સેક્સ સેન્સ:આવેગો ન બને અવરોધક

મેધા પંડ્યા15 દિવસ પહેલા
  • કૉપી લિંક

સ્ત્રી અને પુરુષનાં મનમાં શારીરિક ક્રિયા અને શરીરની ઉત્તેજનાને લઇને અનેક પ્રકારના વિચારો ઉદ્્ભવે તે સ્વાભાવિક બાબત છે. પોતાના પાર્ટનર તરફથી સંતોષ – અસંતોષ બંને મળે છે ત્યારે ક્યારેક મન ઉદાસ તો ક્યારેક આનંદિત થતું જોવા મળે છે. ઘણા લોકોને જ્યારે રેગ્યુલર સમાગમની ક્રિયામાં સંતોષ નથી મળતો તો તેઓ અનેક પ્રકારનાં આસનો જોઇને તે પ્રકારની ક્રિયા કરવાનો પ્રયત્ન કરતા હોય છે. જે વ્યક્તિઓ આ પ્રકારના સમાગમની અપેક્ષા રાખતા હોય છે, તેમના માટે સમાગમ ક્રિયા સાથે જોડાયેલી કેટલીક મહત્ત્વની બાબતો વિશે જાણવું પણ જરૂરી બની જાય છે. સમાગમનો સાચો આનંદ સાથ, સહકાર અને સમજણથી મળે છે. ઇચ્છા મુજબનો સમાગમ તે પછીની ક્રિયા છે. તેથી બંને જે પણ કરો તે એકબીજાની સહમતી અને સલામતી સાથે કરો તે યોગ્ય છે. કાળજી - સાવચેતી : જ્યારે પણ સમાગમ ક્રિયાની શરૂઆત કરો ત્યારે કોઇ ખતરનાક આસનનો પ્રયોગ કરવો નહીં. કેટલાંક આસનોને મુશ્કેલ પરિસ્થિતિવાળાં આસનો ગણવામાં આવે છે. તેમાં જો થોડી પણ અસાવધાની થાય તો ગંભીર ઇજા થવાની શક્યતાઓ રહેલી છે. સ્ત્રીની યોનીનો ભાગ ખૂબ જ સંવેદનશીલ અને કોમળ હોય છે. તેથી સંભોગની ક્રિયા દરમિયાન વધારે પડતી ઉત્તેજના અને જોશને કારણે કોઇ પાર્ટનરને શારીરિક હાનિ ન પહોંચે તેનું ખાસ ધ્યાન રાખવું. શરીરનો વધારે પડતો જોશ કે ભાર પણ પાર્ટનરને પીડા આપે છે, તેવું ન થવું જોઇએ. ક્રિયા દરમિયાન વધારે બળ ન કરવું જોઇએ. તમે કોઇ રમતની સ્પર્ધામાં ભાગ નથી લઇ રહ્યા પણ તમારા પ્રિય પાત્ર સાથે પ્રેમક્રિડા કરી રહ્યા છો.

જો સમાગમ ક્રિયા દરમિયાન સ્ત્રીને ક્યારેય પણ થોડી પણ તકલીફ થતી હોય તો ક્રિયાને તરત અટકાવી દેવી જોઇએ. તે સમયે એકબીજા સાથે વાતચીત કરીને યોગ્ય તપાસ કરીને ડોક્ટરની સલાહ લેવી જોઇએ. સ્વચ્છતા – સલામતી : દરેક વ્યક્તિને સ્વચ્છતા પસંદ હોય છે અને રાખતી પણ હોય છે. તમારે પણ તમારાં શરીરના સૌથી મહત્ત્વના ભાગને પણ સ્વચ્છ રાખવો જરૂરી છે. સમાગમ પહેલા બંને વ્યક્તિએ પોતાના અંતરંગ ભાગને સંપૂર્ણ સ્વચ્છ કરવા જોઇએ. જેથી તેમાં લાગેલો મેલ અને ગંદકી સાફ થઇ જાય. પુરુષે પોતાનાં લિંગની અંદરની ચામડી પર ચોંટેલ સફેદ પડને વ્યવસ્થિત રીતે સાફ કરી લેવું જોઇએ. સ્ત્રીઓએ પણ પોતાની યોનીના અંદરના ભાગને વ્યવસ્થિત રીતે સાફ કરવો જોઇએ જેથી કરીને તેમાંથી ખરાબ દુર્ગંધ ન આવે અને સાથે જ ફંગલ ડિસિઝથી પણ બચી શકાય છે. સ્ત્રી અને પુરુષે પોતાના પ્રાઇવેટ પાર્ટ્સની આજુબાજુના વાળને દૂર કરીને સ્વચ્છતા જાળવવી જોઇએ. સમાગમની ક્રિયા દરમિયાન તે અડચણ ઊભી કરી શકે છે. ઘણી વખત શરીરના પરસેવામાંથી બહુ વાસ આવતી હોય છે અને કદાચ એ તમારા પાર્ટનરનો સેકસ્યુઅલ મૂડ બગાડી શકે છે. એટલે સંભોગ કરતાં પહેલાં હૂંફાળાં પાણી અને ડીઓડરન્ટ સાબુ વડે સ્નાન કરી લેવું. જેથી દુર્ગંધ દૂર થાય. અંદરનાં કપડાં હંમેશા કોટનનાં જ પહેરવાં જેથી પરસેવાનું શોષણ બરાબર થાય. સમાગમ થઈ ગયા પછી પુરુષ અને સ્ત્રી બન્નેએ બને તો પેશાબ કરી લેવો, જેથી નીચેથી ઉપર જતા જંતુઓનો આપમેળે નિકાલ થઈ જાય.

બંને પાર્ટનર્સ એ વાતનું ખાસ ધ્યાન રાખે કે તેમને લોહી કે વીર્યથી કોઇ પ્રકારનું ઇન્ફેક્શન થાય નહીં. આવી પરિસ્થિતિમાં કોન્ડોમનો ઉપયોગ કરીને સમાગમ કરવો હિતાવહ છે. મનની બદલાતી પરિસ્થિતિ : સમાગમ ક્રિયા દરમિયાન એવું કોઇ કામ ન કરવું જેથી તમારું ધ્યાન બીજી તરફ જતું રહે.

ઘણા લોકો સમાગમ વખતે ફોન પર પણ વાત કરવા લાગે છે અથવા તો ફોનની રિંગ વાગે તો ક્રિયાને અધૂરી મૂકીને જતા રહે છે. આનાથી તમારા પાર્ટનરનું મન ઉદાસ થઇ જશે. કેટલાક પુરુષો તેમની પાર્ટનર સાથે અંતરંગ પળનો ભરપૂર આનંદ ઉઠાવતા હોય છે અને ત્યાર પછી ચરમસીમાએ પહોંચીને સ્ખલિત થતા એવી રીતે મોં ફેરવીને ઊંઘી જતા હોય છે જાણે તેમને પાર્ટનર સાથે કોઈ લેવાદેવા ન હોય. આ સ્થિતિમાં સ્ત્રી પોતાને ખૂબ એકાકી અને ઉપેક્ષિત સમજવા લાગે છે. દરેક સ્ત્રી ઈચ્છતી હોય છે કે સેક્સ અને સ્ખલન પછી પણ તેનો પાર્ટનર તેની સાથે પ્રેમચેષ્ટા કરે, ચુંબન કરે, તેનો આભાર માને અને પ્રેમ વ્યક્ત કરે...છેલ્લે આ ક્રિયાઓ કરતાં કરતાં તેને આલિંગનમાં લઈને સૂઇ જાય.

આમ કરવાથી સ્ત્રીને આત્મસંતોષનો અહેસાસ થાય છે. આ સમય દરમિયાન એકબીજાને ન ગમતી એવી વાતચીત પણ ન કરવી જેથી ક્રિયા દરમિયાન મન ઉદાસ થઇ જાય. સમાગમ દરમિયાન બંનેએ મનમાં કોઇ પ્રકારનો ડર, ચિંતા કે સંકોચ કે અતડાપણું ન રાખવું જોઇએ. તમે એકબીજાને પ્રેમ કરી રહ્યા છો, તેમાં કોઇ અપરાધભાવ છૂપાયેલો ન હોવો જોઇએ. જાતીય જીવન માણતી વખતે ખોટી ઉતાવળ રાખવી ન જોઇએ. જો શાંતિથી અને કોઇ જ પ્રકારની ચિંતા વગર જાતીય જીવન માણવામાં આવે તો અનોખો આનંદ મળી શકે છે. medha.pandya@gmail.com

અન્ય સમાચારો પણ છે...