વુમન ઇન ન્યૂઝ:સ્વોર્ડ ઓફ ઓનર મેળવનાર ભારતની પહેલી મહિલા આઇપીએસ

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

હૈદરાબાદ ખાતે આવેલી સરદાર વલ્લભભાઇ પટેલ નેશનલ પોલીસ એકેડમી (SVPNPA)માં ભારતીય પોલીસ સેવાના અધિકારીઓનાં પ્રશિક્ષણમાં એક નવું સોનેરી પ્રકરણ ઉમેરાઇ ગયું છે. એસવીપીએનપીએના ઇતિહાસમાં પહેલી વખત આઇપીએસ એસોશિયેશનનું સ્વોર્ડ ઓફ ઓનર કોઇ મહિલા પોલીસ અધિકારીને મળ્યું છે. આ ગૌરવ આઇપીએસ રંજીતા શર્માને મળ્યું છે. SVPNPAના ઇતિહાસમાં અત્યાર સુધી પુરુષ આઇપીએસને જ સ્વોર્ડ ઓફ ઓનરનું બહુમાન મળ્યું છે 2021માં કોઇ મહિલા આઇપીએસને આ બહુમાન મળ્યું છે. આ બહુમાન મળવાને કારણે 2021માં રંજીતા શર્માએ પરેડને કમાન્ડ કરી છે. પ્રેરણાદાયક સંઘર્ષ હરિયાણાનાં નાનકડાં ગામમાં જન્મેલી રંજીતાની આઇપીએસ બનવાની સફર તેમજ ટ્રેનિંગમાં સ્વોર્ડ ઓફ ઓનર સહિત આઠ કેટેગરીમાં સર્વોત્તમ પ્રદર્શન કરવાની તેની ગાથા બહુ પ્રેરણાદાયક છે. જે લોકો એક વખત અસફળતાનો સ્વાદ ચાખ્યા પછી હાર માની લે છે તેમના માટે રંજીતાની સંઘર્ષગાથા ભવ્ય ઉદાહરણ છે. આઇપીએસ રંજીતા શર્મા મૂળ હરિયાણાના રેવાડી જિલ્લાનાં ગામ ડહીનાની વતની છે. તેનો જન્મ 1 નવેમ્બર, 1986ના દિવસે થયો હતો. હાલમાં તેનો પરિવાર હરિયાણાના ફરિદાબાદમાં રહે છે. તેના બે ભાઇઓ પ્રાઇવેટ કંપનીમાં જોબ કરે છે અને રંજીતા પોતાનાં ગામની પહેલી આઇપીએસ અધિકારી છે. 2018ની યુપીએસસી પરીક્ષામાં 130મો રેન્ક મળ્યા પછી રંજીતાને રાજસ્થાન કેડર ફાળવવામાં આવી હતી અને તે ઉદયપુરમાં ટ્રેની એએસપી તરીકે ફરજ નિભાવી રહી છે. જોકે પાસિંગ આઉટ પરેડ પછી હવે તેને રેગ્યુલર એએસપી તરીકે પોસ્ટિંગ મળશે. છઠ્ઠા પ્રયાસમાં સફળતા આઇપીએસ રંજીતા શર્માની યુપીએસસીની સફળતાની ગાથા રસપ્રદ છે. તેને પોતાના છઠ્ઠા અને અંતિમ પ્રયાસમાં સફળતાનો સ્વાદ ચાખવા મળ્યો છે. તે આ પરીક્ષામાં સતત પાંચ વખત અસફળ રહી પણ તે હિંમત હારી નહીં. આખરે 2018માં યુપીએસસીના ત્રણેય તબક્કા પાસ કરીને આઇપીએસ બની જ ગઇ. પોતાના આ અનુભવને જણાવતા રંજીતા કહે છે કે ‘હું લાંબા સમયથી યુપીએસસીમાં સફળતા મેળવવા માટે તૈયારી કરી રહી હતી. હું 2013, 2015 અને 2017માં પ્રારંભિક પરીક્ષા પાસ નહોતી કરી શકી. 2016માં પ્રીલિમ્સ અને મેઇન્સ પાસ કરી હતી પણ ઇન્ટરવ્યૂમાં નિષ્ફળ ગઇ હતી. મારી પાસે પછી એક જ તક હતી. આખરે 2018માં હું યુપીએસસીના ત્રણેય તબક્કા પાસ કરીને આઇપીએસ બનવાનું મારું સપનું સાકાર કરી શકી.’ સ્વોર્ડ ઓફ ઓનરની હકદાર 6 ઓગસ્ટના દિવસે SVPNPAમાં પોલીસ અધિકારીઓની ટ્રેનિંગ પછી 72મો દીક્ષાંત સમારોહ, 2021 યોજાઇ ગયો. આમાં વર્ષ 2017, 2018 તેમજ 2019ની બેચના 144 જેટલા ભારતીય પોલીસ સેવાના અધિકારીઓએ તેમજ પાડોશી દેશના 34 જેટલા અધિકારીઓએ પોતાની બે વર્ષની ટ્રેનિંગ પૂરી કરી છે. રંજીતા શર્મા રાજસ્થાન કેડરની આઇપીએસ છે અને તેને પાસિંગ આઉટ પરેડ 2021માં સ્વોર્ડ ઓફ ઓનરથી નવાજવામાં આવી છે. ટ્રેનિંગ દરમિયાન આઉટડોર ફિઝિકલ એક્ટિવિટીના તબક્કાનાં અગ્રેસર રહેનાર આઇપીએસ અધિકારીને આ ઓનર એનાયત કરવામાં આવે છે. આઇપીએસની ટ્રેનિંગ દરમિયાન માર્શલ આર્ટ, પીટી, ફાયરિંગ, રૂટ માર્ચમાં 20 કિલો વજન ઉઠાવીને 40 કિલોમીટરની દોડ, સ્વીમિંગ અને હોર્સ રાઇડિંગ જેવી પ્રવૃત્તિઓમાં સૌથી સારો દેખાવ કરનાર ટ્રેનીને આઇપીએસ એસોશિયેશન દ્વારા સ્વોર્ડ ઓફ ઓનર એનાયત કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...