તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
- મોહિની મહેતા
પ્રશ્ન : મારા લગ્નને ત્રણ વર્ષ જેટલો સમય થઇ ગયો છે. મારા સાસરિયા સતત બેબી પ્લાનિંગ વિશે સવાલો કરે છે. હું અને મારા પતિ હમણાં બાળક નથી ઇચ્છતા પણ અમારે આ ચર્ચા પરિવાર સાથે નથી કરવી. પરિવારના આ દબાણનો હું કઇ રીતે સામનો કરું? એક મહિલા (વડોદરા) ઉત્તર : મા બનવું એ દુનિયાના સૌથી સુખદ અનુભવોમાંથી એક છે પણ આ નિર્ણય કોઇના દબાણમાં લેવામાં આવે એ યોગ્ય નથી. લગ્નના એક-બે વર્ષ થાય એટલે સાસરાવાળા અને બાકીના સંબંધીઓ પણ વહુ પાસેથી બાળકની અપેક્ષા રાખવા લાગે છે. ફેમિલી પ્લાનિંગ ક્યારે કરવું તે બાબત સમગ્ર રીતે સ્ત્રી અને તેના પતિ પર નિર્ભર છે. પતિ-પત્ની એમ બંનેને જ્યારે લાગે કે તેઓ ત્રીજી વ્યક્તિની જવાબદારી ઉઠાવવા માટે તૈયાર છે ત્યારે પ્લાનિંગ કરવું વધારે યોગ્ય ગણાય. જો તમે ખરેખર હાલ બેબી પ્લાનિંગ માટે તૈયાર નથી તો સૌથી પહેલા પોતાની જાતને સમજાવો. પતિ-પત્ની બંને લગ્ન બાદ ક્વોલિટી ટાઈમ પસાર કરવાનું પસંદ કરે છે. તેનો અર્થ એ નથી કે, તમે ઉતાવળમાં આવીને એવો કોઈ નિર્ણય લઈ લો, જે આવનારા સમયમાં તમારા સંબંધો માટે ખોટો સાબિત થાય. જો આ સમયે તમારા માટે કરિયર પહેલી પ્રાથમિકતા છે, તો તે પ્રમાણે આગળ વધો અને તમારા પરિવારને પણ સ્પષ્ટ રીતે આ વાત કહી દો. જ્યારે બેબી પ્લાનિંગને લઈને કોઈ સવાલ પૂછે ત્યારે અકળામણ થાય એ સ્વાભાવિક છે. જો કે, આ વાતથી પરેશાન થવાના બદલે જે કોઈ સવાલ કરે તેને સ્પષ્ટ કહી દો કે હાલ તમે મા બનવા માટે તૈયાર નથી. જો તમે ખરેખર લોકોના બેબી પ્લાનિંગને લઈને પૂછવામાં આવી રહેલા સવાલથી કંટાળી ગયા છો, તો હંમેશા જવાબ તૈયાર રાખો. સાથે એ વાતનું પણ ધ્યાન રાખો કે, જવાબ એવો હોય જેનાથી કોઇને ખોટું ન લાગે અને તમારું પણ ખરાબ ન લાગે. તમે તમારા પરિવારજનોને કહી શકો છો કે હાલ તમારી પાસે તેમના પ્રશ્નનો જવાબ નથી.
પ્રશ્ન : મારા લગ્નને ચાર વર્ષ કરતા વધારે સમય થઇ ગયો છે. અમારા લગ્નજીવનમાં કોઇ એક્સાઇટમેન્ટ નથી રહ્યું. આ જ સંજોગોમાં હું મારા પતિના ફ્રેન્ડ માટે આકર્ષણ અનુભવવા લાગી. થોડા દિવસ પહેલા અમે જાતીય સંબંધ માણ્યો પણ હવે મને આ વાતનો અફસોસ થાય છે. હવે મારે આ પરિસ્થિતિમાં શું કરવું જોઇએ? શું મારે જે કંઈપણ બન્યું તે મારા પતિ સામે કબૂલી લેવું જોઈએ? શું તે મને ફરી પ્રેમ કરશે, મારા પર વિશ્વાસ મૂકશે? યોગ્ય સલાહ આપવા વિનંતી. એક મહિલા (સુરત) ઉત્તર : જ્યારે અનેક સંબંધોની વચ્ચે ગૂંચવણ પેદા થાય ત્યારે કપરી પરિસ્થિતિ ઉભી થાય છે. તમારી તમારા હસબન્ડના ફ્રેન્ડ સાથે નિકટતા સંપૂર્ણ રીતે જાતીય આકર્ષણ હોવાનું લાગી રહ્યું છે. આ સિવાય એવું પણ લાગી રહ્યું છે કે તમારા લગ્નજીવનમાં ભાવનાત્મક જોડાણની ઊણપ છે અને એના કારણે આ સ્થિતિ ઉભી થઇ છે. આ તમારા સંબંધને ખૂબ નુકસાન પહોંચાડે તેવી બાબત છે, જેના પર તમારે અને તમારા પતિએ કામ ધ્યાન આપવાની જરૂર છે. તેમને બધું સાચું કહી દો કે આ બધું કેવી પરિસ્થિતિમાં થયું હતું અને હવે કશું જ નથી. આ તમને ફરી એક કરી દેશે અને સમસ્યાનું સમાધાન થશે. દરેક પુરુષની માનસિકતા અલગ અલગ હોય છે. જો તમને લાગે કે તમારા પતિ આ વાતને હકારાત્મક રીતે નહીં સ્વીકારે તો પરિસ્થિતિને ભુલીને આગળ વધવામાં જ ભલાઇ છે. જો તમે યોગ્ય રીતે સાચા મનથી પ્રયાસ કરશો તો તમારો સંબંધ ચોક્કસપણે મજબૂત બનશે. તમારે લગ્નજીવનની ગંભીરતા સમજીને એને સફળ બનાવવાની દિશામાં નક્કર પ્રયાસ કરવાની જરૂર છે અને આ પ્રયાસ પતિ અને પત્નીએ સાથે મળીને કરવો જોઇએ. તમે લગ્નમાં એક ભૂલ કરી ચૂક્યાં છો. જો તમે પરિસ્થિતિ સુધારવાનો પ્રયાસ નહીં કરો તો આ ભૂલનું પુનરાવર્તન થતું રહેશે અને ભવિષ્ય કલંકિત બની જશે. જો તમને એમ લાગે કે લગ્નજીવનમાં સુધારો થવાની કોઇ શક્યતા નથી તો સંબંધોમાં ગૂંચવણ ઊભી કરવાને બદલે અલગ થઇને નવેસરથી જીવન શરૂ કરવાની શક્યતા તપાસો.
પ્રશ્ન : મારું પોસ્ટ-ગ્રેજ્યુએશન હમણાં જ પૂરું થયું છે અને હવે મારા પરિવારજનો મારા માટે યોગ્ય યુવકની શોધ ચલાવી રહ્યા છે. મારા પરિવારમાં કોઇને ખબર નથી પણ હાલમાં એક યુવક સાથે મારું ઓનલાઇન ડેટિંગ ચાલી રહ્યું છે. ચાર મહિનામાં અમે બન્નેએ એકબીજા સાથે બધી વાતો શેર કરી છે અને મને લાગે છે કે અમે બન્ને પ્રેમમાં છીએ. તે મહારાષ્ટ્રમાં રહે છે અને હું ગુજરાતમાં. હવે અમે મળવા ઇચ્છીએ છીએ. હું આગ્રહ રાખું છું કે તે પરિવાર સાથે મારા પરિવારને મળવા આવે પણ એ એકલો જ આવવા ઇચ્છે છે અને માત્ર મને જ મળવા ઇચ્છે છે. મને તેની આ વાત થોડી ખૂંચે છે પણ હું તેને મળવા માટે તલપાપડ છું. તેને એકલા મળવાનો મારો નિર્ણય યોગ્ય છે? એક યુવતી (અમદાવાદ) ઉત્તર : તમે થોડી ઉતાવળ કરી રહ્યા હોય એમ નથી લાગતું? તમે માનો છો કે તમે આ છોકરાને ડેટ કરી રહ્યાં છો, પણ મળ્યા વિના ડેટ કેવું? ઓનલાઇન ચેટિંગને તમે ઓનલાઇન ડેટિંગનું નામ આપી દઈ શકો છો, પણ આ ડેટિંગમાં તમે સામેવાળી વ્યક્તિને ખરા અર્થમાં જાણી-સમજી કે પરખી શકતાં નથી. આ યુવકને એકલા મળવામાં આમ તો કોઇ વાંધો નથી પણ તમે જ્યારે પહેલી વાર મળો ત્યારે સલામત જગ્યાએ અને જાહેરમાં મળો એ જેટલું જરૂરી છે એટલું જ જરૂરી છે કે બધું પાકું કરી નાખવાની ઉતાવળ ન થાય. અત્યારે તમે પ્રેમમાં ગળાડૂબ છો ત્યારે ઉતાવળમાં ખોટો નિર્ણય લેવાઇ જાય એવી પૂરેપૂરી શક્યતા છે. તમે અત્યારે ગુલાબી પ્રેમથી ભીંજાયેલાં છો એટલે ઓનલાઇન ફ્રેન્ડ સાથેની પહેલી જ મુલાકાતને ફાઇનલ બનાવી દેવાની ઉતાવળ ન કરો. તમે જો આંખે પ્રેમની પટ્ટી બાંધેલી હશે તો તમે હકીકત શું છે એ સમજવાનું ચૂકી જાઓ એવું સંભવ છે. મારું માનો તો અત્યારે માત્ર એક મિત્ર તરીકે જ તેને મળો. જો બધું બરાબર લાગે તો ધીમે ધીમે સમજીવિચારીને આગળ વધો.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.