વુમન ઇન ન્યૂઝ:ભારતના ‘મિસાઇલ વુમન’એ મેળવી નવી સિદ્ધિ

23 દિવસ પહેલાલેખક: મીતા શાહ
  • કૉપી લિંક

ભારતના ‘મિસાઇલ વુમન’ તરીકે જાણીતા ડો. ટેસી થોમસ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગનાઇઝેશન (DRDO)ના સાઇન્ટિસ્ટ અને ડિરેક્ટર જનરલ (એરો સિસ્ટમ્સ)ને એપીજે અવોર્ડ 2022 એનાયત કરવામાં આવ્યો છે. નુરુલ ઇસ્લામ યુનિવર્સિટીના ચાન્સેલર એપી મજિદ ખાન અને NINS મેડિસિટી દ્વારા સંયુક્તપણે આ એવોર્ડ માટે ટેસી થોમસની પસંદગી કરવામાં આવી છે. આ સંસ્થા દ્વારા 2019થી પોતપોતાના ફિલ્ડમાં સારામાં સારો દેખાવ કરનાર સરકારી અધિકારીઓને આ એવોર્ડ એનાયત કરવામાં આવે છે. વિજેતાને એક લાખ રૂપિયાનું કેશ ઇનામ, સર્ટિફિકેટ અને ટ્રોફી એનાયત કરવામાં આવશે. કોણ છે ટેસી થોમસ? 1963માં જન્મેલા ટેસી થોમસ ભારતીય વૈજ્ઞાનિક છે અને ડિરેક્ટર જનરલ (એરો સિસ્ટમ્સ)ની મહત્ત્વની જવાબદારી સંભાળે છે. તેઓ ભૂતકાળમાં ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશનના અગ્નિ IV પ્રોજેક્ટના પ્રોજેક્ટ ડિરેક્ટરની જવાબદારી સંભાળી ચૂક્યા છે. તેઓ ભારતમાં કોઇ મિસાઇલ પ્રોજેક્ટને હેડ કરનાર પહેલા મહિલા વૈજ્ઞાનિક છે. ટેસી થોમસનો જન્મ કેરળના સિરિયન ક્રિશ્ચન પરિવારમાં થયો છે. ટેસીના માતાનું નામ ટેરેસા હતું અને માતાના નામ પરથી જ તેમનું નામ ટેસી પાડવામાં આવ્યું હતું. ટેસી જ્યારે 13 વર્ષના હતા ત્યારે તેમના પિતાને સ્ટ્રોક આવ્યો હતો જેના કારણે તેમનો જમણો હિસ્સો પેરેલાઇઝ્ડ થઇ ગયો હતો. ટેસીના માતા શિક્ષક હતા પણ પતિની તબિયત બગડી જતા ઘરને સંભાળવા તેમણે નોકરી છોડીને આર્થિક સંકટ વચ્ચે પણ પરિવારને સાચવવાનું પસંદ કર્યું હતું. ટેસીને અન્ય ચાર બહેનો અને એક ભાઇ છે અને બધાં પોતપોતાની પસંદગીના ક્ષેત્રમાં બહુ સારી રીતે સેટલ છે. ટેસીએ ઇન્ડિયન નેવીના કમાન્ડર સરોજ કુમાર સાથે લગ્ન કર્યા છે અને તેમને તેજસ નામનો દીકરો પણ છે. માતાને ક્રેડિટ ટેસી પોતાના વિકાસની ક્રેડિટ તેના વતનને અને માતાના પ્રયાસને આપે છે. તેઓ એક ઇન્ટરવ્યૂમાં જણાવે છે કે ‘મારો ઉછેર કેરળના બેકવોટરના સૌદર્યંથી ભરપૂર વિસ્તારમાં થયો છે. મને લાગે છે કુદરતની નજીક રહેવાથી અનોખી શક્તિ અને વિચારોની દૃઢતા મળે છે. મારા માતા માટે કામ કરવાનું શક્ય નહોતું અને આ સંજોગોમાં તેમણે બહુ સંઘર્ષ વેઠીને અમારા ભાઇ બહેનોનો ઉછેર કર્યો છે. અનેક સમસ્યાઓ હોવા છતાં અમને પાંચેય બહેનોને અને ભાઇને સારામાં સારું શિક્ષણ મળે એ માટેના પ્રયાસ કર્યા છે. મને મારા માતાના મજબૂત મનોબળનો વારસો મળ્યો છે.’ ઉજ્જ્વળ કરિયર ટેસીને બાળપણથી જ ગણિત અને ફિઝિક્સમાં બહુ રસ હતો. તેમણે 12મા ધોરણમાં ગણિતમાં 100 ટકા અને વિજ્ઞાનમાં 95 ટકા કરતા વધારે માર્ક મેળવ્યા હતા. આ પછી થ્રીસ્સુરની ગર્વમેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરવા માટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં માસિક 100 રૂપિયાની લોન લીધી હતી. આ પૈસાની મદદથી તેમણે બી.ટેક.નો અભ્યાસ પૂર્ણ કર્યો. આ પછી તેમણે પુણેની કોલેજમાંથી ગાઇડેડ મિસાઇલના વિષયમાં એમ. ટેક.નો અને પછી DRDOમાંથી ગાઇડેડ મિસાઇલના વિષયમાં પી.એચડી.ની ડિગ્રી મેળવી હતી. આ સિવાય તેમણે ઓપરેશન મેનેજમેન્ટ વિષયમાં એમબીએનો અભ્યાસ કર્યો છે. આ અભ્યાસ પછી તેમણે 1988માં DRDOમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. અગ્નિ પ્રોજેક્ટ માટે ડો. એપીજે અબ્દુલ કલામે તેમની નિમણૂક કરી હતી અને સમગ્ર અગ્નિ પ્રોજેક્ટમાં તેમણે બહુ પાયાનું કામ કર્યું છે. 2018માં તેઓ DRDOની એરોનોટિકલ સિસ્ટમના ડિરેક્ટર જનરલ બની ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...