જોબન છલકે:ઇન્વિટેશન કાર્ડ

મોસમ મલકાણી21 દિવસ પહેલા
  • કૉપી લિંક

અદિતિ અને આકાશ નાનપણથી જ સાથે રમીને મોટાં થયાં હતાં. બંનેનાં ઘર નજીકમાં હોવાથી સ્કૂલનું હોમવર્ક ક્યારેક અદિતિના ઘરે, તો ક્યારેક આકાશના ઘરે સાથે મળીને કરતાં. સ્કૂલનો અભ્યાસ પૂરો થતાં બંનેએ કોલેજ પણ એક જ પસંદ કરી. હા, બંનેએ વિષયો અલગ અલગ લીધાં હતાં. આકાશે આર્ટ્સ સ્ટ્રીમમાં એડમિશન લીધું હતું અને અદિતિએ સાયન્સના વિષયો પસંદ કર્યાં હતા. અલબત્ત, યુવાવસ્થાના ઉંબરે પગ મૂકી રહેલી અદિતિને એનાં મમ્મીએ કોલેજના પહેલા જ દિવસથી જણાવી દીધું હતું, ‘અદિતિ બેટા, હવે તું નાની નથી. આકાશ સાથે આખો દિવસ હરવા-ફરવાનું ઓછું કર. તારાં લગ્ન થશે તો…’ જોકે આ કહેવામાં મોડું થઇ ચૂક્યું હતું કેમ કે આકાશ એ પહેલાં જ અદિતિ સમક્ષ પોતાના પ્રેમનો એકરાર કરી ચૂક્યો હતો. બંનેએ કોલેજ પછી આકાશને જોબ મળે ત્યારે લગ્ન કરવાનું નક્કી કરી લીધું હતું. દિવસો વીતવા લાગ્યાં. આકાશ હોશિયાર હતો, પણ અદિતિને સાયન્સમાં વધારે ધ્યાન આપવું પડતું. બંને ધાર્યા મુજબ આખો દિવસ સાથે રહી શકતાં નહીં. આકાશ ઘણી વાર કોલેજમાં એકલો પડી જતો. એવામાં કોલેજની એક-બે યુવતીઓ સાથે એનો પરિચય થયો. આકાશ માતા-પિતાનો એકનો એક દીકરો. વળી, દેખાવે હેન્ડસમ. આવા યુવાન સાથે ફ્રેન્ડશિપનો મોકો કોણ જતો કરે? બે-ત્રણ યુવતીઓ સાથે આકાશને ફ્રેન્ડશિપ થઇ ગઇ, પણ એની નજર અદિતિને શોધ્યા કરતી. આમ જ એક દિવસ આકાશ અદિતિને શોધતી નજરે આકૃતિ નામની ફ્રેન્ડ સાથે બેઠો હતો, ત્યારે આકૃતિએ કહ્યું, ‘આકાશ, હું વાતો કર્યે રાખું છું અને તું તો કંઇ ધ્યાન જ નથી આપતો. મને ખબર છે, તું અદિતિની રાહ જુએ છે, પણ તેં મારી સાથે ફ્રેન્ડશિપ કરી છે, તો મારી વાતોમાં ધ્યાન ન આપી શકે? અદિતિ કેવી એના અભ્યાસમાં બિઝી રહે છે! એને તારી યાદ પણ નથી આવતી.’ આકાશ ચોંક્યો. એને વિચાર આવ્યો, આકૃતિની વાત તો સાચી છે. ઘરે આવ્યા પછી એ સતત વિચારતો રહ્યો, અદિતિ પાસે મોબાઇલ છે. એ મળે નહીં તો કંઇ નહીં, મને ફોન કરીને વાત તો કરી શકે. મેસેજ કરી શકે. સાચે જ કોલેજમાં આવીને અદિતિ ઘણી બદલાઇ ગઇ છે. એણે અદિતિને એનાં આવા વર્તન માટે પાઠ શીખવવાનું નક્કી કર્યું. એક દિવસ એ આગ્રહ કરીને અદિતિને મૂવી જોવા લઇ ગયો. મૂવી પછી બંનેએ નક્કી કર્યું કે હોટલમાં ડિનર લઇને ઘરે જઇશું. અદિતિ ઘણા સમયથી આકાશ સાથે સમય વિતાવવા ઇચ્છતી હોવાથી એ સંમત થઇ ગઇ. હોટલમાં રૂમ બુક કરાવીને આકાશે ડિનરનો ઓર્ડર આપ્યો અને ડિનર સર્વ થયા પછી એણે રૂમની બહાર ‘ડુ નોટ ડિસ્ટર્બ’ લગાવી દીધું. એ અદિતિની નજીક આવ્યો અને પોતાના હાથે અદિતિને ડિનર ખવડાવવા લાગ્યો. આ દરમિયાન એ અદિતિને ધીરે ધીરે પોતાની નિકટ ખેંચતો જતો હતો. અદિતિ પણ કોઇ અદમ્ય આકર્ષણ અને અકથ્ય ઇચ્છાથી એના તરફ ખેંચાઇ રહી હતી. ડિનર દરમિયાન જ બંને ક્યારે બેડ પર એકબીજામાં ઓતપ્રોત થઇ ગયાં તેનો ખ્યાલ ન રહ્યો. મન ભરીને આકાશે અદિતિ સાથે શારીરિક સુખ માણ્યું. અદિતિને પણ લાગ્યું વર્ષોથી કોરી જમીનને વરસાદે તૃપ્ત કરી હોય. રાતના લગભગ અગિયારેક વાગ્યે બંનેએ ચેકઆઉટ કર્યું અને ઘરે આવ્યાં. એ પછી તો આ બાબતનું અનેક વાર પુનરાવર્તન થયું. બંને મળતાં, સુખ માણતાં, એકબીજાને સંતુષ્ટ કરતાં અને છૂટા પડતાં. હવે કોલેજમાં આકાશ જાણે કંઇ બન્યું જ ન હોય, એમ વિહરતો. એ હવે અદિતિને મળવાનું ટાળતો અને મળે તો પણ જરૂર પૂરતી વાત કરીને નીકળી જતો. બંને વચ્ચે દિવસે દિવસે અંતર વધવા લાગ્યું. અદિતિ એવા વિચારમાં હતી કે આકાશ સાથે જ આખી જિંદગી વિતાવવાની છે. મારે ચિંતા કરવાની શી જરૂર છે? કોલેજ પૂરી થઇ અને આકાશને સેલ્સ એક્ઝીક્યૂટિવની જોબ મળી ગઇ. એક રવિવારે અદિતિએ આકાશને મૂવી જોવા જવાનું કહ્યું, ત્યારે આકાશે કહ્યું, ‘સોરી અદિતિ, મારે એક ક્લાયન્ટ સાથે મીટિંગ છે.’ અદિતિએ એની વાત માની લીધી. એ સાંજે અદિતિ કામ અંગે બહાર નીકળી ત્યારે અચાનક એની નજર સામે થિયેટરમાંથી બહાર નીકળતાં આકાશ અને આકૃતિ પર ગઇ. જોકે એણે વિચાર્યું કે હશે, કદાચ બંને ફ્રેન્ડ્સ છે એટલે મૂવી જોવા ગયા હશે. એક દિવસ આકાશ અદિતિના ઘરે આવ્યો. એના હાથમાં એક બોક્સ હતું. અદિતિને થયું, એ કદાચ લગ્નની વાત કરવા આવ્યો હશે, પણ આકાશે બોક્સમાંથી કંકોતરી કાઢી અદિતિને આપતાં કહ્યું, ‘અદિતિ, આવતા અઠવાડિયે આકૃતિ સાથે મારા લગ્ન છે. તારે સપરિવાર આવવાનું છે.’ અદિતિ આશ્ચર્યથી બોલી, ‘પણ આકાશ, આપણે તો…’ આકાશ બોલ્યો, ‘હા, પણ મને લાગ્યું કે તને મારામાં રસ નથી. વળી, મારાં ઘરનાંને પણ આકૃતિ ગમે છે. તારે મારાં લગ્નમાં ચોક્કસ આવવાનું છે. આખરે આપણે એક સમયે…’ વાક્ય અધૂરું જ મૂકી એ બહાર નીકળી ગયો. અદિતિ ઇન્વિટેશન કાર્ડને જોઇ રહી.અ

અન્ય સમાચારો પણ છે...