પંજાબના હોશિયારપુરની પ્રતિષ્ઠા દેવેશ્વરને હાલમાં જ બ્રિટનના પ્રતિષ્ઠિત ડાયના પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી છે. પ્રતિષ્ઠા ભારતની પહેલી વ્હીલચેર યૂઝર ગર્લ છે જેને ગયા વર્ષે ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં એડમિશન મળ્યું હતું. ડાયના પુરસ્કાર પહેલા 2020માં પ્રતિષ્ઠાનું દિલ્હીની નેશનલ લેવલની યુનિવર્સિટી દ્વારા નેશનલ રોલ મોડલ તરીકે સન્માન કરવામાં આવ્યું હતું. પ્રતિષ્ઠા ‘બેટી બચાઓ બેટી પઢાઓ’ અભિયાનની બ્રાન્ડ એમ્બેસેડર પણ છે. પ્રતિષ્ઠાએ પોતાનો 12 ધોરણ સુધીનો અભ્યાસ હોશિયારપુરથી કર્યો છે અને પછી દિલ્હી યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. હાલમાં પ્રતિષ્ઠા ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં પબ્લિક પોલીસી વિષયનો અભ્યાસ કરી રહી છે. તેની ભારતની પહેલી વ્હીલચેર યૂઝર બનવાથી માંડીને બ્રિટનના સૌથી ખ્યાતનામ પુરસ્કાર મેળવવાની યાત્રા પ્રેરણાદાયક છે. Â શારીરિક અક્ષમતા બની તાકાત રિપોર્ટ પ્રમાણે પ્રતિષ્ઠા જ્યારે તેર વર્ષની હતી ત્યારે એક રોડ એક્સિડન્ટ પછી તેનાં શરીરના નીચેના ભાગમાં લકવાની અસર થઇ ગઇ હતી. જોકે આ શારીરિક અક્ષમતા પછી પણ પ્રતિષ્ઠાએ હાર ન માની અને શિક્ષણનાં માધ્યમથી જીવનની દરેક સમસ્યાને ઉકેલવાનો મક્ક્મ નિર્ધાર કરી લીધો. તેણે 12માં ધોરણ સુધી ઘરે જ અભ્યાસ કરવાનો નિર્ણય લીધો અને પછી આગળનો અભ્યાસ દિલ્હીની ખ્યાતનામ લેડી શ્રીરામ કોલેજમાં કરવાનો નિર્ણય લીધો. સંબંધીઓના નકારાત્મક અભિગમ પછી પણ પ્રતિષ્ઠાને તેનાં માતા-પિતાએ સંપૂર્ણ સહયોગ આપ્યો અને તેની કરિયર ઝપાટાભેર આગળ વધવા લાગી. પ્રતિષ્ઠાની ઉજ્જ્વળ કરિયરના કારણે ગયા વર્ષે તેને ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં એડમિશન મળ્યું હતું અને એ સમયે પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે તેને શુભેચ્છા પણ પાઠવી હતી. Â નક્કર કામ કરવાની ઇચ્છા પ્રતિષ્ઠા ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલાં મહિલા સશક્તિકરણ અભિયાન સાથે સંકળાયેલી છે. તે લઘુમતીઓના અધિકાર, માનસિક સ્વાસ્થ્ય અને રોડ સેફ્ટી જેવાં ફિલ્ડમાં કંઇક નક્કર કામ કરવા ઇચ્છે છે. તે દુનિયાને પોતાની સંઘર્ષ કથા કહેવા ઇચ્છે છે અને સમાજની સેવામાં જીવન પસાર કરવા માગે છે. તે પોતાના અનુભવોનો ઉપયોગ પ્રેરણા આપવા માટે કરવા ઇચ્છે છે. Â મળ્યું બ્રિટનનું સર્વોચ્ચ સન્માન પ્રતિષ્ઠા દેવેશ્વરને 2021નો ડાયના પુરસ્કાર આપવામાં આવ્યો છે. આ ડાયના પુરસ્કાર બ્રિટનનું ‘સર્વોચ્ચ સન્માન’ ગણાય છે. આ એવોર્ડ 9થી 25 વર્ષની એવી યુવાન વ્યક્તિને આપવામાં આવે છે જેણે સામાજિક કાર્યોમાં નોંધપાત્ર પ્રદાન આપ્યું હોય. આ પુરસ્કાર વેલ્સની રાજકુમારી ડાયનાની યાદમાં શરૂ કરવામાં આવ્યો છે અને એને ડાયનાના દીકરાઓ વિલિયમ (ધ ડ્યૂક ઓફ કેમ્બ્રિજ) અને હેરી (ધ ડ્યૂક ઓફ સસેક્સ)નું સમર્થન છે. આ વર્ષે ડાયના પુરસ્કારનું આયોજન ઓનલાઇન જ કરવામાં આવ્યું છે. આ પુરસ્કાર સમારોહમાં પ્રિન્સ હેરી સહિત અનેક પ્રતિષ્ઠિત વ્યક્તિઓએ ભાગ લીધો હતો અને તેમણે આ એવોર્ડ જીતવા માટે પ્રતિષ્ઠાને શુભેચ્છા આપી હતી. Â આભારની લાગણી ડાયના પુરસ્કાર મળ્યા પછી પ્રતિષ્ઠા ખુશ છે. તેણે આભારની લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું છે કે ‘રાજકુમારી ડાયેનાના નામ સાથે સંકળાવું એ એક મોટું સન્માન છે. મારા પ્રયાસોને બિરદાવવા માટે હું તેમની આભારી છું.’
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.