સજાવટ:કિચન ટાઇલ્સને ઝટપટ સાફ કરવાની ટિપ્સ

દિવ્યા દેસાઇએક મહિનો પહેલા
  • કૉપી લિંક

કિચન ઘરનો મહત્ત્વનો હિસ્સો છે અને રોજ રસોડાના દરેક ખૂણાને સારી રીતે સાફ કરવાનું બહુ મુશ્કેલ હોય છે. રસોડામાં સૌથી મુશ્કેલ કામ કિચન ટાઇલ્સને સાફ કરવાનું હોય છે કારણ કે એની પર રસોડાની તમામ ચિકણાશ જમા થતી હોય છે. આ સંજોગોમાં એવી કેટલીક ટિપ્સ છે જેનું પાલન કરીને કિચન ટાઇલ્સને બહુ ઝડપથી સાફ કરી શકાય છે. કિચન ટાઇલ્સની સાથે સાથે કિચન ફ્લોરની પણ સારી રીતે સફાઇ કરવામાં આવે એ જરૂરી છે. કિચન ફ્લોરની સફાઇ કિચન ફ્લોરને સાફ રાખવા માટે એના પર રોજ પોતું કરો અને એ માટેનાં પાણીમાં ડિટર્જન્ટ અથવા તો ફિનાઇલનો ઉપયોગ કરતો. એ વાતનું ધ્યાન રાખો કે જે કપડાંથી પોતું કરી રહ્યા હો એ સ્વચ્છ હોય અને પોતું કર્યાં પછી એને સારી રીતે ધોઇ લો. જો ઘરમાં કીડી થઇ ગઇ હોય તો પોતાંનાં પાણીમાં 1 મોટી ચમચી મીઠું નાખી લો. જો તમે રોજ પોતું ન કરતા હો અને બહુ દિવસ પછી પોતું કરી રહ્યા હો તો એમાં ગરમ પાણીનો ઉપયોગ કરો. આ સિવાય એક વખત પોતું થઇ જાય પછી ફ્લોરને કોરા પોતાંથી સાફ કરો. આનાથી ફ્લોર ચમકી જશે અને એનાં પર ધૂળ નહીં જામે. જો ફ્લોર પર કંઇક પડી જાય તો તરત સાફ કરી લો જેથી એના પર ડાઘ ન પડે. કિચન ટાઇલ્સની સફાઇ કિચનની ટાઇલ્સની સફાઇ થોડી મહેનત માગી લે છે કારણ કે એના પર ચિકણાશ જામી ગઇ હોય છે. આ ટાઇલ્સને સાફ કરવા માટે સરકાનો ઉપયોગ કરી શકાય. બે કપ સરકો અને 2 કપ પાણી મિક્સ કરીને એને સ્પ્રે બોટલમાં ભરે લો. આ સ્પ્રેને ટાઇલ્સ પર છાંટીને માઇક્રો ફાઇબરવાળાં કપડાંથી સાફ કરી લો. આ સિવાય બેકિંગ સોડાના ઉપયોગથી પણ ટાઇલ્સ પર લાગેલ ડાઘ દૂર કરી શકાય છે. ટાઇલ્સ પર લાગેલા ડાઘ દૂર કરવા માટે ટાઇલ્સ પર બેકિંગ સોડા અને પાણીની પેસ્ટ લગાવીને એને 15થી 20 મિનિટ સૂકાવા દો. આ પેસ્ટ સૂકાઇ જાય એટલે એને ભીનાં કપડાંથી સાફ કરી લો. જો કપડાંથી સાફ ન થાય તો એને જૂનાં ટૂથબ્રશથી ઘસીને સાફ કરો. જો તમને કિચન ટાઇલ્સ પર કિટાણુ દેખાય તો બ્લીચથી સાફ કરો. જોકે બ્લીચનો ઉપયોગ કરતા પહેલાં હાથમાં મોજાં પહેરી લો.

અન્ય સમાચારો પણ છે...