તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લઘુનવલ:‘અદિતીને એટલી ઇમ્પ્રેસ કર કે તારી સાથે રાત ગાળવાનો ઇન્કાર ન કરે!’

કિન્નરી શ્રોફ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ‘તેં વચન આપ્યું છે, અદિતી! નહીં પાળે તો મારું મર્યુ મોં જોશે!’ અદિતી સહેમી ઉઠી અને અક્ષય શમણાંમાંથી ઝબકી ઉઠ્યો...

પ્રકરણ -8 ‘બેટી, તું તારી માને સંભાળ, લગેજ હું મૂકાવી દઉં છું.’ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મેળવી બપોરની વેળા સીધા શિમલાનાં કોટેજ પરત થયેલી મહેતા ફેમિલીને આવકારવા પોર્ચમાં આવેલો મેનેજર નિગમ ત્રિભુવનભાઇના સૂરે ચોંક્યો, એમાં વિદ્યાગૌરીનો સૂર ભળતા આંચકો લાગ્યો. નિર્મોહી જેવી લાગતી એમની વહુમાં પણ કેવો થનગનાટ વર્તાયો. વિધવા વહુએ રંગીન સાડી પહેરી હતી, બિંદી પણ કરી હતી અને એ તો અચરજની સીમા જેવંુ હતું. ત્રણેને રૂમ તરફ જતા જોઇને પણ મેનેજર જડવત્ રહ્યો, એટલે એમની સાથે જ આવેલી અદિતીએ ટહુકો કર્યો, ‘મોસમની જેમ માણસનો પલટો પણ ક્યારેક નિરાળો લાગેને!’ હોશમાં આવેલા વિદ્યાગૌરીએ પતિનો વહુ તરફનો બદલાવ આવકાર્યો હતો, બલકે એક ડગલું આગળ વધી મીરાને વૈધવ્યમાંથી મુક્ત કરી એનાથી વિશેષ માતૃત્વનું ઝરણું ફૂટ્યાનો પુરાવો શું હોય? એની સંતૃપ્તિ દર્શાવતી અદિતી સામે સ્મિત ફરકાવતા નિગમના ચિત્તમાં પડઘો પડ્યો: મહેતા પરિવારમાં સુખદ બદલાવ આવ્યો, પણ શેઠ ફેમિલીમાં મને તોફાનનાં વાદળ ઘેરાતાં હોવાની સ્ફુરણા થાય છે! ત્રણ દિવસ અગાઉ આવેલા દામિનીના પતિનું આગમન પત્નીને બિલ્કુલ ગમ્યું નથી. સામે એમનાં પતિ પણ ઓછપાયા વિના સામાં તીર છોડતા હોય છે! જોઇએ હવે આગળ શું થાય છે! Â Â Â ‘વોટ ધ હેલ!’ દામિનીના ઉંચા સાદે ફ્રેશ થઇ કોફી માટે રેસ્ટોરાં જવા નીકળેલી અદિતીને ચમકાવી. દામિની-શેખરે સ્ટે લંબાવ્યાનું તો અહીં આવતા જ જાણ્યું, દામિનીના અપંગ પતિ પોતાના મેઇડને લઇ આવ્યા હોવાનું પણ વેઇટર બોલી ગયેલો. ત્યારે જ થયેલું કે ‘આન્ટી-ભત્રીજા’ની અસલી સગાઇના ખબર પતિ સુધી પણ પહોંચ્યાં હોવાં જોઇએ! મારા અક્ષય સાથે ગલત કરનાર શેખરને પોતે આવેશમાં પુરુષ રૂપજીવિની કહી બેઠી એનો જોકે અફસોસ નથી, જોકે પછી એવંુ પણ થયું કે અક્ષય સાથે અઘટિત કરનારા પ્રત્યે મને આટલો ગુસ્સો હોય તો જેના પર વીત્યું એ અક્ષયની ભીતર તો કેટલો આક્રોશ હોવો જોઇએ! હશે જ, પણ એ પોતાની પુરુષ તરીકેની નિષ્ફળતાનાં આવરણ હેઠળ ધબરાયેલો જ રહ્યો હોય...એ આવરણ મારે ચીરવું રહ્યંુ, તો જ અક્ષયને હું સંપૂર્ણ રીતે પામી શકંુ! આમાં હવે અત્યારે વરંડામાં બેઠેલા પતિ તરફ ઘાંટો પાડતી દામિની શાનું ગામગજવણું કરી રહી છે? ‘આ બધું શું છે, ધીરજ? હમણાં મેં ઓફિસ મીટિંગ માટે ફોન કર્યો તો આઇ એમ શોક્ડ. મેનેજર શુક્લા કહે છે ઓફિસમાં મારું સ્થાન રહ્યંુ નથી?’ અદિતીએ જોયું તો શેખર પણ રૂમમાંથી નીકળી પતિ-પત્નીના સંવાદ સાંભળી રહ્યો છે. ‘એમાં આટલા અકળાવ છો કેમ, દામિનીદેવી? દેવી...ધીરજનાં વેણમાં ભારોભાર મેણું છે. ‘શુક્લાએ સાચંુ જ કહ્યું’ ‘હેં...એટલે તમે મને બિઝનેસમાં દરવાજો દેખાડો છો? તમારી આ મજાલ!’ કાળઝાળ દામિનીનો ઉઠેલો હાથ સ્ફૂર્તિથી ધીરજરાયે રોકી લીધો, ‘બહું થયું, દામિની. કેટલું પતન વ્હોરીશ? તું મા ન બની શકી, મને એક સંતાન ન દઇ શકી પણ મેં કદી તારી ઊણપનંુ તને ઓછું આવવા ન દીધંુ, બલ્કે તને ગમતું કરવાની તક આપીને તારી ખુશીમાં મારી ખુશી જોઈ.’ ધીરજરાય હાંફી ગયા. એમનો શબ્દે શબ્દ દામિનીની છાતીએ વાગ્યો, ‘સામે તેં શું કર્યુ? હું પંગુ બન્યો એટલે નાલાયક ઠરી ગયો! મને સાવ હાંસિયામાં ધકેલી તું સ્વચ્છંદી બનતી ગઇ! મારા સ્વમાનની તેં વારંવાર હત્યા કરી, મારા પુરુષત્વ પર ઘા કરતા તને લગીર ખંચકાટ ન થયો. એ છતાં પણ તારું સુખ જોવા મથ્યો છું, તને એની પણ કદર નહીં, ખાનદાનની આબરૂની પણ પરવા નહીં! હવે બસ...મેં નક્કી કરી લીધું છે કે હવે હું ડસ્ટબિન તરીકે નહીં રહું. વ્યાપારની સત્તા મેં તને આપી હતી, એને પાછી ખેંચવાનો અધિકાર પણ મને જ હોયને.’ ‘મતલબ...તમે...તમે...’ દામિની છટપટી ઉઠી, ‘મારા કાંડા કાપી તમે મને તમારી દાસી બની રહેવા મજબૂર ન કરી શકો!’ ‘પત્નીને મેં દાસી ગણી હોત દામિની તો કંપનીના મેનેજરને મારો ભત્રીજો બનાવી તું આ જગ્યા પર આવી પણ શકી ન હોત... હકીકત તો એ છે કે તને પત્ની તરીકે પણ મારે કેમ રાખવી એ જ વિચારુ છું.’ ધીરજરાયે વ્હીલચેર ફેરવી. સ્વમાનને રણઝણતંુ કરવાના પોતાના નિર્ણય અને એ અનુસારનાં પગલાંની હૈયે તૃપ્તિ હતી. દામિની ધબ દઇને બેસી પડી. હવામાં બહુ ઊડતી પતંગને પતિએ એક જ ઝાટકામાં કાપી નાખી! શેખર સમજી ગયો કે દામિનીનાં હવે વળતાં પાણી. એમના સંસારનો સાર પામી ચૂકેલી અદિતી આગળ વધી ગઈ. Â Â Â ‘તમારી પાસે સિડની શેલ્ડનની બુક્સ ખરી?’ અદિતીના પગ થંભી ગયા. રેસ્ટોરાંના ગેટ પર મેનેજરને પૂછતો જુવાન અત્યંત હેન્ડસમ લાગ્યો. એને વાંચનનો પણ શોખ છે! નિગમે જોકે બુક્સ માટે સોરી કહેતા અદિતીથી ન રહેવાયું, ‘એક્સક્યુઝ મી’ વચ્ચે પડી એણે પહેલાં તો પરિચયની આપલે કરી ઉમેર્યું, ‘અનિરુદ્ધ, તમને વાંચનનો ખરેખર રસ હોય તો હું થોડી બુક્સ લાવી છું.’ ‘રસ? અરે, વરંડાના હિંચકા પર બેઠો હોઉં, લતા-કિશોરના રોમેન્ટિક સોંગ્સ હોય, કોફીની સિપ સાથે બુકની સંગત હોય, વોટ એલ્સ વન નીડ્સ અદિતી!’ ‘અરે! સેમ ટુ સેમ!’ અદિતી મલકી, ‘ત્યારે તો આપણી કંપની જામવાની!’ સાંભળીને અનિરુદ્ધના ચહેરા પર ન સમજાય એવું સ્મિત પ્રસરી ગયું. છેવટે, અડધો એક કલાક અદિતી સાથે ગાળી, ત્રણેક બુક્સ લઇ પોતાનાં કોટેજમાં આવી એણે પોતાને અસાઇનમેન્ટ આપનાર પુરુષનો નંબર લગાવ્યો. ‘તમે કહેલું એમ અદિતી સાથે મૈત્રીની ધરી બાંધી દીધી છે...’ ‘ગુડ...તારી પાસે બે દિવસનો સમય છે. અદિતીને એટલી ઇમ્પ્રેસ કરી દે કે આ શનિવારની રાત તારી સાથે ગાળવાનો ઇન્કાર કરી ન શકે!’ ફોન કટ થયો. ‘મા, સરસ મઝાની સંધ્યા ખીલી છે...’ બારીમાંથી આવતા સ્ત્રીસ્વરે અનિરુદ્ધને ઝબકાવ્યો...અરે, આ તો મીરાનો અવાજ!પ્રિયતમાની યાદે જડબાં સખત થયાં. માન્યું, એનાં પિતાના ઇલાજવશ એણે શ્રવણનું કહેણ સ્વીકાર્યંુ, પણ પિતાના દેહાંત પછી એમનાં વચનને વળગી રહેવાની શું જરૂર હતી? શ્રવણે લીધેલા રૂપિયા પોતે કયારેકને કયારેક વાળી જ દેત...પણ મીરાનું ખુદનું મન લલચાઇ ગયેલું, એટલે જ એણે મને તરછોડ્યો. મીરાએ મન ભાંગ્યંુ તો એની જ અમાનત જેવું તન પણ પવિત્ર શું કામ રહે? બસ, આ વિચારે મારો માર્ગ પલટાવનારી મીરા ખરેખર જ અહીં છે કે... એણે ડોકિયું કર્યુ ને નજરને જાણે લકવો લાગી ગયો. સામી તરફનાં કોટેજનાં પ્રાંગણમાં ખરેખર મીરા હતી! સાથેનાં ઓલ્ડ એજ પીપલ એના ઇન-લોઝ હોવા જોઇએ. ત્યારે તો મારે અદિતીને પલોટવી જ રહી. મીરાને પણ ભાન થાય કે તેં જેને છોડ્યો એ જુવાનને પોતાની પત્ની સાથે સૂવા ખુદ પતિ તેડે છે! Â Â Â ડિનર સમયે મીરા સાસુ-સસરાને લઇ રેસ્ટોરામાં પહોંચી કે અદિતીનાં હાસ્યે ધ્યાન ખેંચ્યંુ. એની સામે ગોઠવાયેલા કોઇ જુવાનની કશી વાતે એ કેવી ખડખડાટ હસી રહી છે! સાસુ-સસરાને ટેબલ પર ગોઠવી એ અદિતીની નજીક ગઇ,’કોઇ બહુ સારો જોક હોય તો અમે પ...ણ... હસીએ’ છેલ્લાં શબ્દોએ એ થોથવાઇ. અદિતીની સામે બેઠેલો પુરુષ બીજું કોઇ નહીં , અનિરુદ્ધ હતો! ‘આવ, મીરા. આમને મળ. આ અનિરુદ્ધ છે.’ ‘હા, અદિતી’ મીરા ફિક્કું હસી, ‘આ જ અનિરુદ્ધ છે.’ બેઉના નેત્રો એક થયાં ને અદિતીને ઝબકારો થયો: ઓહ, મીરાનો મતલબ છે કે આ જ એનો પ્રેમી અનિરુદ્ધ છે! હે ભગવાન. ‘મીરાબાઇને મારા પ્રણામ.’ અનિરુદ્ધના કટાક્ષમાં ધાર હતી. હળવો નિશ્વાસ નાખી મીરા ત્યાંથી નીકળી ગઈ. અદિતીને થયંુ, હજુ હમણાં જ તો મીરાની તપસ્યા રંગ લાવી, એમાં હવે પૂર્વ પ્રેમીનું આગમન ક્યાંક એને ફરી દીકરીમાંથી વહુ નહીં બનાવી દેને? નહીં, હું એવું નહીં થવા દઉં. અદિતીએ નક્કી તો કર્યું, પણ અનિરુદ્ધના વ્યવસાયની એને કયાં ખબર હતી? એ તો એ પણ નહોતી જાણતી કે અનિરુદ્ધને શિમલા મોકલનાર બીજુ કોઇ નહીં અક્ષય છે! Â Â Â ‘હેપી બર્થ ડે, અક્ષુ!’ અદિતીએ વિશ કરતા અક્ષયે હાથ લંબાવ્યો, ‘મારી ગિફ્ટ?’ પળવાર પતિને નિહાળી અદિતીએ એના હાથમાં હાથ મૂકી દીધો, ‘તમને જોઇએ એ આપ્યું.’ ‘તો સાંભળ.’ અક્ષયે એનો હાથ પકડતા મક્ક્મપણે કહ્યું, ‘આજની રાત તારે અનિરુદ્ધ સાથે ગાળવાની રહેશે!’ ‘અક્ષય!’ અદિતી કંપી ઉઠી. ‘તેં વચન આપ્યું છે, અદિતી! નહીં પાળે તો મારું મર્યુ મોં જોશે!’ અદિતી સહેમી ઉઠી. એ જ વખતે અનિરુદ્ધ પ્રવેશ્યો. અદિતીનો હાથ પકડી બેડરૂમમાં લઇ ગયો. રૂમનાં દ્વાર બંધ થયા. એ ખુલશે ત્યારે અદિતીનું કોઇ સુખ અધૂરું નહીં રહ્યું હોય! અને... અક્ષય શમણાંમાંથી ઝબકી ઉઠ્યો. બસ, વાસ્તવમાં પણ બધું આમ જ બને તો અમારા સંસારમાં અધૂરપ ન રહે! Â Â Â ‘વાંક મારો જ છે!’ રાત્રિવેળા દામિની ઘવાયેલી વાઘણની જેમ શેખરના રૂમમાં આંટા મારે છે, ‘મને આપેલું ધીરજ પાછું લઇ પણ શકે એ કેમ મારા ધ્યાનમાં ન રહ્યંુ? એને મેં જીવવા જ ખોટો દીધો...’ શેખર હેબતાયો. દામિની પોતે જ કંપનીમાં ન રહી એટલે મને કામની ન રહી! પણ બાઇ આવી ડંખીલી હોય તો એની સાથે સિફતથી છેડો ફાડવો પડશે! અને એનાં કોટેજનો ઇન્ટરકોમ રણક્યો. આવેશમાં દામિનીએ જ ફોન રીસિવ કરી લીધો. ‘મને હતું જ દેવી કે તમે અહીં જ મળશો.’ સામેથી ધીરજરાયે વાગ્બાણ છોડી ઉમેર્યુ, ‘તમને કહેવાનું રહી ગયું કે મુંબઇથી નીકળતા પહેલાં હું આપણા વકીલને બંધ કવર સુપરત કરતો આવ્યો છું. મારા દેહાંત બાદ જ એને ખોલવાની સૂચના આપી છે. કવરમાં એટલું જ લખ્યું છે કે એમાં લખેલી તારીખ બાદ મને કોઇ પણ પ્રકારની હાનિ થાય તો એ માટે મારી પત્નીને જ જવાબદાર ગણવી!’ સાંભળીને દામિની થીજી ગઇ. (ક્રમશ:)

અન્ય સમાચારો પણ છે...