રસથાળ:ડાય હાર્ડ મેગી લવર્સ માટે અવનવી મેગી રેસિપી

8 દિવસ પહેલાલેખક: બિંદિયા ભોજક
  • કૉપી લિંક

ક્રિતિને ખૂબ પસંદ છે ચિલી ગાર્લિક મેગી અભિનેત્રી ક્રિતિ સેનન ફૂડી તો છે જ. તેને કોઈપણ રૂટિન ડિશને કંઈક નવું વર્ઝન આપીને ખાવું વધુ પસંદ છે સામગ્રી મેગી-1 પેકેટ, ઝીણું સમારેલું લસણ-1 ચમચી, સમારેલું લાલ મરચું-1 નંગ, મરી પાઉડર-1 ચમચી, ચિલી ફ્લેક્સ-1 ચમચી, ઓરેગાનો-1 ચમચી, રેડ ચિલી સોસ-1 ચમચી, મીઠું-સ્વાદ મુજબ, તેલ-1 ચમચી રીત મેગીને ઊકળતા પાણીમાં અધકચરી બોઈલ કરી લેવી. એક બાઉલમાં ઝીણું સમારેલું લસણ, સમારેલું લાલ મરચું, ચિલી ફ્લેક્સ, મરી પાઉડર, ઓરેગાનો અને તેલ મિક્સ કરો. સારી રીતે ફેંટી લેવું. હવે એક નોનસ્ટિક પેનમાં મિક્સ કરેલી સામગ્રી ગરમ કરો. બે મિનિટ સંતળાય એટલે બાફેલી મેગી ઉમેરો. બધું સરસ મિક્સ કરો. હવે તેમાં રેડ ચિલી સોસ ઉમેરી ગેસ બંધ કરી ડો. આ મેગી થોડી ડ્રાય થશે પરંતુ ખાવામાં ખૂબ સ્વાદિષ્ટ લાગે છે.

ક્રિસ્પી મેગી બોલ્સ સામગ્રી મેગીનું પેકેટ-1 પેકેટ, બટાકા-4 નંગ, લીંબુ-અડધી ચમચી, લીલાં મરચાં-2 નંગ, આદું-નાનો ટુકડો,ચણાનો લોટ-1 કપ, મીઠું-જરૂર મુજબ, ગરમ મસાલો-અડધી ચમચી, હિંગ-ચપટી, તેલ-તળવા માટે, મેગી મસાલાનું પેકેટ-1 નંગ

રીત : સૌ પ્રથમ બટાકાને બાફી લો. મેગીને પણ અધકચરી બાફી લો. બટાકાનો માવો કરી તેમાં મેગી મસાલો, સ્વાદ મુજબ મીઠું, ગરમ મસાલો, આદું-મરચાંની પેસ્ટ, હિંગ, ચણાનો લોટ અને લીંબુનો રસ ઉમેરી બધું સરસ મિક્સ કરો. નાના બોલ્સ વાળી તેને કાચી મેગીના ભૂકામાં રગદોળી લેવા. ગરમ તેલમાં તળી સ્વાદિષ્ટ ક્રિસ્પી મેગી બોલ્સ તરત જ સર્વ કરો.

પનીર ટકાટક મેગી

સામગ્રી મેગી-1 પેકેટ, પનીર-અડધો કપ, બટર-1 ચમચી, સમારેલાં લીલાં મરચાં-2 નંગ, સમારેલી ડુંગળી-1 નંગ, લસણ-3 કળી, ટોમેટો કેચઅપ-2 ચમચી,મીઠું-સ્વાદ મુજબ રીત મેગીને અધકચરી બાકી ચારણીમાં નિતારી લો. એક કડાઈમાં બટર ગરમ કરો. તેમાં ઝીણું સમારેલું લસણ, સમારેલી ડુંગળી, લીલાં મરચાં અને પનીર ક્યુબ્સ ઉમેરી સાંતળો. ઢાંકીને પાંચ મિનિટ ચડવા દો. હવે તેમાં ટોમેટો કેચઅપ, મીઠું અને મેગી મસાલો ઉમેરી દો. સાઈડમાં રાખેલી મેગી ઉમેરી બધું બરાબર મિક્સ કરો. સર્વિંગ બાઉલમાં સ્વાદિષ્ટ પનીર મસાલા મેગી સર્વ કરો.

મેગીનાં ભજિયાંં

​​​​​​​સામગ્રી મિક્સ ગ્રેટેડ વેજિટેબલ (ગાજર, કોબી, ડુંગળી)-1 કપ, ચણાનો લોટ-2 કપ, મેંદાનો લોટ-3 ચમચી, કોર્નફ્લોર-2 ચમચી, મેગી મસાલો-2 ચમચી, કાચી મેગીનો ભૂકો-2 કપ, હળદર-અડધી ચમચી, ધાણાજીરું-અડધી ચમચી, ગરમ મસાલો-અડધી ચમચી, લાલ મરચું પાઉડર-1 ચમચી, ચાટ મસાલો-1 ચમચી, શેકેલું જીરું પાઉડર-અડધી ચમચી, મીઠું-સ્વાદ મુજબ, પાણી-જરૂર મુજબ, તેલ-તળવા માટે

રીત સૌ પ્રથમ એક બાઉલમાં બધા વેજિટેબલ અને જરૂર મુજબ બધા મસાલા કરી મેગીનો ભૂકો નાખો અને બરાબર મિક્સ કરી લો. જરૂર મુજબ પાણી ઉમેરી ઘટ્ટ ખીરું તૈયાર કરો. ગરમ તેલમાં ગોલ્ડન ક્રિસ્પી ભજિયાં તળી લો. તેના ઉપર ચાટ મસાલો ભભરાવો. વરસાદી માહોલમાં આ ભજિયાં ખાવાની ખૂબ મજા પડશે.

મસાલા મેગી

સામગ્રી મેગી-1 પેકેટ, વટાણા-પા કપ, ઝીણી સમારેલી ડુંગળી-1 નંગ, સમારેલું ટામેટું-1 નંગ, બારીક સમારેલા મરચાં-2 નંગ, સમારેલું ગાજર-પા કપ, આદું-મરચાંની પેસ્ટ-1 ચમચી, તેલ-1 ચમચી, મીઠું-સ્વાદ મુજબ

રીત સૌ પ્રથમ એક કડાઈમાં બે ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો. તેમાં મેગી ઉમેરી સતત હલાવતા રહો. થોડી કડક રાખવી. આ મેગીને ચારણીમાં ગાળી લો. હવે એક કડાઈમાં તેલ ગરમ મૂકવું. તેમાં આદું-મરચાંની પેસ્ટ, ઝીણી સમારેલી ડુંગળી, મરચાં, ટામેટાં, ગાજર અને વટાણા નાખી ચડવા દો. મેગી મસાલો અને સ્વાદ મુજબ મીઠું ઉમેરી લેવું. શાક ચડી જાય એટલે સાઇડમાં રાખેલી મેગી મિક્સ કરી બે મિનિટ પકાવો. ગરમાગરમ મસાલા મેગી સર્વ કરો.

સેઝવાન મેગી

સામગ્રી મેગી-1 પેકેટ, સેઝવાન સોસ-3 ચમચી, બાફેલા મકાઈ દાણા-પા કપ, સમારેલું કેપ્સિકમ-પા કપ, બાફેલા વટાણા-પા કપ, સમારેલું ગાજર-પા કપ, ઝીણી સમારેલી ડુંગળી-1 નંગ, બારીક સમારેલું લસણ-અડધી ચમચી, ટોમેટો કેચઅપ-1 ચમચી,પાણી-જરૂર મુજબ, બટર-2 ચમચી, સોયા સોસ-અડધી ચમચી, ચિલી સોસ-અડધી ચમચી, વિનેગર-પા ચમચી

રીત એક પેનમાં પાણી ઊકળવા મૂકો. પાણી ઉકળે એટલે તેમાં મેગીને અધકચરી પકાવી ચારણીમાં નિતારી લેવી. હવે એક નોનસ્ટિક પેનમાં બટર ગરમ થવા મૂકો. તેમાં સમારેલી ડુંગળી, લસણ અને બધાં શાક અને મેગી મસાલો ઉમેરી સાંતળો. શાક કાચાપાકા સંતળાય એટલે જરૂર મુજબ મીઠું, સોયાસોસ, ચિલી સોસ, ટોમેટો કેચઅપ અને વિનેગર એડ કરો. સોસ ઉમેર્યા બાદ તરત જ મેગી પણ મિક્સ કરી લેવી. ગરમાગરમ અને થોડી સ્પાઈસી સેઝવાન મેગીની લિજ્જત માણો

અન્ય સમાચારો પણ છે...