લેટ્સ ટોક:ઇન્ટિમેટ હાઇજીન : યોનિ સ્વાસ્થ્યની જાળવણી છે બહુ જરૂરી

20 દિવસ પહેલાલેખક: મુક્તિ મહેતા
  • કૉપી લિંક
  • સમાજમાં પર્સનલ હાઇજીન વિશે ચર્ચા કરવાનું શક્ય હોય ત્યાં સુધી ટાળવામાં આવે છે. આ પ્રકારની માનસિકતા સાવ ખોટી છે

યોનિ સ્વાસ્થ્ય બહુ જરૂરી મુદ્દો છે. યોનિ સ્વચ્છતા સાથે જોડાયેલી સમસ્યાની અવગણના કરવાથી ભવિષ્યમાં અનેક સમસ્યાઓ ઉભી થઇ શકે છે. એ તમારી સેક્સ ડ્રાઇવને અસર કરવાથી માંડીને પ્રજનન ક્ષમતા પર નકારાત્મક અસર કરી શકે છે. આવી બીમારીથી બચવા માટે પર્સનલ હાઇજીન બહુ જરૂરી છે. અયોગ્ય પર્સનલ હાઇજીનના કારણે ફંગલ ઇન્ફેક્શન તેમજ યુટીઆઇ જેવી અનેક બીમારી થઇ શકે છે. જોકે સમાજમાં જે રીતે માસિક ધર્મની ચર્ચા દબાયેલા અવાજે કરવામાં આવે છે એવી જ રીતે પર્સનલ હાઇજીન વિશે ચર્ચા કરવાનું પણ શક્ય હોય ત્યાં સુધી ટાળવામાં આવે છે. આ પ્રકારની માનસિકતા સાવ ખોટી છે. હકીકતમાં ઇન્ટિમેટ હાઇજીન માટે યોનિની સ્વચ્છતા વિશે જાણવા બહુ જરૂરી છે. દરેક વયની મહિલા માટે જરૂરી દરેક વયની મહિલા માટે યોનિની સ્વચ્છતાનો મુદ્દો મહત્ત્વનો છે અને આ વિશેની માહિતી દરેક મહિલાને હોવી જરૂરી છે કારણ કે એ સ્વાસ્થ્યની જાળવણી માટે બહુ જરૂરી છે. જો જનનાંગની સ્વચ્છતા પર ધ્યાન આપવામાં ન આવે તે એનાથી પ્રજનન તંત્ર પર નેગેટિવ ઇફેક્ટ થાય છે તેમજ જનનાંગોને લગતી સમસ્યાઓ ઉભી થાય છે. યોનિને સ્વચ્છ અને સ્વસ્થ રાખવા માટે કેટલાક નિયમોનું ધ્યાન રાખવું જોઇએ. યોગ્ય અંડરગાર્મેન્ટની પસંદગી અંડરગાર્મેન્ટ ખરીદતી વખતે ધ્યાન રાખો કે એ એકદમદ ટાઇટ ફિટિંગ ન હોય અને સાથે સાથે એનું ફેબ્રિક પણ કોટનનું હોવું જોઇએ. કોટનનું ફેબ્રિક ત્વચા માટે આરામદાયક સાબિત થાય છે અને એ પરસેવાનું શોષણ કરી લેતું હોવાના કારણે સંક્રમણના જોખમને પણ ઘટાડે છે. આ સિવાય યોનિમાર્ગની સફાઇ યોગ્ય રીતે થાય એ પણ જરૂરી છે. યોનિમાર્ગની સફાઇ પછી સ્વચ્છ કોટન-ક્લોથથી આગળથી પાછળની તરફ ક્લિન કરો. કીગલ એક્સરસાઇઝ મહત્ત્વની યોનિમાર્ગના સ્નાયુઓને મજબૂત કરવા માટે નિયમિત રીતે કીગલ એક્સરસાઇઝ કરવાથી ફાયદો થાય છે. એનાથી પેલ્વિક મસલ્સ મજબૂત બને છે અને સાથે સાથે યૌન સ્વાસ્થ્ય પણ સુધરે છે. મહિ‌લાઓ માટે કીગલ એક્સરસાઇઝ વધારે ફાયદાકારક એટલા માટે છે કારણ કે તે બાળકના જન્મ પછી ઢીલા પડેલા સ્નાયુઓની દૃઢતા પાછી લાવે છે તથા નબળા પડેલા પેઢુના સ્નાયુઓને જરૂરી ટેકો પૂરો પાડે છે. આ કસરતને કારણે મૂત્રત્યાગ પર નિયંત્રણ મેળવવામાં સફળતા મળે છે, એટલું જ નહીં પરંતુ તેમના જાતીય સમાગમનો આનંદ પણ બેવડાઇ જાય છે. પિરિયડ્સ દરમિયાન સ્વચ્છતા પિરિયડ્સનાં દિવસોમાં સ્વચ્છતાનું ધ્યાન રાખવાની પ્રક્રિયાને માસિક સ્વચ્છતા કહેવાય છે. જો સ્વચ્છતાનું ધ્યાન રાખવામાં ન આવે તો ભવિષ્યમાં અનેક બીમારીઓ થઈ શકે છે. હંમેશાં વજાઈનલ એરિયાને આગળથી પાછળ સુધી ધોવો જોઈએ. પાછળથી આગળ સુધી ધોવા પછી બેક્ટેરિયા ગર્ભાશયમાંથી બ્લેડર અથવા પેશાબની કોથળીમાં જઈ શકે છે, જેનાથી UTI ઇન્ફેક્શન થઇ જાય છે. તેથી ખોટી રીતે ધોવાનું ટાળો. ​Ducheનો ઉપયોગ ન કરો યોનિ સાફ કરવા માટે નિયમિત રીતે Ducheનો ઉપયોગ કરવાથી પીએચ લેવલ પર અસર પડી શકે છે. આનાથી શરીર અનેક બેક્ટેરિયાના સંપર્કમાં આવે છે અને વ્યક્તિ અનેક રોગનો ભોગ બની શકે છે. સુગંધી જેલ, વાઇપ્સ ને સાબુનો ઉપયોગ ન કરો યોનિમાં પીએચ સ્તરનું અને બેક્ટેરિયાનું સંતુલન અત્યંત નાજુક હોય છે. વ્યક્તિ જ્યારે યોનિને સાફ કરવા માટે સુગંધિત વાઇપ્સ, સ્પ્રે, પાઉડર, સાબુ કે પછી જેલનો ઉપયોગ કરે છે ત્યારે આ સંતુલન જોખમાય છે. આ કારણે આવી વસ્તુઓનો ઉપયોગ ટાળવો જોઇએ. આ વસ્તુઓને બદલે જનનાંગ સાફ કરવા માટે બનાવેલા ફોમ અને વોશનો ઉપયોગ કરો. યાદ રાખો કે તમારી યોનિને સુગંધની જરૂર નથી અને એટલે અત્યંત સુગંધિત ઉત્પાદનોનો ઉપયોગ કરીને યોનિના સ્વાસ્થ્યને નુકસાન ન પહોંચાડવું જોઇએ. નિષ્ણાત પાસે નિયમિત ચેક-અપ ભલે જરૂર હોય કે ન હોય પણ નિયમિત રીતે તમારા ડોક્ટર પાસે ચેક-અપ કરાવતા રહો. આના કારણે જનનાંગોની સમસ્યાની શરૂઆતમાં જ સારવાર શક્ય બની શકશે. આમ, તમે ડોક્ટરની મદદથી સારી રીતે ઇન્ટિમેટ હાઇજીન જાળવી શકશો. આનાથી મોટી સમસ્યાની જાણકારી શરૂઆતથી જ મળી શકશે અને સરળતાથી સારવાર શક્ય બનશે. ભેજવાળા વાતાવરણમાં રાખો ખાસ ધ્યાન ભેજવાળા વાતાવરણમાં ભેજની કારણે બેક્ટેરિયા ઝડપથી વધે છે, જેના કારણે ઇન્ફેક્શનની શક્યતા વધી જાય છે. આ જ કારણ છે આ સીઝનમાં ખીલ, ફોડલી, ખરજવું, ખંજવાળ જેવી સમસ્યાઓ વધુ જોવા મળે છે. આ હવામાનમાં પ્રાઈવેટ પાર્ટમાં પણ ઇન્ફેક્શન થવાનો ભય રહે છે. તેને વજાઇનલ ઇન્ફેક્શન કહેવાય છે. ઘણીવાર આ જગ્યાએ સ્ત્રીઓને બળતરા અને લાલ રેશીસની સમસ્યા આવે છે. જો તમે આ વાતાવરણમાં આવી મુશ્કેલીઓથી બચવા ઈચ્છતા હો તો પ્રાઈવેટ પાર્ટની સ્વચ્છતા જાળવી રાખવી જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...