‘કેમ બેન, દિવેલીયું ડાચું લઈને બેઠા છો?’ કંકુકાકીને ઉદાસ બેઠેલા જોઈને સવિતાકાકીએ પૂછ્યું. ‘અલા યાર..., માર તો વણજોઇતી ઉપાધિ આઈ યાર.’ કંકુકાકીએ નંખાઈ ગયેલા ચહેરે જવાબ આપ્યો. ‘મને તો હજી એ જ હમજણ નહી પડતી કે આ વાક્ય અશ્તીત્વમાં આયુ જ કેવી રીતે? એટલે પહેલા તો વાક્ય સુધારો કારણ કે મારી જાણમાં હજી હુંધી તો એવું કોઈ નહી આયુ, જેને ઉપાધિ જોઈતી હોય.’ લીનાબેનને સૈધ્ધાંતિક વાંધો પડ્યો. ‘અસે, પણ એં, ધીરજ રાખવાની... કોક વાર ધાર્યું ના ય ઉતરે... આપડે વિચારીએ કંઇક, ને થાય કંઇક... જગતનો નિયમ છે... આમાં નવું કસુ નથી.’ સવિતાકાકીએ તત્વજ્ઞાન આપ્યું ને ઉમેરણ કરતાં વળી કહે, ‘અને જો, તમારે એકલાને જ આવું થાય એવું નથી. અમારે ય ઘણી વાર વેકેસનમાં બધા રહેવા આવે જ છે ને... તે અમે ય એ... યને મોટું તગારું ભરીને લોટ બાંધીએ, ને પચ્ચા પચ્ચા રોટલીયુ કરી છી... એં, એડવર્ટાઇજ જેવા બાવડા થઈ જાય છે. રોટલીયું વણી વણીને ગોટલા ચડી જાય ગોટલા. ત્યારે રસની ય એટલી જ જફા નઇ યાર? તમે તો જોતાં જ હસો ને, વેકેસનમાં અમારે કાકીયુની ને ફઇયુની લાઇનુ લાગે જ છે ને? તો ય અમે અકળાયા કોઈ દિવસ? ઉપાધિ ચીજ જ એવી છે. એને બાપડીને કોઈ બોલાવે નઇ... એ જાતે જ આઈ જાય. અને આવે એવી જ જતી ય રહે... નણંદો ને ફઈજીઓ ને માસીજીઓ ને કાકીજીઓ તો વેકેસન છે તે આવે. એં, જેવા આવસે એવા જતાં ય રે’સે... એમાં આટલું બધુ ટેન્સન નઇ લેવાનું યાર.’ ‘મહેમાનની તો એવી કોઈ ચિંતા નહી મને યાર... એ લોકાને તો હું આરામથી પહોંચી વળું છું... તમે જોતાં હસો... ધીમે ધીમે આવરો જાવરો ઓછો નઇ થઈ ગયો? એક હજાર આઇડીયાઓ છે... મહેમાનોને ઠેકાણે કરવાના. હઉથી પહેલા તો લાઇટ ગઈ લાઇટ ગઈ કરીને હાડા છ વાયગામાં પંખા જ બંધ કરી દઉં. કલાકમાં તો પથારીમાંથી બધા બેઠા. બસ... પછી તો હું છું, ને એ લોકો છે... મારો તો એક જ નિયમ... ઘરના બધા હરતા ફરતા નજરે ચડવા જોઈએ... કોઈ બેઠેલું દેખાણું, તો ગ્યુ હમજો.’ કંકુકાકીએ પોતાની આવડત હોંશિયારી વિશે સૌને માહિતગાર કર્યા. ‘લો બોલો... તો પછી એ સિવાય તો જગતમાં કોઈ વણજોઇતી ઉપાધિ છે જ નઇ.’ હંસામાસીએ ‘વણજોઇતી’ શબ્દને કૌંસમાં જ લઈ લીધો. ‘ના ના હવે... એક્સિડેન થાય કે પછી માંદા પડીએ એ...’ સ્મિતાબેને પોતાના લિસ્ટમાંથી બે ત્રણ જાણીતી ઉપાધિ વિશે જણાવ્યું. ત્યાં તો હંસામાસીએ એમને હાથ લાંબો કરીને અટકાવ્યા, ‘જો બેન, એ બધું આપડા કર્મોને આધીન છે... એટલે એ ના ગણાય અને બીજું... એમાં આપડે તો પડ્યા રહેવાનું... ફરમાઈસો કરવાની... અને દવા લેવાની. ઉપાધિ તો સેવા કરવાવાળાને. એટલે ઘરના જ કોકનો એક્સીડેન અથવા કોકની માંદગી ઉપાધિમાં ગણી શકાય પણ એ બી કર્મો આધારિત જ છે... આપડે એમની સેવા લીધી હોય, તો એ આપડી સેવા લે. એટલે એને કાઢી નાખો લિસ્ટમાંથી.’ ‘હાય હાય... તો તમે સેને ઉપાધિ ગણો છો?’ લીનાબેનથી પૂછાઈ ગયું. જેનો ઉકેલ આપડા કંટ્રોલમાં ના હોય, એને જ ઉપાધિ કહેવાય. (આમ જોવા જાવ તો ભૂલમાં ને ભૂલમાં... પણ કલાકાકીએ વાત તો સાચી કરી.) ‘તો એવું તે શું છે જે તમારા કંટ્રોલમાં નથી?’ મને કંકુકાકી ઉપર ખૂબ ભરોસો... એટલે સ્વાભાવિક રીતે મને પ્રશ્ન તો થાય ને ભઇ ! ‘ફ્રિજ બગડયું યાર.’ કંકુકકી ફરી ઉદાસ થઈ ગયા. ‘હાય હાય... પત્યું. હવે વધેલા સાક, ને ભાત, ને રોટલીનો લોટ, ફ્રોજન વટાણા... બધુ મુકસો કોને ઘેર? હવે રીપેર કરવા તરત તો કોઈ માણસ ય નઇ આવે.’ કલાકાકીને સખત આઘાત લાગ્યો. ‘પહેલાં તો તમે ટેન્સન છોડી દો. કાયદેસર તો આ ઉપાધિ છે જ નઇ. પહેલાં તો તમે બધે ય મેસેજો ઠોકી દો, કે એસી બગડયું છે.’ લીનાબેન સંપૂર્ણપણે મેદાનમાં આવી ગયા અને કન્ટિન્યુ કર્યું, અને એં, ફ્રિજની વસ્તુઓ થોડી થોડી અમાર બધાને ઘેર વહેંચી દો... ને તાળું મારીને નીકળી જાવ... ને ધામા નાખો કોક ને ઘેર. હમણાં ફ્રીજ રીપેર કરવા બોલાવસો જ નઇ હું તો કઉ. આજના જમાનામાં ફ્રીજ બગડવું... કે પાણીની મોટર બગડવી... એ હવે ઉપાધિ રહી જ નથી. અરે... ઝડપી જ લો... આવી તક વારંવાર નથી આવતી જીવનમાં. નસીબના બળીયા હોય, એને જ આવા મોકા મલે વેકેસનમાં.’ ઉપાધિનું ય અસ્તિત્વ જોખમાયું આજે તો. કદાચ લુપ્ત જ થઈ જશે અ શબ્દ. અને ઇતિહાસના એક પાનાંમાં આ શબ્દના વિનાશનું શ્રેય આ લોકોને જ શિરે હશે... અમારી પોળ અમર થઈ જશે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.