‘એલી એ... સ્વીટુડી... આ પાટો કાં બાંયધો? હું વગાયડુ? કેમ કરતાં વાયગુ? પડી ગઇ કે હું? તને કેટલી ય વાર કીધું છે, કે મોબાઈલ જોતાં જોતાં દાદરા નો ઉતર... પણ હાંભળે ઇ બીજા.’ સવિતાકાકીએ સ્વીટીને જોતાં વેંત પ્રશ્નોત્તરી સાથે ઠપકાને ય વણી લીધો. ‘ના ના... એ તો હું...’ સ્વીટી હજી કંઇ ચોખવટ કરવા જાય એ પહેલા તો કંકુકાકી આવ્યા, ‘હાય હાય... એલી, આ સુ પોપટ પાયળો? ક્રેક બેક આઇવી? કે પછી હાવ મચકોડમાં જ પતાયવુ? સું કીધું દાક્તરે? મઈનો દિ થાસે મટતા?’ ‘આ તમે સહેજ બેદરકાર રહો, એમાં ઘરવાળાને કેટલી ઉપાધિ? હાલતી વખતે સહેજ ધ્યાન રાખતી હોય તો?’ કલાકાકીએ ય સૂચના આપી. ‘અરે પણ... આ તો...સહેજ... ’ વળી સ્વીટી કંઇક બોલવા ગઈ, ત્યાં હંસામાસીએ અધૂરું વાક્ય ઉપાડી લીધું, ‘હા... સહેજ છોલાણું જ લાગે છે મને તો. પણ તો પછી પાટો કેમ બાંધ્યો? હાચુ કઉ, તો હું તો છે ને, ટ્યુબોના ડ્રેસિંગ બેસિગમાં માનતી જ નથી. ફેક્ચર સિવાય પાટાનો રિવાજ જ ખોટો.’ ‘અને એમાં ય સફેદ પાટો તો નકામો સાવ જ.’ લીનાબેન આઘાત લાગે એવું બોલ્યા. હંસામાસીએ ય એમને સાથ આપતા ઉમેર્યું, ‘હા... ગુલાબી પાટો તો હાલો... તો ય હમજાય, કે મચકોડ હોય તો હરખું કરવા ગુલાબી પાટો બાંધે પણ આ ધોળો પાટો તો કેમ અસ્તિત્વમાં છે એ જ નઇ હમજાતું મને. ‘અરે, પણ વાગે... ને લોહી નીકળે તો પાટો તો બાંધવો જ પડે ને?’ મારાથી બોલાઈ ગયું. એટલે હંસામાસી તાડૂકયા, ‘ઇ તો હવે રૂમાલ દાબી દ્યો તો ય લોહી તો બંધ થઈ જ જાય. અરે, હાથ દાબી દો ને, તો બી લોહી તો બંધ થઈ જ જાય... અમથા આ બધા... બીવડાવે આપડાને કારણ વગર.’ ‘પણ વાગ્યા ઉપર તો છોલાએલું પાકે નઇ એટલે ટ્યુબ કે મલમ લગાવે, એટલે પાટો તો બાંધે જ.’ મેં દલીલ ચાલુ રાખી. એટલે ‘હળદર છે જ ના પાકે એટલે. ખોટા નાટક સુ કરવાના ટ્યુબોના? પણ આ તો ગંભીરતા ક્રીએટ કરવા માટે થઈને જ મલમો ને ટ્યુબોની સોધ કરી છે.’ લીનાબેન બોલ્યા, એટલે હંસામાસીમાં નવું જોમ આવ્યું, ‘એ જ... બેન, એ જ હું કહું છું... કે આ હાડકા ભાંગે છે, ત્યારે તો કોઈ મલમો નઇ લગાડતા... ત્યારે તો દવાથી જ મટાડે છે. તો આમાં સુ જરૂર પડી ગઈ હેં? ના ના... એસ્ટ્રા ઇન્કમ કરવા આ બધુ ટ્યુબો ને મલમોનું નાટક... મેઇન તો બધુ હાજુ હમુ દવા પેટમાં નાખવાથી જ થાય.’ ‘એ તો છે ને... ડૉક્ટર ઉપર જ બધો આધાર છે બધો... સારા ડૉક્ટર હોય ને, તો ટ્યુબ કે મલમ લખી જ ના આલે. આ... આપડે ગેસ્ટો આબબાના હોય, ને જમ્બાનું કીધું હોય... ને સાક જો મસ્ત બન્યું હોય ને, તો જોડે સંભારો ના બનાઈએ તો ચાલે... પણ સાકમાં જો લોચા હોય, તો જોડે કંઇ નું કંઇ કઠોળ કે સલાડ કે બીજું તીજુ કંઇક સ્ટેન્ડબાયમાં રાખીએ જ ને? એવું જ. જો એમને હાચી દવા આલતા આવડતું હોય, તો ટ્યુબોના ઓશિયાળા હોય જ નઇ. અમે ય જિંદગીમાં ઘણું ય છોલાણા છી, પણ કોઈ દિ’ અમાર ડૉક્ટરે ટ્યુબો દીધી હોય એવું મને યાદ નથી. જો કે પહેલાના ડોકટરો ટ્યુબો નતા આપતા. આ ફેસન તો હમણાં હમણાની જ આઇ છે.’ સવિતાકાકીએ તો ભાણામાં ફરસાણ નહોતું, તે એ ય ઉમેર્યું. ‘હું તો કઉ, મલમો તો તો ય સ્વીકારીએ, કે ભઇ કઠોળ કે સલાડની જેમ સોભામાં અભિવૃધ્ધિ કરે, એમ આ ય ગૌરવ જેવું લાગે, એ કંઇક વધારે હસે, તે એની જરૂર પડી હસે એમ... પણ ધોળો પાટો તો નક્કામો જ.’ લીનાબેન પાટા પર અટકી ગયેલા. એમનું પત્યું ના પત્યું, ને સ્વીટીએ લગભગ ચીસ પાડી, ‘અરે, પણ હું ગઈ તી બ્લડ ડોનેટ કરવા. પણ મારી વેઇન ના પકડાઈ, ને બધુ ગ્રીન ગ્રીન ચકામું થઈ ગયું, તો ખરાબ લાગતુ’તુ, એટલે મેં જ કીધું કે વ્હાઇટ પાટો બાંધી દો. એટલે આ પાટો બાંધ્યો છે.’ એટલે લીનાબેને એને પાસે બેસાડીને શાંતિથી કહ્યું, ‘જો બેન, તારી વાત હમજી ગયા અમે, પણ હું તો કલરની વાત કરું છું... કે ધોળો કલર તો પાટા માટે યોગ્ય નથી જ. સાદો પાટો ફ્લોરોસન્ટ કલરનો હોવો જોઈએ. જેથી દવાખાનામાં એક વાર લાઇટો બી જાય, તો ય પાટો તો દેખાય જ. હું તો કઉ, ટ્યુબ કે મલમ કે પછી કોઈ બી દવા... ઓલઓવર બેગ્રાઉન્ડમાં કંપનીવાળા એમની મરજી મુજબ જે બી કલર રાખે, પણ એના નામો તો ફ્લોરોસન્ટ રંગના જ રાખવા જોવે... જેથી અંધારામ્ દેખાય.’ ‘હાચુ હોં... આ સ્કૂલ બસ કેવી મજાની પીળી હોય છે? એટલે જ એકદમ જુદી જ તરી આવે છે !’ હું ગઈ ઘરમાં... માથે કચકચાવીને પાટો બાંધીને સૂઈ જ જઉ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.