તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લઘુનવલ:જીદમાં તમે એક વાર દીકરો તો ગુમાવી ચૂક્યાં છો...દીકરી પણ ગુમાવી બેસશો!

કિન્નરી શ્રોફએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પ્રકરણ -7 હોટલની પોર્ચમાં ઉભી અદિતી સ્નોફોલના નજારાને માણી રહી. અણધાર્યુ પલટાયેલંુ હવામાન અત્યારે રાતના દશના સુમારે પોરો ખાતુ હોય એમ તોફાનનું જોર ઘટ્યંુ હતું. આભમાં અંધાર સાથે ત્રાટકેલી હિમવર્ષા એવી પ્રબળ હતી કે આસપાસનાં કેટલાય રુટ કામચલાઉ બંધ થઈ ગયા. વિલા તરફના માર્ગમાં પણ બ્લોકેજ આવતા શેખર-દામિની આંટીએ પણ અમારી સાથે અમારી હોટલમાં સ્ટે કર્યા વિના છૂટકો ન રહ્યો. દામિનીઆંટીને એ જરાય ગમ્યું નહોતું. જવાબમાં શેખર હાથ જોડી કરગરતો હતો એ પણ પોતે ત્રાંસી આંખે નોંધ્યું હતું! મીરાએ જોયેલાં દ્ર્શ્યો પછી આ સંવાદ સમજવા અઘરા નહોતાં. અદિતીને ઉપલા માળેથી બૂમાબૂમ સંભળાતી હતી. જરૂર કંઇ બન્યું છે. હોટલ મેનેજર દિલાવર સાથે પહેલાં માળની લોબીમાં પગ મૂકતાં જ પરિસ્થિતિ પરખાઇ ગઇ. સામે જ ફર્શ પર વિદ્યાગૌરી ચત્તાપાટ પડ્યાં હતાં ને એમની છાતીએ મસાજ કરી મીરા એમને કૃત્રિમ શ્વાસોશ્વાસ આપી રહી હતી! ‘અમારા રૂમનુ હીટર ચાલતું નહોતું...’ત્રિભુવનભાઇએ સાદ ખંખેર્યો. અદિતીએ એમને સંભાળ્યા, ‘અમે સામેની રૂમમાં શિફ્ટ થતાં હતાં ને વિદ્યા અચાનક જ ફસડાઈ પડી! અરેરે...માંદો હું છું ને મોત વિદ્યાને લેવા ક્યાં આવ્યંુ?’ વિલાપ કરતા ત્રિભુવનભાઇને અદિતીએ આશ્વસ્ત કર્યા, ‘આવુ અમંગળ ન બોલીએ, અંકલ. મેનેજરે ડોક્ટરને તેડાવ્યા છે અને જુઓ...મીરા કેટલી કુશળતાથી માજીને ટ્રિટમેન્ટ આપી રહી છે...સૌ સારાં વાનાં થવાનાં!’ અદિતીનો આશાવાદ ફળ્યો. સવારે તોફાન સાવ થમી ચૂકેલંુ. આ સમયે ડોક્ટરે રાહતના સમાચાર આપ્યા, ‘પેશન્ટ ઇઝ આઉટ ઓફ ડેન્જર નાઉ! અલબત્ત, આનંુ શ્રેય તમારી વહુને જ મળે. એણે અણીના સમયે સમજદારી દાખવી ન હોત તો તમારા વાઇફ બચ્યા ન હોત. ઘરમાં ઘરડું માણસ હોય ત્યારે ગૃહિણીએ ફર્સ્ટ એઇડની ટ્રેનિંગ લઇ રાખવી જોઇએ.’ આમ કહી ડોક્ટર નીકળી ગયા. અદિતી ત્રિભુવનભાઇને તાકી રહી. એમની નજર ઝૂકી ગઈ. ‘બોલો, જે તમારા મરવાની રાહ જોઇ રહી છે...એવું તમે જેના માટે માનતા હતા એણે તો તમારાં જીવ બચાવવાની ટ્રેનિંગ લીધેલી, તમને કદાચ જેની જાણ પણ નથી!’ અદિતીએ ત્રિભુવનભાઇના ખભે હાથ મૂક્યો, ‘હજુ પણ એને જોવાની તમારી દૃષ્ટિ નહીં બદલો તો જાણો છો શું થશે? તમારી જીદમાં તમે એક વાર દીકરો તો ગુમાવી ચૂક્યા છો. ક્યારેક દીકરી પણ ગુમાવી બેસશો.’ અદિતીના વેણ જનોઇવઢ ઘા સમાન નીવડ્યા. ત્રિભુવનભાઇનું ભીતર લોહીલુહાણ થઇ ગયું. ‘મા હોશમાં આવ્યા છે...’ આઇસીયુમાંથી જાણ કરવા દોડી આવેલી મીરાનો હાથ પકડી બાજુમાં બેસાડી, ‘હોશમાં તો હું પણ આવ્યો છું આજે... મા-બાપ તરીકે અમે નિષ્ફળ નીવડ્યાં. શ્રવણને સમજી જ ન શક્યા ને અમારું ધાર્યુ કરવાની લ્હાયમાં તારા ભવ સાથે પણ રમત માંડી બેઠાં! દીકરાના અપઘાતમાં તને નિમિત્ત ઠેરવી અમે ખુદને ક્લિનચીટ આપતા રહ્યાં. આજથી તને વહુને બદલે દીકરી કહું તો ગમશે?’ અને આંસુ ખાળતી મીરા એમને વળગી પડી: ઓહ, પિતાજી! Â Â Â ‘સો...વિદ્યા આંટી ઇઝ સેફ નાઓ!’ શેખરે કહ્યંુ. અદિતીએ હોંકારો ભરવાનું ટાળ્યું. આખી રાત હોસ્પિટલમાં વીતી હતી. સવારે હોટલ પરત થઇ પોતે નાહી ધોઈને બ્રેકફાસ્ટ માટે રેસ્ટોરાંમાં આવી તો શેખર ભટકાણો! ખરેખર તો ગઇ રાતે વિદ્યા આંટીની ઇમરજન્સીમાં બીજા ઉતારુઓ સુધ્ધાં મદદમાં આવી પહોંચ્યા, પણ શેખર કે દામિની આંટી ન દેખાતા એમને ખબર કરવાના ઇરાદે હોસ્પિટલ જતાં પહેલાં અદિતીએ ઇન્ટરકોમ પરથી દામિની આંટીની રૂમમાં જોડેલો ફોન કોઇ એ ન ઉપાડ્યો, પછી શેખરની રૂમમાં રિંગ આપતા રિસીવર ઉંચકાયું ખરું, પણ... ‘નો ડિસ્ટર્બન્સ. આજે આપણાં એકાંતમાં મને કોઇ ખલેલ નહીં જોઇએ!’ શેખરને સંબોધતા દામિનીનો વાસનાઘેલો સ્ત્રીસ્વર કાને પડતા અદિતીએ જ રિસીવર મૂકી દીધેલું! અત્યારે પણ એ સાંભરતા અદિતીને અરુચિ થઇ. દામિની હજુ ઉઠયાં નથી અને એમની સાથે રાત ગાળનારો શેખર મારી આગળ પાછળ ભમે છે એ જ એની ચલગત બતાવે છે! ‘છક્કો!’ ઉપમાની ડિશ લઇ બેઉ ટેબલ પર બેઠાં. વિદ્યા આંટીના મામલે અદિતીનો રિસ્પોન્સ મોળો લાગતા શેખર વાત પલટવાના ઇરાદે ધીરેથી બબડ્યો. ધાર્યા પ્રમાણે અદિતી ચમકી: આ તમે કોને કહ્યંુ! ‘હોટલના મેનેજરને!’ કાનમાં કહેવાની વાત હોય એમ નજીક સરકી શેખરે ઉમેર્યુ, ‘એ નથી મરદ, નથી ઔરત. તમે સમજ્યાને!’ દૂર હોટલના સ્ટાફ સાથે કશુંક ડિસ્કસ કરતા દિલાવરને જોઇ અદિતીએ નજર વાળી લીધી. કોઇની જાતિ વિશે ટિપ્પણી કરવાનો આપણને અધિકાર નથી એવું કંઇ સંભળાવી દેવું હતું, ત્યાં... ‘યુ નો, કોલેજમાં અમારો એક જુનિયર હતો, અમે એને છક્કો કહેતા!’ કોલેજ...છક્કો... ‘તમે કઇ કોલેજમાં ભણેલા, શેખર?’ અદિતી પૂછી બેઠી. ‘અમદાવાદની એન્જિનીયરીંગ કોલેજમાં. કોલેજ-હોસ્ટેલમાં અમારો વટ હતો. જુનિયરોની તો ચટણી બનાવી દેતા.’ અદિતીને ઇમ્પ્રેસ કરવાની ધૂનમાં શેખર બોલતો ગયો, ‘અમારી મોટી ગેંગ હતી, હું એમનો લીડર. નવા ભરતી થનારાએ અમારો પડતો બોલ ઝીલવાનો. ધરાર જો કોઇથી ઇન્કાર થાય! આ બધામાં એક છોકરો મને યાદ રહી ગયો છે. એનંુ નામ સાંભરતું નથી પણ શકલ-સૂરત નજર સામે તરવરે છે. એનંુ પહેલંુ ને અમારું એ છેલ્લંુ વરસ હતું કોલેજનું. લાખ પ્રયાસ પછી પણ એના તનબદનમાં ઉત્તેજનાનો ઉછાળ જોવા જ ન મળે! કાપુરુષ! એક સાથે અમે ચિલ્લાયા: આ તો છક્કો છે છક્કો! એનું નામ જ છક્કો પડી ગયું!’ અરેરે... રેગિંગની આવી ઘટનાએ કેટલાનાં જીવન બરબાદ કર્યા હશે! ઘણા તો આત્મહત્યા સુધ્ધાં કરતા હોય છે અને શેખર પાછો પરાક્રમીની જેમ પ્રાઉડ લે છે! ‘એને બિચારાને તાવ ભરાણો...પેરન્ટ્સ ઘરે લઇ ગયા.’ તાવ. અદિતી ટટ્ટાર થઇ. આવું તો અક્ષય સાથે પણ બનેલંુ ને! કોલેજ ખૂલ્યાનાં માસમાં એને ફોર નો રિઝન તાવ ભરાયેલો, મા-પિતાજીએ એને હોમસિકનેસ માની એ ખરેખર આ જ રેગિંગ કેમ ન હોય? ‘અમે ધારેલું કે એ પાછો નહીં આવે, બટ હી કેમ બેક. છક્કાનું ટોર્ચર સહીને પણ એ ટકી ગયેલો, પછી તો કોલેજ છૂટી, કોનું શું થયું કોણે જાણ્યું!’ પણ મારે જે જાણવું હતું એ આજે સાવ અનાયાસ જાણવા મળી ગયું! શેખર પાસેથી શૈક્ષણિક વર્ષનો તાળો મળતા અદિતીની આશંકા ખાતરીમાં ફેરવાઇ ગઇ: એ જ કોલેજ, એ જ હોસ્ટેલ, એ જ વરસ ને એ જ તાવની ઘટના...ચોક્કસ શેખરનો શિકાર અક્ષય જ હોય! રેગિંગની ઘટનાએ એમના કુમળા માનસ પર એવો ઘા કર્યો કે એમણે પોતાને નપુંસક માની લીધા! કિન્નરથી ભડકીને ભાગવાનું હવે સમજાય છે. કોઇને નહીં કહેવાયેલી રેગિંગની ઘટના એમના અંતરમનમાં એટલી ઊંડી ઉતરી ચૂકી છે કે અક્ષય આજે પણ કામાવેગ અનુભવી શકતા નથી! અદિતી પળ પૂરતી આંખો મીંચી ગઇ: તમારી બીમારી મને આજે પકડાઇ, અક્ષુ. હવે એનો ઇલાજ પણ હું શોધીને રહેવાની! ‘શું થયંુ?’ શેખરે એનો હાથ દાબી સ્પર્શવાનો મોકો ઝડપી લીધો. અદિતી સળગી ઉઠી, ‘ડોન્ટ ટચ મી.’ ઊંચા અવાજે બોલી એણે શેખરને ડઘાવી દીધો, રૂમમાં સોંપો સર્જી દીધો, ‘તમે ફલાણા ઢીંકણાને છક્કો કહો છો, તો ધનવાન સ્ત્રીનું બિસ્તર ગરમ કરનારા તમને શું કહું? પુરુષ રૂપજીવિની?’ હાંફતા શ્વાસે એણે કહેલા શબ્દોએ રૂમના ઉંબરે આવી ઉભેલાં દામિનીને ડઘાવી દીધા ને શેખરને તો કાપો તો લોહી ન નીકળે! Â Â Â ‘જોયંુ? જેની પાછળ કાલો થતો હતો એ બાઇ તને ભરી સભામાં રૂપજીવિની કહી ગઈ!’ દામિનીએ શબ્દોનો ડામ દીધો. આમ તો આ સફરથી દામિની બહુ ખુશ નહોતાં. અણધાર્યા પાત્રો જાણેઅજાણે જોડાતા ગયા એટલે જોઇતી મોકળાશ જ ક્યાં મળી! એમાં સવારે અદિતીના તમાશા પછી હોટલમાં વધુ રોકાવા જેવંુ ન રહ્યું. સિમલા રિટર્ન થવામાં ફાયદો એ પણ ખરો કે અદિતી-મીરા વગેરે બે દિવસ બાદ વિદ્યાબહેનને ડિસ્ચાર્જ મળે પછી આવવાના છે એટલે સિમલાના કોટેજમાં અમને ભરપૂર એકાંત મળશે એ આશા એ તો પોતે ત્યાંનો સ્ટે પણ લંબાવી દીધો છે..દરમિયાન આ વળતી સફરમાં શેખરને પણ સાનમાં સમજાવી દેવું ઘટે કે રાજી તારે મને રાખવાની છે! બાકી અદિતી હવે જો મારા વિશે એલફેલ બોલવાની થઇ તો હું ય પાછી નહીં પડું.જોકે સિમલા પહોંચતા જ દામિનીને બીજો આંચકો મળ્યો. લાઉન્જમાં જોતા જ રહીએ એવા સોહામણા જુવાન પર નજરનો લસરકો મારી એ ચાર ડગલા આગળ વધ્યાં કે પાંપણ પલકારો મારવાનું ભૂલી ગઈ: ન હોય! આવા જ પ્રત્યાઘાતની અપેક્ષા હોય એમ વ્હીલચેર પર બેઠેલી એ વ્યક્તિએ સ્મિત ફરકાવી જુવાનને સંબોધ્યો, ‘અનિરૂધ્ધ, આ જ મારા ધર્મપત્ની!’ (ક્રમશ:)

અન્ય સમાચારો પણ છે...