હાલમાં ફોર્બ્સ દ્વારા ટોપ-20 એશિયાઈ મહિલા ઉદ્યોગપતિઓની યાદી જાહેરમાં કરવામાં આવી છે. આ યાદીમાં એવી મહિલા ઉદ્યોગપતિઓના નામ છે જેમણે કોવિડ-19 મહામારી દરમિયાન સર્જાયેલી સમસ્યાઓ વચ્ચે પોતાના કારોબારમાં વધારો કરવામાં સફળતા મેળવી છે. આ યાદીમાં ત્રણ ભારતીય મહિલાઓ ઉદ્યોગપતિઓના નામ પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ મહિલાઓ સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા લિમિટેડ (સેલ)ના ચેરપર્સન સોમા મંડલ, એમક્યોર ફાર્માના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર નમિતા થાપર અને હોનાસા કન્ઝ્યુમરના સહ-સ્થાપક અને ચીફ ઈનોવેશન ઓફિસર ગઝલ અલઘ છે.
કોણ છે સોમા મંડલ?
સોમા મંડલ સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા લિમિટેડ (SAIL)નાં પ્રથમ મહિલા ચેરપર્સન છે. તેમણે 1 જાન્યુઆરી, 2021ના દિવસથી આ જવાબદારી નિભાવી રહ્યા છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી, રાઉરકેલામાંથી 1984માં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં સ્નાતક થયેલ સોમા મંડલે નાલ્કોમાં ગ્રેજ્યુએટ એન્જિનિયર ટ્રેઇની તરીકે તેમની કારકિર્દીની શરૂઆત કરી હતી. બાદમાં તેઓ નાલ્કોના ડિરેક્ટર (કોમર્શિયલ) પણ બન્યા હતા.
કોણ છે નમિતા થાપર?
નમિતા થાપર એમક્યોર ફાર્માસ્યુટિકલ્સના CEOની જવાબદારી નિભાવી રહ્યા છે. તેમણે મહારાષ્ટ્રના પુણેથી ગ્રેજ્યુએશન કર્યું હતું. ICAIમાંથી ચાર્ટર્ડ એકાઉન્ટની ડિગ્રી મેળવ્યા બાદ તેઓ અમેરિકા ગયા હતા. થોડા સમય બાદ તેઓએ ભારતમાં આવ્યા અને પછી અહીં બિઝનેસની શરૂઆત કરી. નમિતા થાપર કરોડોની સંપત્તિ ધરાવે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નમિતા થાપર પાસે કુલ 600 કરોડ રૂપિયા કરતા વધારેની સંપત્તિ છે.
કોણ છે ગઝલ અલઘ?
હરિયાણાના ગુરુગ્રામમાં જન્મેલાં ગઝલ અલઘનું નામ પણ ફોર્બ્સની યાદીમાં સામેલ છે. ગઝલે ચંદીગઢની પંજાબ યુનિવર્સિટીમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશન પૂર્ણ કરેલું છે. ગઝલે કોર્પોરેટ ટ્રેનર તરીકે NIIT લિમિટેડમાં બે વર્ષ કામ કર્યું હતું. વર્ષ 2016માં ગઝલ અલઘે તેમના પતિ વરુણ અલઘ સાથે મળીને હોનાસા કન્ઝ્યુમર પ્રાઈવેટ લિમિટેડનો બિઝનેસ સ્થાપિત કર્યો હતો. તેમની કંપની સૌથી ઝડપથી વિકસતી FMCG બ્રાન્ડ્સમાંની એક છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.