મીઠી મૂંઝવણ:બોયફ્રેન્ડ સાથે ઉત્તેજક ચેટિંગ કરવાની આદત ખોટી કહેવાય?

14 દિવસ પહેલાલેખક: મોહિની મહેતા
  • કૉપી લિંક

પ્રશ્ન : મારી વય 34 વર્ષની છે અને હું એક સારી કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર કામ કરી રહી છું. હું મુંબઇમાં રહું છું જ્યારે મારો બોયફ્રેન્ડ અમદાવાદમાં રહે છે. પહેલાં હું પણ અમદાવાદમાં જ રહેતી હતી પણ હવે અમે લોન્ગ ડિસ્ટન્સ રિલેશનશીપમાં છીએ. અમે વારંવાર રૂબરૂ મળી શકતાં નથી. આ કારણે છેલ્લા થોડા સમયથી અમને ચેટ પર જ ઉત્તેજક વાતો કરવાની આદત પડી ગઇ છે. આના કારણે શારીરિક પ્લેઝર તો મળે છે પણ મને લાગે છે કે આ ખોટું છે. શું ખરેખર આ ખોટું છે? એક યુવતી (મુંબઇ) ઉત્તર : તમારી વયમાં શારીરિક પ્લેઝરની આવશ્યકતા હોય એ સ્વાભાવિક છે અને તમે તમારા બોયફ્રેન્ડ સાથે લોન્ગ ડિસ્ટન્સ રિલેશનશીપથી જોડાયેલાં છો એટલે ચેટમાં આવી વાતો કરો એ ખોટું નથી પણ આ મામલે સતર્કતા રાખવાની જરૂર છે. આવી વાતો ચેટમાં કરવા માટે પાર્ટનર સંપૂર્ણપણે ભરોસાપાત્ર હોય બહુ જરૂરી છે. જો તમને થોડી પણ શંકા હોય તો તમારે આ પ્રકારની વાતો મેસેન્જરમાં કરવાની બંધ કરી દેવી જોઈએ. વિચાર કરો કે જો તમારી આવી ચેટ કે ફોટોગ્રાફ્સ બહાર આવે તો કદાચ તમે શરમજનક પરિસ્થિતિમાં મૂકાઇ શકો છો. તમને તમારા પાર્ટનર પર લગીરે શંકા ન હોય અને તમને તેના પર પૂરો વિશ્વાસ હોય તો જ તમે જે આનંદ મેળવો છો એમાં કંઇ ખોટું નથી કરતાં. આની હકારાત્મક વાત એ છે કે આ પ્રકારની ચેટથી નબળા સમયે અન્ય વ્યક્તિ તરફ ઢળવાની શક્યતા પણ ઘટી જતી હોય છે. હવે તમારે સમજી વિચારીને તમારી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવો જોઇએ. તમે વયસ્ક છો એટલે તમામ પાસાનો વિચાર કરીને યોગ્ય નિર્ણય લઇ શકો છો. પ્રશ્ન : હું એક છોકરી સાથે છેલ્લા 4 વર્ષથી રિલેશનશિપમાં છું. અમારી વચ્ચેના સંબંધો મજબૂત છે પણ મારી સમસ્યા એ છે કે મારી ગર્લફ્રેન્ડના બીજા ઘણાં ગાઢ મિત્રો છે. હાલમાં મેં જ્યારે મારી ગર્લફ્રેન્ડની વોટ્સએપ ચેટ વાંચી ત્યારે મને ખબર પડી તે રિલેશનશીપની અમારી સિક્રેટ વાતો તેનાં ઘણા મિત્રો સાથે શેર કરી છે. મને તેનું આ વર્તન બિલકુલ પસંદ નથી પડ્યું. મેં જ્યારે તેને આ વિશે સવાલ કર્યો તો તેણે મને કહી દીધું કે તેને પોતાના ફ્રેન્ડ્સ પર વિશ્વાસ છે અને માટે તે લિમિટમાં રહીને બધી વાતો કરે છે. શું મારી ગર્લફ્રેન્ડનું આ વર્તન વિશ્વાસપાત્ર ગણાય? તે આ સંબંધ માટે ગંભીર તો હશે ને? મારે શું કરવું જોઇએ? એક યુવક (અમદાવાદ) ઉત્તર : તમારી ગર્લફ્રેન્ડ તમારા અંગત સંબંધની ચર્ચા એક કરતા વધારે મિત્રો સાથે કરતી હોય એ બિલકુલ યોગ્ય નથી. જો તમને તમારી ગર્લફ્રેન્ડનું વર્તન સંદેહાસ્પદ લાગતું હોય તો તમારે પોતાનું વર્તન પણ ચકાસવાની જરૂર છે. શું તમે દરરોજ તેનો ફોન ચેક કરો છો અથવા તેની પળે-પળ પર નજર રાખો છો? જો આ સવાલનો જવાબ ‘હા’માં હોય તો તમારે વિચારવાની જરુર છે. તમારા આવા વર્તનના કારણે તેને બંધનની અનુભૂતિ થતી હશે અને જ્યારે તે તેના ફ્રેન્ડ્સને મળવા જતી હશે તે વિશે તમને કંઈ કહેતી નહી હોય. કોઈ છોકરીને એવું પસંદ ન હોય કે તે ક્યાં જાય છે અને શું કહે છે તેના પર તેનો પાર્ટનર બારીકાઈથી નજર રાખે. તમારા સિવાય પણ તમારી ગર્લફ્રેન્ડનું જીવન છે, અને તમારે તેના માટેની આઝાદી આપવી જોઈએ. તે જેવી છે તેવી તેને સ્વીકારવા તૈયાર રહેશો તો જ રિલેશનશિપ ટકી રહેશે. જો તમારી ગર્લફ્રેન્ડ અંગત વાતો મિત્રો સાથે કરતી હોય એ તમને ગમતું ન હોય તો આવા વિષય પર લડવા ઝઘડવાની બદલે તેની સાથે શાંતિથી વાત કરો. જો તમે શાંતિથી સારી રીતે આ મુદ્દાની ચર્ચા કરશો તો ચોક્કસપણે એનો ઉકેલ નીકળશે જે લાંબા ગાળે તમારી રિલેેશનશિપર પર હકારાત્મક અસર જ કરશે. જો તમને તેના પર વિશ્વાસ હોય તો ખોટી શંકાઓ ઉભી ન કરો અને તેને વધુ પ્રેમ કરો. આ વાત ખાસ ધ્યાન રાખો કે તમારી ગર્લફ્રેન્ડ તમારી માલિકીની વસ્તુ પણ નથી. કોઇ યુવતી તમારી ગર્લફ્રેન્ડ હોય તો એનો મતલબ એ નથી કે તમે એને કંટ્રોલમાં રાખો, પણ તમે તેને પ્રેમ તો કરી શકો છો. તેની સાથે ખુલ્લા મને વાત કરો અને તેની લાગણી જાણીને તમારા સંબંધોની કડી તૈયાર કરો. પ્રશ્ન : હું 30 વર્ષની પરિણીત મહિલા છું. મારા લગ્નને સાત વર્ષ થઇ ગયા છે પણ હજી સંતાન નથી. મારા પતિ ટુરિંગ જોબમાં છે અને તેઓ મહિનામાં પંદર દિવસ બહારગામ હોય છે. મારી સમસ્યા એ છે કે હું મારા યોગ ટ્રેઇનર પ્રત્યે આકર્ષણ અનુભવું છું અને મને તેની સાથે સમય પસાર કરવો બહુ ગમે છે. અમે હજી લક્ષ્મણરેખા નથી ઓળંગી પણ અમે બંને સતત એકબીજાને મળવાનાં બહાનાં શોધતાં રહીએ છીએ. જોકે, હવે મને એ વાતનો ડર લાગી રહ્યો છે કે મારા પતિને અમારા સંબંધો પર શંકા થઈ તો હું શું કરીશ? એક મહિલા (અમદાવાદ) ઉત્તર : તમારા લગ્નને સાત વર્ષ થઇ ગયા છે પણ હજી આ સ્થિતિ છે એ પરથી કહી શકાય છે આટલા સમય પછી પણ પતિ-પત્ની તરીકે તમારા સંબંધ હજી નક્કર નથી અને આ વાતનો સંતાન સાથે કોઇ સંબંધ નથી. હકીકતમાં સારા સંબંધોની એક ખાસિયત એ છે કે તમે જ્યારે કોઈ યોગ્ય વ્યક્તિ સાથે રિલેશનમાં હો ત્યારે બીજા કોઈ પ્રત્યે તમને આકર્ષણ નથી થતું. જોકે માનવમન થોડું અવળચંડુ છે. એવું નથી કે જીવનમાં લાઈફ પાર્ટનર સિવાય બીજા કોઈ વ્યક્તિ પ્રત્યે આકર્ષણનો અનુભવ થાય તો તમારા ચરિત્રમાં સમસ્યા છે. હકીકતમાં આકર્ષણ થવું એ કોઈ અજુગતી વાત નથી પણ મહત્ત્વનું એ છે કે તમે આ આકર્ષણને તમે કેવી લો છો. કોઈના પ્રત્યે લાગણી થતી હોય તો તેને છૂપાવવી મુશ્કેલ છેએવું ના વિચારશો કે બીજા કોઈ પ્રત્યે આકર્ષણ હોવાનો અર્થ એ છે કે તમને હવે તમારા લાઈફ પાર્ટનરમાં રસ નથી રહ્યો. તમારે એ સમજવાની જરુર છે કે તમે તમારા યોગ ટ્રેઇનરની નજીક હો ત્યારે તમને એક અલગ જ અહેસાસ કેમ થાય છે? જ્યારે તમારા ઘરમાં બધું બરાબર ના હોય ત્યારે તેનો ફાયદો કોઈ બહારનો ના ઉઠાવી જાય તે પણ તમારે ધ્યાનમાં રાખવું જોઈએ. તમારે એ પણ યાદ રાખવું જોઈએ કે તમે તે વ્યક્તિમાં જે કંઈ પણ જોઈ રહ્યા છો તે તેના વ્યક્તિત્વની એક બાજુ છે, તેની બીજી બાજુ તો તમે હજુ જોઈ જ નથી. તમે સાત-સાત વર્ષથી તમારા પતિ સાથે રહો છો એટલે તમે તમારા પતિના મૂડના અને સ્વભાવના દરેક પાસાથી માહિતગાર છો પણ તમે જે વ્યક્તિથી આકર્ષણ અનુભવો છો એનાં સંપૂર્ણ વ્યક્તિત્વથી માહિતગાર નથી. જો પતિ સાથેના તમારા સંબંધો મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યા હોય અને તમારી વચ્ચે સંવાદની કમી હોય તો તમારે પહેલા તો તેને ઠીક કરવા જોઈએ, જેથી તમારે તે રિલેશનની બહાર બીજું કંઈ વિચારવાની જરૂરિયાત ઉભી ના થાય. આમ, દરેક પગલું માત્ર જોશથી નહીં પણ હોંશથી પણ ઉઠાવવું જોઇએ.

અન્ય સમાચારો પણ છે...