તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મીઠી મૂંઝવણ:નણંદ માટે મુરતિયો શોધવામાં સાસુ-સસરા બહુ ચીકણાશ કરે છે...

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

પ્રશ્ન : મારા લગ્નને દસ વર્ષ થયા છે પરંતુ હું બિલકુલ ખુશ નથી. લગ્ન પછી મને ખબર પડી કે મારા પતિ કોઈ અન્ય યુવતીને ચાહતા હતા પરંતુ ઘરવાળાના દબાણને કારણે તેમણે મારી સાથે લગ્ન કર્યંા હતાં. મારા પતિ મને પ્રેમ કરે છે. મારું ધ્યાન પણ રાખે છે પરંતુ જ્યારે મારી સાથે નાનો ઝઘડો પણ થાય છે ત્યારે મારા મગજમાંથી આ વાત દૂર થતી નથી. યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી. એક મહિલા (વડોદરા) ઉત્તર : તમારી મૂંઝવણ જ ખોટી છે. આખી પરિસ્થિતિ ઊભી થઈ છે એમાં તમારો વાંક છે. તમારે તમારા પતિના ભૂતકાળને મોટો ઈશ્યુ બનાવવાની શું જરૂર છે? જો તમારા પતિ તમારી સાથે લગ્ન પછી ખરાબ વર્તન કરતા હોય તો તમારી આ લાગણી સમજી શકાય પણ તમે જ માનો છો કે તમારા પતિ તમને પ્રેમ પણ કરે છે અને તમારું ધ્યાન પણ રાખે છે. આ સંજોગોમાં તમે મગજમાં સતત પતિના ભૂતકાળનો ઉદ્વેગ રાખશો તો તમારા લગ્નજીવન માટે એ બિલકુલ યોગ્ય નથી. જ્યાં સુધી નાના ઝઘડાનો સવાલ છે ત્યાં સુધી દરેક પતિ અને પત્ની વચ્ચે આવા નાના-મોટા ઝઘડા થતા જ રહે છે અને એને કોઇ બીજો રંગ આપવાની જરૂર નથી. તમે ભૂતકાળને ભૂલી વર્તમાનકાળમાં જીવવાનું શીખો. તમારા પતિની ભૂતપૂર્વ પ્રેમિકા પણ તેના સંસારમાં સુખી છે તો પછી તમારે આ વાત ભૂલી જવામાં જ હિત છે. યુવાનીમાં પ્રેમસંબંધ બંધાય એ સ્વાભાવિક છે. આથી તમારું લગ્નજીવન સુખી કરવા માગતા હો તો ભૂતકાળ ભૂલી જઈ વર્તમાન અને ભવિષ્ય પર ધ્યાન આપો. પ્રશ્ન : મારી પત્ની છેલ્લા કેટલાક સમયથી સેક્સમાં રસ નથી બતાવતી. શું તેના જીવનમાં કોઈ અન્ય વ્યક્તિ આવી ગઈ હશે? મારે પત્ની સાથેના સંબંધો પહેલાં જેવા જ ઉત્તેજનાસભર બનાવવા હોય તો શું કરવું? એક પુરુષ (સુરત) ઉત્તર : જો તમારી પત્ની સેક્સ કરવામાં વધારે રસ નથી બતાવતી તો એનો અર્થ એ નથી કે તમારા અને એની વચ્ચે પ્રેમનો અંત આવી ગયો છે. ગુસ્સો, નિરાશા અને થાકનું ફસ્ટ્રેશન મહિલાઓને બહુ જલદી વિચલિત કરી નાખે છે. આ સમયે જો તમે તમારી પત્નીને સેક્સ માણવા માટે એપ્રોચ કરશો તો બની શકે છે કે એમનાં ગુસ્સા અને ફસ્ટ્રેશનનો શિકાર બની જાઓ. આવા સમયે તમે એને બોડી મસાજ કરી આપો અને એના પગનાં તળિયે માલિશ કરો. આવું કરવાથી મહિલા સેક્સ માટે રાજી થશે. તમે તમારા પત્નીને થોડો સમય આપશો અને તેની લાગણીને સમજવાનો પ્રયાસ કરશો તો તમને ચોક્કસ હકારાત્મક પરિણામ મળશે. તમારી સમસ્યાનો અંત આવશે. પ્રશ્ન : હું કોલેજનાંં પહેલાં વર્ષમાં ભણું છું. મને એવું લાગે છે કે મારી સાથે ભણતી એક યુવતી મને ચાહે છે. જો કોઇ યુવતીને મારામાં રસ હોય તો મને કઇ રીતે આ વાતની ખબર પડે? એક યુવક (રાજકોટ) ઉત્તર : જ્યારે કોઇ યુવતી અને યુવક એકબીજાને પસંદ કરે છે ત્યારે તેઓ પોતાની લાગણી સામા પાત્ર સુધી પહોંચે એ માટે કેટલીક ખાસ વર્તણૂંક કે ઇશારા કરતા હોય છે. ખાસ વાત તો એ છે કે યુવતીઓ પણ યુવકની જેમ જ ફ્લર્ટ કરી છે. જ્યારે કોઇ યુવતી ફ્લર્ટ કરે છે ત્યારે તેની આંખો પણ ઘણું બધું કહે છે. જો વાત કરતાં કરતાં તે પોતાની પલકોને ઝુકાવી લેતી હોય છે તો આ સિગ્નલ છે કે તેનાં દિલમાં તમારા માટે કંઈક ખાસ છે. જ્યારે છોકરી કોઈની સાથે ફ્લર્ટ કરે છે ત્યારે તે પ્રિય પાત્ર સામે પોતાનું સ્મિત છૂપાવવામાં અસમર્થ હોય છે. દરેક વખતે જ્યારે તમે તેમને મળો ત્યારે તેમના ચહેરા પર આવતું સ્મિત બધું જ કહે છે. જે મહિલાઓ ફ્લર્ટિંગમાં નિષ્ણાંત છે તે પણ તેમના અવાજનો સારો ઉપયોગ કરે છે. તે પોતાના અવાજને એવી રીતે મોડ્યુલેટ કરે છે કે તેનાથી આકર્ષણ વધે છે. જો કોઇ છોકરી તમને પસંદ કરતી હોય તો એ જેવી તમારી સામે આવે કે તરત તેનાં કપડાંને ઠીક કરવાનું શરૂ કરે છે. જો કોઇ છોકરી તમારી સામે આવી વર્તણૂંક કરતી હોય તો તે તમને પસંદ કરે છે. પ્રશ્ન : હું સારું કમાતો પ્રોફેશનલ છું. હું મારી પ્રોફેશનલ લાઇફમાં સેટલ હોવાથી મારા પરિવારજનો મને પરણાવીને દેવા ઇચ્છે છે. અત્યાર સુધી મારી ઘણી બધી ગર્લફ્રેન્ડ રહી છે. શું મારે કોઈ છોકરી સાથે મેરેજ કરતાં પહેલાં મારા ભૂતકાળ વિશે વાત કરવી જોઈએ? શું તેના ભૂતકાળ વિશે પૂછવું જોઈએ? એક યુવક (મુંબઇ) ઉત્તર : હવે લગ્ન માટે સિરિયસ થયા પછી હવે તમે પોતાની ગર્લફ્રેન્ડ બનાવવાની જૂની આદત છોડી દેશો તેવી આશા છે. હવે રહી વાત તમારી હાલની સ્થિતિની, તો કેટલીક વાતો પર ઉંડો વિચાર કરવો જરૂરી છે. મને લાગે છે કે થનારી પત્નીને પોતાના ભૂતકાળની વાત કહેવી કે નહીં અથવા તેને તેના ભૂતકાળ વિશે પૂછવું કે નહીં તે પણ તમારે અત્યારથી નક્કી કરી લેવું જોઈએ. તમે જો છોકરીને તેના ભૂતકાળ વિશે પૂછશો તો સ્વાભાવિક છે કે તે પણ તમારા ભૂતકાળ વિશે પૂછશે. આમ, ભૂતકાળની ખણખોદ કરવાની વાત જ પડતી મૂકો એ તમારા માટે સારો ઓપ્શન છે. તમે પોતાનો ભૂતકાળ ન જણાવ્યો અને સામેનાં પાત્રને ભૂતકાળ વિશે ન પૂછ્યું તેનો મતલબ એ નહીં કે તમારા મનમાં કાયમ માટે તે અંગે શંકાનો કીડો સળવળ્યા કરે. જે થયું તે ભૂલી જાઓ અને નવેસરથી શરૂઆત કરો.

પ્રશ્ન : મારા હમણાં એક વર્ષ પહેલાંં લગ્ન થયાં છે. મારી અને મારાં નણંદની વય લગભગ સરખી છે. મારાં નણંદની વય લગભગ 26 વર્ષ છે અને તેમનો દેખાવ સામાન્ય છે. મારા લગ્ન પછી અનેક જગ્યાએ તેમનાં લગ્નની વાત ચલાવવામાં આવી છે પણ મારાં સાસુ-સસરા દરેક મુરતિયામાં કોઈને કોઈ ખામી કાઢે છે જેના કારણે લગ્નની વાત આગળ જ નથી વધતી. હજી હું પરિવારમાં નવી છું એટલે અમુક વાત સોઈ ઝાટકીને નથી કહી શકતી. આ પરિસ્થિતિમાં મારે શું કરવું જોઈએ? એક યુવતી (અમદાવાદ) ઉત્તર : સૌથી પહેલી વાત એ છે કે 26 વર્ષની વય કંઈ વધારે પડતી ન કહેવાય એટલે તમારા નણંદના લગ્ન વિશે જો તમને વધારે પડતી ચિંતા થઈ હોય તો ખોટી ચિંતા કરવાનું છોડી દો. દરેકને તેના યોગ્ય સમયે જ જીવનસાથી મળે છે. જ્યાં સુધી તમારા સાસુ-સસરાનાં અભિગમની વાત છે તો જો તમને એમ લાગતું હોય કે તેઓ કારણ વગર દરેક મુરતિયામાં ખામી કાઢે છે તો ઘરના કોઈ વડીલ કે એવા કોઈ મિત્ર અથવા સગા-સંબંધીઓના માધ્યમથી આ વાત યોગ્ય નથી એમ સમજાવાનો પ્રયાસ કરવો. જરૂર પડે તો પતિની મદદથી આ વાતની ચર્ચા તેમની સાથે કરવી પણ તમારે આ મુદ્દો તેમની સાથે ચર્ચવાનું ટાળવું. હકીકતમાં તમારા હજી હમણાં જ લગ્ન થયા છે અને જો તમારા વિશે તેમના મનમાં કોઈ ગ્રંથિ બંધાઈ જશે તો એને દૂર કરવામાં બહુ સમય લાગશે. તમારી ચિંતા વાજબી છે પણ આખરે તમારા સાસુ-સસરા માટે તો તેમની દીકરીનાં જીવનનો પ્રશ્ન છે. માતા-પિતા પોતાની દીકરી માટે સારા ભવિષ્યની કામના કરતા હોય છે. તેઓ પોતાની દીકરી માટે સારામાં સારો વર શોધવા ઇચ્છતા હોય અને એ માટે થોડો વધારે સમય લઇને પ્રયાસ કરવા ઇચ્છતા હોય તો તેમને તક મળવી જોઇએ.

અન્ય સમાચારો પણ છે...