વુમનોલોજી:મનોરોગનાં અંધારામાં ડો. મેનન નામનું અજવાળું

મેઘા જોશીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

એ વખતે મેડિકલના અભ્યાસના ચોથા વર્ષમાં હતી, તાલીમના ભાગરૂપે રોજ ઘણા દર્દી મળતા. એ વખતે લગભગ પંદર-વીસ દર્દી એવા હતા જે બિલકુલ જુદા હતા. એમની આંખો ભાવશૂન્ય હતી. કોઈ જાત સાથે ના સમજાય તેવી ભાષામાં બબડાટ કરતા હતા, કોઈ સાવ અર્થવિહીન હલનચલન કરતા હતા તો કોઈક સાવ કઢંગી રીતે બેસીને હવામાં કંઇક દોરતા હોય તેવું લાગતું હતું. એમને જોઈને શું કરવું એ ના સમજાયું. આવી પરિસ્થિતિ પાછળ કયા કારણો હશે? એવા અનેક પ્રશ્નો પછી મેં ક્ષોભ અને નિ:સહાયતાનો અનુભવ કર્યો. હું કે અમારામાંના કોઈ પણ તબીબ પૂર્ણપણે માનસિક અસ્વસ્થ દર્દીનો ઉપચાર કરી શકવા માટે સમર્થ નહોતા. એમાં ખાસ કરીને સોળ વર્ષની એક કિશોરીની સ્થિતિ જોઈને હૃદયમાં ખળભળાટ સાથેની ટીસ અનુભવી અને ભવિષ્યમાં આ દિશામાં કઈ નક્કર કાર્ય કરવું જોઈએ તેવો વિચાર વધુ દૃઢ બન્યો. આક્રંદ અને અર્થવિહીન હલનચલન કરતી એ દીકરીને ઇજેક્શન મારીને શાંત પાડવાનો પ્રયત્ન કરતા હતા પરંતુ તેની યોગ્ય સારવાર અંગે મૂંઝવણ હતી. સ્ક્રિઝોફ્રેનિયા અને અન્ય અલગ અલગ પ્રકારના માનસિક રોગીઓ માટે કામ કરવાનો નિર્ધાર એ જ સમયે થઇ ગયો હતો.’ મૂંઝવણનાં ધુમ્મસમાં અને વિચારશુન્યતાના અંધકારમાં ગરકાવ થઇ ગયેલા રોગીઓ માટે અજવાસ જેવા પદ્મ વિભૂષિત ડો. શારદા મેનનના આ શબ્દો છે. ભારતનાં પહેલા મહિલા માનસિક રોગ ચિકિત્સક ડો. શારદા મેનનનું અઠાણુંમાં વર્ષે ગત સપ્તાહમાં નિધન થયું. આપણે સામાન્ય રીતે બોલચાલની ભાષામાં ગાંડપણ અને પાગલપન કહીએ છીએ તેવા માનસિક રોગની સારવાર માટે લક્ષણો, શારીરિક, માનસિક, સામાજિક પરિસ્થિતિને તપાસીને નિદાન થાય તે જરૂરી છે. ડો. મેનને સ્કિઝોફ્રેનિયા માટે ખાસ સંશોધન સંસ્થા શરૂ કરી અને સમાજે જેને સંપૂર્ણ હોપલેસ તથા હાંસિયામાં રહેનાર લોકો કહ્યા હતા તેમને નવા જીવન માટેની તક આપી. એમ કહી શકાય કે શારદા મેનનનાં પ્રયત્નો અને યોગદાનને કારણે અનેક ફાટેલાં જીવન સંધાઈ ગયાં હશે અને આત્મહત્યાના વિચારો પણ જડમૂળથી કપાઈ ગયા હશે. આત્મહત્યા નિયંત્રણ માટેની સંસ્થા ‘સ્નેહા’નાં સ્થાપક અને ડો. શારદાનાં વિદ્યાર્થી લક્ષ્મી વિજયકુમારે તાજેતરમાં જણાવ્યું કે, માનસિક રોગ તેમજ માનસિક આરોગ્યનાં ક્ષેત્રે સમગ્ર વિશ્વમાં થતા દરેક સંશોધનથી તેઓ અવગત થતાં, સત્તાણુ વર્ષે પણ તેઓ મીટિંગમાં ભાગ લેવા તત્પર રહેતાં. ડો. શારદા પાંચ મિનિટ દર્દી સાથે વાત કરીને નિદાન કરી શકતાં હતાં. માનસિક આરોગ્યની બાબતમાં સમગ્ર દેશમાં તામિલનાડુનું યોગદાન શિરમોર ગણાતું હોય તો તેનો સમગ્ર શ્રેય ડો. શારદા મેનનના કાર્યોને આપવો પડે.’ ભારતમાં મહિલાઓ માનસિક રોગ માટે વધુ જોખમવાળા વર્ગમાં કેમ છે અને તે માટે શું કરી શકાય તે અંગે ડો. શારદાએ ખૂબ સ્પષ્ટ સમજ આપી હતી. તેમણે કહ્યું હતું કે ‘માનસિક રોગ થવાના કારણોમાં જીનેટિક, વારસાગત, અકસ્માત, કેમિકલની ઊણપ, હોર્મોનના ફેરફાર, આઘાત અને વ્યક્તિગત અનુભવો તો છે જ પરંતુ સ્ત્રીની સરખામણીમાં પુરુષ માટેની સામાજિક વ્યવસ્થા વધુ સારી છે આથી પુરુષ કોઈપણ સમસ્યાનો સામનો વધુ સારી રીતે કરી શકે છે. શિક્ષણ અને વ્યવસાયની વધુ તક મળવાને કારણે પુરુષ એ સ્ત્રીની સરખામણીમાં વધુ આત્મનિર્ભર હોય છે. લૈંગિક તફાવતના મુદ્દે સ્ત્રીને થતા અન્યાય અને શોષણ ઉપરાંત શારીરિક સમસ્યાઓ પણ સ્ત્રીમાં મનોરોગનું જોખમ વધારે છે.’ પરિવાર અને મિત્રો તેમજ આસપાસના દરેક વ્યક્તિની નારાજગી હોવા છતાં ડો. શારદાએ બેંગલુરુમાં ‘નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યુરોસાયન્સ’માં માનસિક રોગની સારવાર માટેની તાલીમ લીધી હતી અને 1984માં ડો. તારા સાથે સ્કિઝોફ્રેનિયા રિસર્ચ ફાઉન્ડેશનની શરૂઆત કરી. તેમણે આ રિસર્ચ ફાઉન્ડેશન માટે દિવસ અને રાત જોયા વગર સતત કામ કર્યું. માનસિક રોગની યોગ્ય સારવાર અને સતત દેખરેખ સાથે તેમનાં સામાજિક, આર્થિક અને સાંવેગિક પુનર્વસન માટે ડો. શારદાએ સૌને દિશા પણ આપી અને વૈજ્ઞાનિક માર્ગદર્શન પણ આપ્યું. ડો. શારદા મેનન મનોરોગી માટે માત્ર આશાનું કિરણ નહીં પરંતુ, ખરા અર્થમાં ઝળહળતા શક્તિપુંજ હતાં.

અન્ય સમાચારો પણ છે...