કવર સ્ટોરી:જીવનની શતરંજમાં સામેવાળાની ચાલની સમજણ એટલે બુદ્ધિ

એક મહિનો પહેલાલેખક: એષા દાદાવાળા
  • કૉપી લિંક

તમારા મતે બુદ્ધિ એટલે શું? સામાન્ય જ્ઞાન હોવું એ? ચતુરાઇ હોવી એ? વાક્્્ચાતુર્ય હોવું એ? સામેવાળાને આંજી નાંખવાની આવડત કે હાજર જવાબીપણું હોવું એ? લાઓત્સે કહે છે કે તમારી બુદ્ધિ એ તમારા દ્વારા સમાજને અપાયેલો ધોકો છે. તો બુદ્ધિ શું છે? બુદ્ધિશાળી હોવું શું છે? બોર્ડની પરીક્ષામાં આવેલા 99 પરસન્ટાઇલ તમારા બુદ્ધિશાળી હોવાનો પુરાવો છે? યુનિવર્સિટીની પરીક્ષામાં તમે મેળવેલો ગોલ્ડ મેડલ તમારી બુદ્ધિક્ષમતાનો પરિચય કરાવે છે? ઓફિસમાં મળતું રહેલું પ્રમોશન કે બિઝનેસમાં મળી રહેલી સફળતા તમારા બુદ્ધિશાળીપણાંને પોંખે છે કે કોઇને આંજી દેતી તમારી દલીલો, તમારો આત્મવિશ્વાસ, તમારી નિર્ણય શક્તિ, તમારું એમ્પાવરમેન્ટ, તમારો સંઘર્ષ, તમારું હાજર જવાબીપણું તમને ઇન્ટલેક્ચુઅલોનાં ટોળામાં સ્થાન અપાવે છે? બુદ્ધિ હોવી એ જુદી વાત છે અને એ બુદ્ધિનો ઉપયોગ કરવો એ પણ જુદી વાત છે. પરીક્ષામાં અવ્વલ આવવાથી કે દલીલોથી સામેનાની બોલતી બંધ કરી દેવાથી કે તમારી અંદર રહેલા રમૂજીપણાંથી કે તમે કમાયેલા નામથી કે તમે મેળવેલા પૈસાથી તમે બુદ્ધિશાળી છો એવું સાબિત થતું નથી. તમારી અંદર રહેલો સર્વશ્રેષ્ઠ ડોક્ટર, ટોપમોસ્ટ એન્જિનિયર વગેરે વગેરે તમારી તીવ્ર બુદ્ધિક્ષમતાનો પરિચય આપી શકતા નથી. બુદ્ધિ એટલે જ્ઞાન નહીં પણ બુદ્ધિ એટલે જીવનની શતરંજ પર સામેનો માણસ કઇ ચાલ રમશે એની સમજણ હોવી એ. ચેસ બોર્ડ પર રમાતી શતરંજ અને જીવનમાં રમાતી શતરંજ વચ્ચે બહુ મોટો ફર્ક છે. ચેસ બોર્ડ પરની શતરંજમાં નિયમો લાગુ પડે છે. પ્યાદું એક જ ડગલું ચાલી શકે છે, ઊંટ ત્રાંસુ જ જઇ શકે છે. ઘોડો અઢી પગલાની ચાલ જ રમી શકે છે પણ જીવનની શતરંજમાં આવા કોઇ નિયમો પળાતા નથી. પ્યાદું ક્યાંયથી પણ છૂંછી કરી જઇ શકે છે. ઊંટ હોય, ઘોડો હોય કે વજીર ગમ્મે એ દિશામાં ગમ્મે એટલાં પગલાં પાડી શકે છે. આવા પ્યાદાં, ઘોડા, ઊંટ, વજીર વગેરે ક્યારે ક્યાં અને કઇ દિશામાં કેટલાં પગલાં પાડશે એનું કેલ્ક્યુલેશન કરી પોતાનાં રાજાને બચાવી સામેનાના રાજાને મારી નાખવાની પેરવીને તમે બુદ્ધિ કહી શકો છો. ચંદ્રકાંત બક્ષીએ એવું લખેલું કે દરેક ઘરમાં એક મહાભારત લડાતું હોય છે. દરેક ઘરમાં એક અર્જુન હોય છે, એક દુ:શાસન હોય છે, એક દુર્યોધન હોય છે, એક કૃષ્ણ હોય છે... આ યુદ્ધો તમારા સામાન્ય જ્ઞાન, તમારી આવડત, તમારી પ્હોંચ, તમારા પૈસા, તમારી સારામાં સારી દલીલોથી લડી શકાતા નથી. આ યુદ્ધ લડવા માટે સામેનો વ્યક્તિ શું વિચારે છે, કેવું રિએક્ટ કરે છે, ક્યારે રિએક્ટ કરે છે જેવા કેલ્ક્યુલેશન્સથી લડી શકાય છે અને આ કેલ્ક્યુલેશન્સ એ જ તમારી બુદ્ધિ છે. મોટાભાગનાં માણસો પોતાની બુદ્ધિને મનોરંજનનું તત્ત્વ માની લેતા હોય છે. દસ-પંદર-વીસ વ્યક્તિઓનાં ટોળામાં પોતાના વાક્્્ચાતુર્યથી લોકોને આંજી નાખનાર માણસ પોતાની બુદ્ધિનું પ્રદર્શન કરે પણ સામેની વ્યક્તિનું એસેસમેન્ટ કરવાનું ચૂકી જાય ત્યારે બુદ્ધિની ધાર બુઠ્ઠી થઇ જતી હોય છે. ઓફિસ હોય, સંબંધ હોય, મિત્રતા હોય કે કોઇપણ રિલેશન હોય જો તમે તમારી બુદ્ધિનો ઉપયોગ એસેસમેન્ટ અને કેલ્ક્યુલેશન કરવા માટે કરશો તો તમારા પ્રત્યેક સંબંધોને સારા અને તાજા રાખી શકશો. કૃષ્ણ આખી જિંદગી ગણતરીઓથી જીવ્યા અને એટલે જ આખેઆખી ગીતા સંભળાવ્યા પછી એ અર્જુનને એવું કહી શક્યા કે ‘યથેચ્છસિ તથા કુરુ…તને જેમ યોગ્ય લાગે એમ કર!’ આખે આખી ગીતા કહી દીધા પછી બધું જ જ્ઞાન ઠાલવી દીધા પછી ‘યથેચ્છસિ તથા કુરુ...’ એવું કહેવું એ બુદ્ધિનો માસ્ટર સ્ટ્રોક છે. બાણની પણછ કેટલા જોરથી ખેંચવાની છે એના જ્ઞાન કરતા પણ સામેના માણસનું બાણ કેવું છે, કેટલું દૂર જઇ શકે છે, કેટલું વેધક છે એની ગણતરી માંડવી જરૂરી છે. આ ગણતરીઓ જ તમને કોઇપણ પ્રકારનું યુદ્ધ જીતાડી શકે છે. બુદ્ધિ પર જ્યારે અહંકાર સવાર થઇ જાય છે ત્યારે એ સાવ નકામી બની જતી હોય છે અને બુદ્ધિ પર જ્યારે ઇમોશન્સ સવાર થઇ જાય છે ત્યારે એ સેલ્ફ ડિસ્ટ્રક્ટિવ બની જતી હોય છે. રાવણ ખૂબ બુદ્ધિશાળી હતો પણ અહંકારી હતો. રામ મારું કંઇ જ બગાડી નહીં શકે એવા ઇમોશન્સ એની બુદ્ધિ પર હાવી થઇ ગયા અને વાનરોની એક આખેઆખી સેનાનું સર્જન થઇ શકે છે એવા કેલ્ક્યુલેશન્સ એણે ક્યારેય કર્યા જ નહીં અને રામની સામે એણે હારી જવું પડ્યું. વિચારો પર કંટ્રોલ મેળવવાની કોશિશ કરવા કરતા ઇમોશન્સ પર કંટ્રોલ મેળવવાની કોશિશ કરવી જરૂરી છે અને તમારી બુદ્ધિએ માંડેલા કેલ્ક્યુલેશન્સ તમને ઇમોશન્સ પર કંટ્રોલ મેળવવામાં મદદ કરશે, એ નક્કી છે. સાસુ-વહુનાં સંબંધો હોય, પતિ-પત્નીનાં સંબંધો હોય, કલીગ કે બોસનાં સંબંધો હોય કે પ્રેમી-પ્રેમિકા, ભાઇ-બહેન, પિતા-પુત્રી, માતા-પુત્ર કે દોસ્તીનાં સંબંધો હોય આ દરેક સંબંધમાં તમને શતરંજની એક ચોપાટ માંડતા આવડવું જ જોઇએ. આ ચોપાટ પરની ગણતરીઓ તમને પ્રેમ કરતા પણ શીખવશે અને પ્રેમમાંથી પાછીપાની ભરતા પણ શીખવશે. જાત ઘસી નાખતા પણ શીખવશે અને ઘસી નાખેલી જાતને મેદાનમાંથી વિડ્રો કરતા પણ શીખવશે. ટૂંકમાં, સામેનો માણસ જે રીતે વર્તે છે એનો ઉપયોગ પોતાનાં હિતમાં કરી લેવો એ જ બુદ્ધિ છે. તમારા ચબરાકિયાપણાં કરતા પણ તમે માંડેલા ગણતરીનાં પ્રમેયો તમને વધારે ઉપયોગી થશે પછી એ સંબંધ હોય કે કરિયર. dadawalaesha@gmail.com

અન્ય સમાચારો પણ છે...