે લગ્ન વગર મા બનવાના કરેલા નિર્ણયને કારણે લગભગ એનો બહિષ્કાર કર્યો હતો. પોતાની આત્મકથામાં નીના ગુપ્તાએ લખ્યું છે, ‘મેં જ્યારે વિવિયન રિચર્ડ્સના બાળકની મા બનવાનું નક્કી કર્યું ત્યારે 1980નો દાયકોચાલતો હતો… આજે 2021માં પણ હું યુવાન છોકરીઓને સલાહ આપું છું કે એમણે મારા જેટલા બોલ્ડ થવાનીજરૂર નથી. મારી યુવાનીના ઉત્તમ વર્ષો મેં એકલતામાં અને પીડામાં વીતાવ્યા છે. મને મારી યુવાનીના, એકલતાના દિવસો આજે પણ યાદ આવે ત્યારે હું ભીતરથી હચમચી જાઉં છું. ક્ષણિક આવેશમાં કરાયેલા નિર્ણયો ક્યારેક આખી જિંદગીનો ભાર બની જતા હોય છે.’
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.